‘શાંતિ’ ફ્લેટ્સ માં આજે ચણભણ થતી હતી , “ સાંભળ્યું , સામે નો બંગલો વેચાઈ ગયો. હવે ત્યાં નવા ફ્લેટ્સ બનશે.પણ વચ્ચોવચ આવેલા આપણા માનીતા વૃક્ષ નું શું થશે ? “ બિલ્ડર બહુ વ્યવસ્થિત ને સમજદાર નીકળ્યો. વૃક્ષ ની આસપાસ સરસ રીતે બે જ વર્ષ માં નવા ‘વસંત ‘ ફ્લેટ્સ ઉભા કરી દીધાં.
હવે બધા ધીમે ધીમે રહેવાં માટે આવવા લાગ્યા . એક સવારે શાંતિ ફ્લેટ્સ ના રહેવાસીઓ એ ઉઠી ને જોયું , તો વૃક્ષ કપાઇને પડેલું હતું. ‘ શાંતિ’ માં તો દેકારો થઇ ગયો ને રોકકળ મચી ગઈ. સામે ફ્લેટ્સ માં જઈ ને પૂછ્યું કે કેમ કાપી નાખ્યું આ ઝાડ ને ? તો વસંત ના રાહેવાસીઓ એ કહ્યું કે , ‘અમને પાર્કિંગ માં નડતું હતું એટલે. પણ તમે કોણ છો પૂછનારા ? “
જયારે ‘વસંત’ ની ક્રૂરતા અટ્ટહાસ્ય કરતી હતી., ત્યારે સામા બારણે ,બીજે દિવસે સવારે , જેને કપાતી વખતે વેદના થઇ જ હશે, પણ જેણે ના તો ચીસો પાડી કે જે ના રડયું , એવા વૃક્ષ ના માન માં ‘શાંતિ’ ના રહેવાસીઓ એ શાંતિસભા યોજી ને નક્કી કર્યું કે હાજર દરેક વ્યક્તિ નવા પાંચ વૃક્ષ વાવશે .