નથી ભૂલ્યો તમારા દ્રાર, આ પગથારને પૂછો;
અમારી સાધના માટે તમારા દ્રારને પૂછો.
અમારા પર તમોને પ્યાર છે એ વાત સાબીત છે;
તમારા આ વદન પરના બધા અણસારને પૂછો.
અમે માણી મજા કેવી પ્રલય, આંધી, તૂફાનોની;
કીનારાથી જઇ આઘે જરા મઝધારને પૂછો.
તમારા નામની કરી છે સાધના નીશદીન કેવી;
જરા છેડી તમે આ ઉર-વીણાના તારને પૂછો.
અમે તો આગ જેવી આગ પોષી છે આ દીલમાં
સરી જાતી નયનની ઊની અશ્રુધારને પૂછો.
મીલન કે જુદાઇમાં મજા કેવી સમાઇ છે;
કો’ દીપકને, પતંગાને, ગુલોને, ખારને પૂછો.
મીલન કેરી ઉતાવળનુ મને પૂછો નહીં “નાઝિર“
હ્દયની વાત છે માટે હ્દય-ધબકારને પૂછો...