બાપુજી...
'બાપુજી' શબ્દ ભલે ત્રણ અક્ષરનો બોલવામાં નાનો લાગે પણ એને સમજવા માટે એક આયખું પણ ઓછું પડે છે. જે મૌન રહીને પણ અણધાર્યું કાર્ય કરી જાય છે આજ બાપુજી એ એના બાળકો એની પત્ની માટે આખી દુનિયા બરાબર હોય છે. જેમ શેષનાગ છત્ર બની ભયંકર તોફાન વચ્ચે પણ બાળગોપાલની રક્ષા કરી યમુના પાર કરાવે છે. એમ જ ઘરના મોભી, ઘરની છત્ર છાયા કેહવાતા બાપુજી અનેક વિકટ પરિસ્થિતિનો બોજ પોતાના પીઠ પર લાદી પોતાના પરિવારનું જીવન સહજ બનાવે છે.
પોતાના પરિવાર ની ખુશી, બાળકો ની ઈચ્છા એનેજ પોતાની ઈચ્છા પોતાની ખુશી બનાવી સદંતર એની પૂર્તિ માટે પ્રયાસો કરતો રહે છે. માં ની મમતા સરીખા આસુંડા વહાવી વારેવારે પ્રેમ જતાવવાની કોશિશ નહી કરશે પણ આજ પાષાણ જેવું હ્રદય હોવા છતાં જે પર્વત જેવો અડગ હોવા છતાં, જે સમુદ્ર જેવો ગર્જતો હોવા છતાં પોતાની કાળજું સમી દીકરીની વિદાય વેળાએ સમાજ કે અન્યની પણ પરવા કર્યા વગર લાચાર, ગરીબડો બની ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કદાચ દીકરી એકવાર એના માં ની આંખોના આંસુ જોઈ લેશે પણ પોતાના બાપુજીની આંખમાં આંસુ ક્યારેય નથી જોઈ શકતી.
ભલે બાપુજી દીકરા માટે પ્રેમ બધાની સામે એટલો નઈ જતાવે જેટલો પ્રેમ એક દીકરી માટે બધાની સામે જતાવે છે. પણ સાચું તો એ પણ છે કે જ્યારે પણ દીકરો આ જીવન સફરમાં ક્યાંય પણ ડગમગતો લાગે તો ચિંતાની પહેલી અસર એના બાપુજીને થાય છે. દરેક પરિસ્થિતિમાં એ એની હિંમત બનશે, એનો દોસ્ત બનશે, અને કદાચ દીકરો અગર જીવનની આ સફર મા ક્યાંક હારી પણ જાય ને તો એજ બાપુજી એના માટે પ્રેરક પણ બનશે. પોતાના પરિવાર માટે એમની ખુશી માટે આમ દિવસ રાત જિંદગી જોડે સંઘર્ષ કરતો રહે છે.
દુઃખની વાત તો ત્યારે આવે છે, જ્યારે આટઆટલા બલિદાન આપ્યા પછી પણ પોતાની ઢળતી ઉંમરે જો સુખનો એક રોટલો નસીબમાં ના મળે, પૌત્ર પૌત્રી સાથે રમવાના, ફરી બાળપણ જીવવાના દિવસો જો વૃદ્ધાશ્રમ માં ગાળવા પડે તો એજ પાષાણ હૃદયી, એજ પ્રેરક, એ છત્ર કહેવાતા બાપુજીનો જીવ કેવો દુભાતો હશે એ એના સિવાય કોઈ ના જાણી શકે કારણ કે એણે તો પહેલેથી જ પોતાનું દર્દ, પોતાની તકલીફ એજ પરિવારની ખુશી માટે ત્યાગી દીધા હતા. જેને પોતાના પાસે કશું રાખ્યું જ નહિ એ જતાવી પણ શું શકે ?
તોય અગર જીવનમાં ક્યારેક કોઈ વાર પસ્તાવાનો અવસર આવે, પોતાની ભૂલની સમજણ આવે તો બે હાથ જોડી એ ગરીબડા પાસે જઈ જોજો હજુય એ આપવા માટે ના નઈ પાડે, એજ બાપુજી તમને છાતી એ ચાંપી હસતા મોઢે માફ ના કરે તો કહેજો.
મિલન લાડ. વલસાડ - સુરત.
#lagninopaheloahesaseprem