Matrubharti bites
માતૃભારતી બાઇટ્સ... એક એવી જગ્યા જ્યાં એક પરિવાર વસે છે. ઘણાં સમયથી હું માતૃભારતી સાથે જોડાયેલો હતો, પણ બાઇટ્સમાં ક્યારેય ખાસ નજર નહોતી કરી.. પણ છેલ્લા થોડા દિવસથી બાઇટ્સ ઉપર હું પણ એક્ટિવ રહેવા લાગ્યો, જ્યાં મને એક પરિવાર સાથે જોડાઈ ગયો હોય એમ લાગ્યું, સોશિયલ મીડિયા ઉપર ઘણાં બધાં મિત્રો બન્યા, પણ આ જગ્યા મને બીજી બધી એપ્લિકેશન કરતાં સાવ જુદી જ લાગી. અહીંયા કોઈની પ્રોફાઈલમાં એમનો બાયોડેટા નથી જોઈ શકાતો, ના મેસેજ કરવા માટેનું કોઈ ઓપશન, માટે ખુલીને પોતાની વાત જાહેરમાં જ રજૂ થઈ શકે છે.
વળી, કોઈ પોસ્ટમાં કોમેન્ટ કરવી હોય તો પણ મર્યાદિત શબ્દોમાં જ થઈ શકે, માટે શબ્દો પણ સમજી, વિચારી, ગોઠવીને મુકવા પડે એ પણ અહીંયા શીખવા મળ્યું, સાથે સાથે એકવાર થઈ ચુકેલી કોમેન્ટ ના ડીલીટ થઈ શકે કે ના એડિટ થઈ શકે માટે દરેક શબ્દને કૉમેન્ટમાં પોસ્ટ કરતા પહેલાં ઘણું જ વિચારવું પડે. અત્યાર સુધી મેં બીજા સોશિયલ મીડિયા ઉપર જોયું છે કે કોમેન્ટ કરનાર એડિટ કે ડીલીટ કરી પોતાના શબ્દોને બદલી નાખતા હોય છે પણ અહીંયા કોઈ ચાન્સ જ મળતો નથી. આ બાબત પણ મને ઘણી ગમી.
માતૃભારતીના ઘણાં લેખકો પણ બાઇટ્સમાં ઉપલબ્ધ છે, તેઓ પણ અહીંયા લાઈવ ચર્ચા કરે છે, વાચકો તેમની સાથે સીધો સંવાદ કેળવી શકે છે, બાઇટ્સમાં યુવા વર્ગ પણ જોડાયેલો છે અને કેટલીક પોસ્ટની ચર્ચા દરમિયાન તેમની સાથેના સંવાદોમાં તેમના વિચારો પણ જાણવા મળ્યા, અને આજની યુવા પેઢી યોગ્ય દિશામાં ચાલી રહી છે એ યુવામિત્રોના વિચારો દ્વારા જાણી ખરેખર આનંદ અનુભવવા જેવું હતું.
માતૃભારતી બાઇટ્સમાં કેટલીક ખામીઓ પણ છે. કોમેન્ટ સમય પ્રોસેસિંગનો સમય વધુ નીકળી જાય છે. ક્યારેક કોમેન્ટ પોસ્ટ થઈ હોવા છતાં વૉલ ઉપર પેન્ડિંગમાં બતાવ્યા કરે છે, ક્યારેક કોઈ વિષય ઉપર લાંબી ચર્ચા થઈ શકે તેમ હોય ત્યારે શબ્દો પણ ઓછા પડે છે. આ બધી બાબતો સમય સાથે દૂર ચોક્કસ થશે એવી મારી આશા છે. પરંતુ બધી જ રીતે જોવા જઈએ તો માતૃભારતી બાઇટ્સ ખરેખર મઝાની જગ્યા છે, માતૃભારતી એપમાં જે લોકો જોડાયેલા છે તેમને બાઇટ્સની મુલાકાત લેવી જ જોઈએ. ઘણાં ખરા અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવી અને શબ્દ સંવાદ કરવો જોઈએ. મઝા આવશે..
આભાર માતૃભારતીના સૌ કાર્યકરો અને શ્રી મહેન્દ્ર શર્મા સાહેબનો જેમને આટલી સુંદર એપ અને આટલું ઉમદા પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું.
નીરવ પટેલ 'શ્યામ'