જિજીવિષા એટલે આકાશ,
આકાશ એટલે કાચિંડો.
દિવસે કોઢિયો,
રાત્રે રક્તપિતિયો થઈ
આંખોનાં પોપચાંમાં
બિડાઈ જાય.
પણ,પાછો આ તો
પરોઢના ગળફામાં
વછૂટી
અવતરે,પ્રસ્તરે,વિસ્તરે
જૂના ચીલે ચાલી,
ફેલાઈ જાય.
ક્યારેક તો આંખોમાં જ
કબજો જમાવી દે છે.
ને ઈચ્છાઓની
દાઢ સળકે એવું રૂપ લઈ
ચોતરફ પાછો
રેલાઈ જાય.
આ ચાર અક્ષરી મુખવાસ
સદીઓથી દાઢમાં રાખ્યો છે.
હવે તો કદાચ,એ પણ-
કોહવાઈ જાય.
ખાટી દ્રાક્ષની ઉપમા આપીને
સતત થૂંક્યે રાખ્યો છે.
છતાં,એના લોહીમાં જ-
કંઈક એવું છે કે
આપમેળે એમાં સૌ
અટવાઇ જાય.
---------------વાસુદેવ બારોટ