ગુજરાતઃ ગાંધીનગર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે લોકરક્ષક દળ પેપર લીક મામલે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત પોલીસને દહીયા ગેંગના ત્રણેય સભ્યોને પકડવામાં એક મહિના બાદ સફળતા મળી છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ વિગતવાર આ વિશે માહિતી આપી હતી. આ ત્રણેય આરોપીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં હરિયાણા પોલીસ સેવાનું પેપર લેવા ગયાને ભુલથી ગુજરાત લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર હાથે લાગ્યું હતું. જેથી આરોપીઓએ પેપરને દિલ્હીના વિરેન્દ્ર માથુરને 50 લાખમાં વેચ્યું અને વિરેન્દ્રએ તે ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી વેચી દીધું હતું.
મોતઃ અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ત્યાં કામ કરતા 5 મજૂરો દટાઇ ગયા હતા જેમાં ત્રણના મોત નીપજ્યા હતા. મૃતકોની યાદીમાં ભીમરાજ સેત, સુભાષ બારૈયા અને જશવંત બારૈયાનો સમાવેશ થાય છે. આ કેસમાં બિલ્ડર યોગેશભાઇ કાછડીયા સહિત છ લોકોની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
રમાંકાત આચરેકરનું નિધનઃ પદ્મશ્રી અને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કોચ રમાકાંત આચરેકરનું મુંબઇમાં બુધવારે નિધન થયું છે. 86 વર્ષના આચરેકર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચીન તેદુંલકરના બાળપણના કોચ હતા. તેમણે સચીન ઉપરાંત વિનોદ કાંબલી, અજિત અગરકર, ચ્દ્રકાંત પંડિત અને પ્રવિણ આમરે સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોને પણ કોચીંગ આપ્યું હતું.
સસ્તી ટિકીટઃ કેથે પેસિફિક એરલાઇને ભૂલથી ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસની સિટ ઘણી સસ્તામાં વેચી દીધી છે. બુકિંગ કરનારા મુસાફરોને રૂ. 11.2 લાખ ટિકીટ માટે ફક્ત રૂ. 47,000 ચૂકવવા પડ્યા! હોંગકોંગની એરલાઇન કંપનીએ કહ્યું કે તે હજુ પણ તે મુસાફરોનું સ્વાગત કરશે જેમણે વિયેતનામથી કેનેડા અને અમેરિકાની બિઝનેસ ક્લાસ ટિકીટ ઇકોનોમિ ક્લાસની ટિકીટ તેની કિંમત કરતા ઓછામાં ખરીદી કરી છે.
આજે આ સમાચારો પર રહેશે નજરઃ મેઘાલયમાં ફસાયેલા મજૂરો સાથે સંકળાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સૂનાવણી થનાર છે. પીએમ મોદી આજે પંજાબના જલંધર જિલ્લામાં ઇન્ડિયન સાયંસ કોંગ્રેસનું ઉદઘાટન કરશે. આ એક વાર્ષિક ઘટના છે, જેમાં દેશભરના તમામ દિગ્ગજ વૈજ્ઞાનિકો જોડાય છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની આખરી અને નિર્ણાયક મેચ રમાશે. અમેરિકામાં નવી કોંગ્રસ છુટ્ટીઓ બાદ આજથી કામકાજ શરૂ કરશે. આ કોંગ્રેસને ડેમોક્રેટિક પાર્ટીનો બહુમત પ્રાપ્ત થશે.
રાષ્ટ્રીયઃ અમેરિકા દ્વારા ભારતીય કૃષિ ઉત્પાદનો પર આયાત કર લગાવવાના જવાબમાં ભારત પણ સામે અમેરિકી ઉત્પાદનો પર કર લગાવી શકે છે. તેમાં બદામ અને દાળનો સમાવેશ થાય છે. એક રિપોર્ટના અનુસાર તેનાથી અમેરિકી નિકાસ પર 90 કરોડ ડોલરનો ફરક પડશે.
માર્કેટઃ એશિયન બજારોના મિશ્ર પ્રવાહો, વૈશ્વિક અર્થતંત્ર ધીમુ પડવાના એંધાણ, ક્રૂડના ભાવમાં થતી વધઘટ અને રૂપિયાની મુવમેન્ટ ગુરુવારે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આ ઉપરાંત વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં મર્જર પરથી બજાર સંકેત લઇ શકે છે. એકંદરે જોઇએ તો બજારનો અંડરટોન નરમ દેખાઇ રહ્યો છે.
ગુજરાતઃ GJ-01 (અમદાવાદ સિટી આરટીઓ)ની સિરીઝ સાથેના વાહન રજિસ્ટ્રેશનમાં 12.55 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વસ્ત્રાલ અને બાવળાના આરટીઓ સહિત અમદાવાદમાં આરટીઓના રજિસ્ટ્રેશનમાં એકંદરે 5.73 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રાષ્ટ્રીયઃ ભારત 2020ના ઓક્ટોબરથી એડવાન્સ્ડ એસ-400 ટ્રિયમ્ફ સરફેસ ટુ એક મિસાઇલ સિસ્ટમ ધરાવશે જેમાં પ્રથમ પાંચ સ્ક્વોડ્રોન પ્રિલ 2023 સુધીમાં ભારતને ડિલીવર કરાશે.
સુપ્રીમ કોર્ટઃ સુપ્રીમ કોર્ટે એક કેસની ટિપ્પણી કરતા કહ્યું છે કે જો લિવ ઇન પાર્ટનર સાથે સંમતિથી શારીરિક સંબંધ બનાવે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં લગ્ન થઇ શકતા નથી તો તેને બળાત્કાર માની શકાય નહી. અદાલતે મહારાષ્ટ્રની એક નર્સ દ્વારા એક ડૉકટર વિરુદ્ધ કરેલી કરેલી અરજીનો નિકાલ કરતા આ ચૂકાદો આપ્યો હતો.