ઘણ રે બોલે ને
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો... જી:
બંધુડો બોલે ને ભેનડ સાંભળે હો... જી.
એ જી સાંભળે વેદનાની વાત -
વેણે રે વેણે સત-ફૂલડાં ઝરે હો... જી
બહુ દિન ઘદી રે તલવાર,
ઘદી કાંઈ તોપું નેમનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહારઃ
હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૨)
પોકારે પૃથ્વીના કણ કણ કારમાં હો... જી:
પોકારે પાણીડાં પારાવરનાં હો...જી.
જળ-થળ પોકારે થરથરી:
કબરુંની જગ્યા રહી નવ જરી;
ભીંસોભીંસ ખાંભીઉં ખૂબ ભરી;
હાય, તોય તોપું રહી નવ ચરી:
હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૩)
ભઠ્ઠીયું જલે રે બળતા પ્હોરની હો... જી
ધમણ્યું ધમે રે ધખતા પ્હોરની હો... જી
ખન ખન અંગારે ઓરણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નર જીવંતા બફાણા -
તોય પૂરા રોટા નવ શેકાણા:
હો એરણ બ્હેની! - ઘણ રે બોલે ને(૪)
હથોડા પડે રે આજ જેના હાથના હો... જી:
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો...જી.
સોઈ નર હાંફીને આજ ઊભો,
ઘતદામાં ઘડે એક મનસૂબો:
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ, દાંતરડું કે તેગ?
હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને
આજુથી નવેલાં ઘડતર માંડ્યાં હો... જી
ખડગખાંડાને કણ કણ ખાંડવા હો....જી
ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ!
ઝીણી રૂડી દાંતરડીનાં રાજ
આજ ખંડ ખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય:
હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને
ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હો...જી
ઘડો હો વિલાયત નારના ઢોલિયા હો...જી.
ભાઈ મારા! ગાળીને તોપગોળા,
ઘડો સુઈ મોચીના સંચ બ્હોળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ તંબૂરાના તારો:
હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને
ભાંગો, હો ભાંગો રથ રણ જોધના હો...જી:
પવળડાં ઘડો, હો છોરુડાંના દૂધના હો...જી
ભાઈ મારા લુવારી! ભડ ર્-હેજે,
આજ છેલ્લી વેળાએ ઘાવ દે જે,
ઘયે ઘાયે સંભાર્યે ઘટડામાં
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં :
હો એરણ બ્હેની! ઘણ રે બોલે ને