અહમની ઈંટ વાવી'તી ! ઉગીને ઓરડો થઈ ગઈ !
જરા ચાખી ન ચાખી ત્યાં સફળતા તો નશો થઈ ગઈ !
બધી રેખાઓ અંતે બાવડાંમાં જઈ ફળી એને !
હથેળી જેમની ના રહી હથેળી ! ને ખભો થઈ ગઈ.
ઘણી ધનવાન ફાટેલ આંખ સામે આ થયો જાદુ !
બન્યો સંતોષ ઓશીકું ને શાંતિ ખાટલો થઈ ગઈ !
હતી માટી જ મારી જાત ! ને માટીપગું વર્તન !
ફરી જો આંખ શિક્ષકની ફરીને ચાકડો થઈ ગઈ !
જતો'તો એવા રસ્તે કે કદી પાછો વળત ના હું !
અચાનક દીકરીની યાદ, આવી ઊંબરો થઈ ગઈ.