એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી
લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી
ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર
મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત
મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ
છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા
કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી
બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા
શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા
સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય.
તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’
શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના
સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક
શબ્દો પણ.
ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ
માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન
બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ
કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ
રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.
‘યુ-ટર્ન’ પુસ્તકમાંથી