*છંદ : હરિગીત*
*જેસલ જાડેજા*
થરથર થરે જ્યાં નામ સૂણતાં કચ્છ કેરાં ગામમાં,
સાવજ સરીખી ત્રાડ ત્રાડન ગુંજ ગાજે ધામમાં,
ધરતી ધમાધમ ધ્રુજવે અસવાર થઈને આવતો,
તોરલ સતી સંગાથ જેસલ પીર પદને પામતો |૧|
કાળું તિલક કરતો કપાળે પાઘડી સિર પર ધરે,
તલવાર હાથે તકતકે ભય ભાખતો મન મુખ પરે,
સણસણ સમીરે સાદ જાણે કાળ કેરો લાવતો,
તોરલ સતી સંગાથ જેસલ પીર પદને પામતો |૨|
મોજા ઉછાળે મોત જાણે આંખ સામે આવતું,
દરિયા વચાળે ડર કપાળે પાપ સૌ પરકાશતું,
બે હાથ જોડી બ્હારવટિયો જીવ ભિક્ષા માંગતો,
તોરલ સતી સંગાથ જેસલ પીર પદને પામતો |૩|
ગૌ ગામ ગોંદરથી વળાવી બે'ન ભાણા મારિયા,
પાપો ભર્યા પાપી જીવનમાં તે છતાં ભવ તારિયા,
સરસર સરકતી વાસના પર લોભ સંયમ લાવતો,
તોરલ સતી સંગાથ જેસલ પીર પદને પામતો |૪|
ઠેલાય ઠસકો પાપનો જ્યાં પુણ્યનું પલ્લું નમે,
પાષાણ પડ તૂટી હૃદયનાં અંતરે અલ્લખ રમે,
તલવાર ત્યાગી તેજદારી ને શરણમાં આવતો,
તોરલ સતી સંગાથ જેસલ પીર પદને પામતો |૫|
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*