🙏🙏 જુદાઈ શું છે?તેનો મર્મ મયુર દરેક ને ક્યાં સમજાય છે.
વિરહ ની વેદના અનુભવી જેને તેને લગાવ શું છે, સમજાય છે.🦚🦚
જુદાઈ,વિરહ કે વિખુટા શબ્દ સાંભળતા જ આપણે પ્રથમ તો કોઈપણ બે વ્યક્તિ કે સજીવોને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ એ વિખૂટા પાડી દીધાં હશે. તેવો સામાન્ય અંદાજ આવી જાય છે અને તે સાચું પણ છે. કેમકે બે વ્યક્તિ સાથે હોય અને વિખૂટા પડે ત્યારે જ તો જુદાઈ નામના શબ્દનું સર્જન થાય છે.
ખરેખર આમ જોઇએ તો જુદાઈ બે પાત્રોનો સાચાં સ્નેહની સાબિતી પણ દર્શાવે છે. કેમકે સ્નેહની અમી ધારા પરસ્પર વહેતી હોય છે તેમાં કોઈ વિક્ષેપ નાખી તેનો પ્રવાહ અવરોધિત કરીને જુદો કરે ત્યારે જ વિરહ નામના વળાંક નું સર્જન થાય છે.
વ્યકિત વ્યકિતએ વિરહની લાગણીઓની અનુભવ શક્તિ અલગ હોય શકે છે. કોઈ વર્ષોના વર્ષો સાથે રહીને પણ પળભરમાં સંબંધોનો અંત લાવી દે છે. જુદા પણ થઈ જાય છે અને પોતાના અલગ જીવનમાં મશગુલ પણ થઈ જાય છે.
જ્યારે એક બાજુ કોઈ વ્યક્તિ જુદા થઇને પણ સતત મનથી ભેગું જ હોય છે. તેની 'મિલન' માટેની તડપ ખરેખર તે વિરહમાં મુખ્ય રૂપે કારણભૂત ના હોય
તેની "ગવાહી" પણ પૂરે છે.
આથી જ કહેવાયું છે કે,,,
મિલનના વર્ષો માણ્યા કરતા વિરહની પળોમાં સ્નેહ વધું મપાયો છે.
જેના મન વિરહની પીડા હોય છે તેને જેનાથી વિખુટા પડ્યા હોય તેના પ્રત્યે સ્નેહની અખૂટ ધારા મન ભીતર પણ વહેતી હોય છે, આ બાબતે કોઈ શંકાનું સ્થાન રહેતું નથી.
તેને તો જ જુદાઈની પીડા ઉપડે નહીં તો આમ અમથી જુદાઈ એટલું બધું દર્દ ના જ આપે. આપણે આપણા સમગ્ર જીવનમાં ઘણા બધા લોકોને મળતા રહેતા હોઈએ છીએ અને તે લોકોથી વિખૂટા પણ પડતાં હોઈએ છીએ. એ લોકોથી થયેલો વિરહ કે જુદાઈ આપણે એટલું બધું દર્દ કે યાદ આપતી નથી કેમકે ત્યાં સ્નેહનું બંધન મજબૂત રીતે બંધાયેલું હોતું નથી.
આ સ્નેહનું બંધન મજબૂત રીતે બંધાયેલું છે ત્યાં આ બંધન એક સમયે તુટતા પણ એક રીતે તુટ્યું હોતું નથી.મનથી તો કદી નહીં કેમકે,,
તને આવતા ક્દાચ કોઈ રોકી લે પણ યાદોં પર પહેરો લાગતો નથી.
વિરહ એક વ્યક્તિ કે પછી બે હૈયાની કોઈ અડચણ, મજબુરી કે પછી આવેશમાં લીધેલો કોઈ એવો નિર્ણયનું પરિણામ હોય શકે છે. જેનાથી નાછૂટકે જુદાં થવું પડ્યું.
ક્યારેક કોઈ બે વ્યક્તિ જુદા પડે છે, તેનું કારણ તે બન્ને વ્યક્તિ કદી હોતા પણ નથી. કોઈ ત્રીજી વ્યક્તિ ની કાનભંભેરણી કે પછી તેનું ષડયંત્ર હોય જેના દ્વારા તે બે વ્યક્તિ વચ્ચે પરસ્પર વિરોધી વિચારો રજૂ કરીને એકબીજાને અલગ કરી દે છે. હા એક વાત કહું તે સત્ય પણ છે,આ રીતે કાનભંભેરણી કે ખોટા ઈરાદે કોઈને વિખુટા પાડવાથી ક્દાચ તેને ક્ષણિક ખુશી લાગશે.
જ્યારે બન્નેને સમય આવે સત્ય સમજાશે ત્યારે તેઓને અન્યની વાતો પર આંધળો વિશ્વાસ નહીં કરવાનું બ્રહ્મજ્ઞાન ચોક્કસ આવશે અને જેટલું વિરહનું દુઃખ સહન કર્યું હતું તેનાથી બમણાં વેગે મિલનની ખુશી માણશે.
આપણે કદી વિરહ ની વેદના શું છે. સમજવી હોય તો કોઈ સારસ નામના પક્ષીની બેલડીને જોજો હંમેશા તે બન્ને નર માદા જોડે જ રહે છે. બે માંથી એક વિખૂટું પડે તો બીજું પોતાનું માથું પછાડી પછાડીને મૃત્યુ પામે છે તેનું આક્રંદ વિરહની સાચી પરિભાષા શું છે? તે સમજાવી જાય છે .
જુદાઈ નું દર્દ કેવું દર્દનાક હોય સમજવું હોય તો કોઈ હરણ તેના મૃગ બાળને જન્મ જ આપ્યો હોય છે. હજુ તે બાળ ચાલવા પણ શીખ્યું ના હોય! કોઈ હિંસક પશુ આવી લાચાર જનની સામે જ તેને ઉઠાવી જાય.
આ સમયે એક માંની આંખોમાં પોતાની મજબુરી અને મૃગબાળનો વિરહ ખુબજ પીડાદાયક રીતે દેખાતો હોય છે.
એક લાચાર માં ને પોતાના જીવ કરતા પણ વ્હાલા બાળથી દૂર થવું પડે છે. આ વિરહ ખરેખર ગમે તેવા પથ્થર દિલ માણસને પણ પીગળાવી દે, પણ હા; એક શર્ત છે કે એ માણસ હોવો જોઈએ અને તેનામાં કરુણતા હોવી જોઈએ