ક્યારેક જો એકાએક એવું થઈ જાય તો ?
તું ચાલે દરિયા પર અને પાછળ તારા પગલાં રહી જાય તો ?
સમય ને કહે તું ટાઇમ પ્લીઝ, અને એ તારી વાત માની જાય તો ?
અજવાળા ને તું તરસે, ને અચાનક કોઈ સુરજ નો ટુકડો તારા હાથ માં મૂકી જાય તો ?
તારી પાંપણ પર બેસે પતંગિયું, ને તારા બધા સપના રંગાઈ જાય તો ?
પકડવા જાય તું હવા...ને એ તારા હાથમાંજ રહી જાય તો ?
મિત્ર બની પડછાયો તારો.. તારી સાથે જ રહી જાય તો ?
ભર ઉનાળે મેઘધનુષ તને મળવા આવી જાય તો ?
તારા બનાવેલા રંગ વિહીન ચિત્રોમાં..કોઈ ધીમેથી આવી રંગ પુરી જાય તો ?
તારા ખાલી ગજવામાં કોઈ મુઠ્ઠી ભરી આનંદ મૂકી જાય તો ?
વૃદ્ધાવસ્થા માં તારી..કોઈ ખોબો ભરીને બાળપણ આપી જાય તો ?