તેં મને પ્રેમ કર્યો જ નથી, બસ સબંધ સાચવ્યો છે.
તું ડિવોર્સી હતી અને તને હવે એક સામાજિક અને આર્થિક રીતે સક્ષમ એવા પુરુષની જરુર હતી જે તારું અને તારી દીકરી મુસ્કાનનું ભરણ પોષણ કરી શકે.
મને તારામાં એક પરિપક્વ અને સુશીલ સ્ત્રી દેખાઈ અને સાચું કહું તો તારામાં મને કુમુદની જ એક ઝલક દેખાઈ, એટલે મેં પણ આ સગપણ માટે તરત હા પાડી.
પણ આ બધું કહીએ એટલું સરળ હોતું નથી, નવા માણસ જૂની માનસિકતા, એકબીજા પાસેથી અપેક્ષાઓ, અને પછી એ અપેક્ષાઓ પર ખરા નહીં ઉતરવાનું દુઃખ, આપણે ક્યાંક ખોટા પડ્યાનું દુઃખ. પણ એ બધામાં મજા આવી. પહેલા 2 વર્ષમાં જાણે આપણે એવરેસ્ટ ચડાણ કરી લીધા એવું લાગ્યું.
તારી આંખોમાં આંખ પરોવીને ચા પીવી, હાથ પકડીને મોર્નિંગ વૉક, ખભે હાથ રાખી વિકઍન્ડમાં ફિલ્મો જોવી અને રાતે શેરડીનો રસ પીવા બાઈક પર સાથે જવું, તને એકાંતમાં બાથમાં બીડી લેવું, એ બધામાં હું ક્યારે તારા પ્રેમમાં પડ્યો મને યાદ નથી.
તારી પ્રેમની શરૂઆત ક્યારે થઈ? આપણે ટ્રેનમાં સાથે કમલા માસીના છોકરાના લગ્નમાં ગયા કદાચ ત્યારે? આપણું બર્થ કન્ફર્મ નહોતું થયું, તું આખી રાત મારા ખભા પર માથું ટેકવીને સૂઈ ગઈ હતી અને હું બસ એ મજેદાર ક્ષણોને માણતો રહ્યો. સવાર ક્યારે પડી ખબર જ ના પડી. સવારે તેં મને સૉરી કહીને પૂછ્યું કે તમે સૂતા કે નહીં અને પછી આપણે કેટલું હસ્યાં...
આજે તો તે હદ વટાવી દીધી છે, ચાલો માની લઈએ કે તું મને પ્રેમ નથી જ કરતી પણ આપણો સંબંધ તો ખરો કે નહીં?
એ સંબંધની પણ તે પરવા કરી નહીં, થોડોક તો સમય આપવો હતો મને, બસ બે મિનિટ... બે મિનિટ આપી ગુડ બાય કહેવા માટે?
આ પ્રેમ નથી, બસ સ્વાર્થ છે. જા હું નહીં બોલું તારી જોડે.
- મહેન્દ્ર 'પ્રેમી'