સોડ તાણીને સુઇ રહેવા દો
શું કરવું છે વહેલા ઉઠી?
“જાગો, જાગો, કામ પતાવો”
શીદ કરો બૂમરાણ એ જૂઠી.
ડુંગર ધારે નીકળ્યો સૂરજ
પાંદડે પાંદડે ચોળશે પીઠી
એટલા ખાતર શીદને ખોવી
પાછલા પહોરની નીંદર મીઠી.
જાગનારાનું નશીબ જાગે
વડીલોએ એવી વાતો હાંકી
પ્રભાતનો ઉજાસ આવે તો
રજાઈ લેવી મુખ પર ઢાંકી.
વનમાં પેલાં પંખી બોલે
પંખીમાં તે કેટલી અક્કલ
માણસ જેવા માણસ થઈને
આપણે એની શું કરવી નકલ?
રંગબેરંગી ફૂલડાં ખીલ્યાં
બાગની શોભા જોવા જેવી,
ફૂલડાં નથી નાસી જવાનાં
જોવા કાજ ઉતાવળ કેવી?
આળસ છોડો, ઉદ્યમ કરો
સંભળાવો શીખ હોય કંઇ બાકી
થાક્યા નહીં ઉપદેશ દેનારા
સાંભળી સાંભળી દુનિયા થાકી.
કોણ રસોડામાં ગેસ પ્રગટાવે?
ખખડાવે છે કોઈ રકાબી?
ચાલો ત્યારે અત્યારે મારે
છોડવી પડશે નીંદ ગુલાબી.
નાથાલાલ દવે.
સંકલન: સુનીલ અંજારીયા