ચૂંટણીઃ આજે જસદણ ખાતે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળીયા અને અવસર નાકિયાના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મળતા અહેવાલ અનુસાર 72થી 75 ટકા મતદાન થયું છે. પરિણામ 23 ડીસેમ્બરે જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે મેદાન કોણ મારી ગયું છે.
ઇંગ્લેંડઃ યુકેની સરકારે બ્રેક્ઝિટ બાદ વિઝા અને ઇમીગ્રેશન સ્ટ્રેટેજીને લગતી નવી દરખાસ્તો રજૂ કરી છે. જે ભવિષ્યમાં ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને ખૂબ જ ફાયદાકારક નીવડશે. નવી દરખાસ્ત અનુસાર વ્યક્તિ ક્યા દેશમાંથી આવે છે તેના બદલે સ્કિલ્સ પર વધુ ભાર મુકવામાં આવશે. દર વર્ષે 20,700 ઇમીગ્રન્ટ્સને વિઝા આપવામાં આવશે, જેનાથી ડોકટરો અને આઇટી પ્રોફેશનલ્સને લાભ મળશે. આ ફેરફાર બ્રિટીશ વિઝા સિસ્ટમમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ફેરફાર હશે.
ગુજરાતઃ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. 6 કેટેગરીમાં કરવામાં આવેલા રેન્કિંગમાં 100 ટકા સ્કોરની સાથે બેસ્ટ પરફોર્મર રહ્યું છે. કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાન ટોપ પરફોર્મર રહ્યા હતા. આ કેટેગરીમાં 85 ટકાથી વધુ પરંતુ 100 ટકાથી ઓછા સ્કોરવાળા રાજ્યોમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ રેન્કિંગ ડીઆઇપીપી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ઓબામાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે વોશિંગ્ટોનની નેશનલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોની સાથે સાંતા ક્લોઝ બનીને મળવા પહોંચી ગયા હતા. લાલ ટોપી અને ખભા પર ભેટોની જોળી ભરીને ઓબામાને જોતા જ હોસ્પિટલના વહીવટીતંત્રએ તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાં ઓબામાએ બાળકોને ભેટ આપી હતી અને તેમની સાથે સમય વિતાવ્યો અને બધાની સાથે ફોટા પડાવ્યા હતા.
ઇન્ફોસિસઃ ઇન્ફોસિસ લિમીટેડે નિલાંજન રોયને તેના ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે નિમણૂંક આપી છે. એમ કંપનીએ એનએસઇ ખાતે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું. નિલાંજન રોય અગાઉ ટેલિકોમ કંપની ભારતી એરટેલ લિમીટેડમાં ગ્લોબલ ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર હતા તેઓ 1 માર્ચ 2019ના રોજ બેંગાલુરુ ખાતે ઇન્ફોસિસના હેડક્વાર્ટરમાં પોતાનો હોદ્દો સંભાળશે.
માર્કેટઃ આજે નિફ્ટી-50ની તેજીને બ્રેક લાગી હતી અને છેલ્લા દિવસની આગેકૂચ બાદ પાછી પડી હતી. જોકે કેન્ડલ પર બુલીશ દેખાય છે. 15.60 અથવા 01.4 ટકા ઘટીને બંધ આવતા પહેલા નિફ્ટીએ ઊંચામાં 10,962 અને નીચામાં 10,880નું મથાળુ પ્રાપ્ત કર્યુ હતું.
ચેનલ્સ માટે ચૂકવવા પડશે વધુ પૈસાઃ ટ્રાઇના નવા નિયમ અનુસાર જો ગ્રાહકે 100 ફ્રી ટુ એર ચેનલ્સ સિવાય અન્ય કોઇ પ્રિમીયમ કે પેઇડ ચેનલ જોવા માગતા હોય તો તેના માટે વધુ પૈસા આપવા પડશે. નવા નિયમના અનસાર ઇલેક્ટ્રનીક યૂઝર ગાઇડમાં દરેક ચેનલ્સની એમઆરપી નક્કી કરવામાં આવશે. ચેનલો દેખાડવા માટે નિશ્ચિત રાશિથી વધુ પૈસા વસૂલવા ગેરકાનૂની હશે. તેનું ઉલ્લંઘન કરનારા કેબલ ઓપરેટર્સ કે સર્વિસ પ્રોવાઇડર્સ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીયઃ બિહારની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ભાજપ વિરોધી મહાગઠબંધનમાં સામેલ થઇ ગઇ છે. ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસની ઓફિસે તેની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા સિવાય રાજદના નેતા તેજસ્વી યાદવ, હિન્દુસ્તાની અવામ મોર્ચાના જિતન રામ માંઝી, લોક તાંત્રિક દળના શરદ યાદવ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલ હાજર રહ્યા હતા.
ઉપભોક્તા બીલ પસારઃ ઉપભોક્તાઓના હિતમાં સંરક્ષણ અને તેની સાથે સંકળાયેલા વિવાદોના ઉકેલ સાથે જોડાયેલ ઉપભોક્તા બીલ 2018 ગુરુવારે લોકસભામાંથી મંજૂર થઇ ગયું છે. તે 1996માં બનેલા કાયદાનું સ્થાન લેશે. આની પર ચર્ચાનો જવાબ આપતા ખાદ્ય પુરવઠા તેમજ ઉપભોક્તા બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું કે આમાં એવી કોઇ જોગવાઇ નથી જેનાથી દેશના સંઘીય માળખાને નુકસાન થાય.