આજે પડતર દિવસ હતો અને સંધ્યાનો સમય હતો. બીજે દિવસે નવું વર્ષ ચાલું થતું હતું તો રોડ પર લોકોની ખરીદી કરવા જવા માટે પણ ભીડ હતી.
આ પડતર દિવસે હું સંધ્યા સમયે બાઇક લઇને થોડા કામથી ગામમાંથી શહેર તરફ જઈ રહ્યો હતો.
આ સમયે રોડની એક સાઈડ બાજુ ઘણા લોકોનું ટોળું એકત્રિત થયેલું હતું. મેં બાઈક ઉભું રાખી શું થયું છે?તે જાણવા પ્રયત્ન કર્યો.
એક ભાઈ કહે; એક કાકાને એક્સિડન્ટ થયો છે.
એ કાકા રોડની એક સાઈડની બાજુમાં જઈને પડ્યા હતા અને ટોળું તેમની આસપાસ વિંટળાઈ વળ્યું હતું પણ કોઈ કાકાને હોસ્પિટલ લઈ જવાનું વિચારતા ના હતાં.બધા જ કહે ૧૦૮ ને ફોન કર્યો છે,આવે જ છે.
૧૦૮ એમ્બ્યુલન્સ નજીકના શહેર ખંભાત થી આવે તોપણ તેનું અંતર દસ કિલોમીટર થતું હતું. જ્યારે કાકાનો એક્સિડન્ટ થયો હતો. તે જગ્યાથી સરકારી હોસ્પિટલ નું અંતર ફક્ત અડધો કિલોમીટર જ હતું, પરંતુ બધાં જ એમ્બ્યુલન્સ ની રાહ જોઈ બેઠા હતા ખબર નહીં પણ કોઈને તેમને નજીક નાં દવાખાને પહોંચાડવાનો વિચાર ના આવ્યો.
મેં કહ્યું ૧૦૮ આવશે ત્યારે જોયું જશે.પહેલા કાકાને આપણે નજીક સરકારી હોસ્પિટલમાં લઈ જઈએ. મેં કાકાને ઉઠાવ્યા એક ભાઈને બાઈક ચલાવવા કહ્યું અને તેમને ઉંચકી અમે હોસ્પિટલ લઈ ગયા, કાકા અને મારા કપડાં પણ લોહી થી લથપથ થઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટર હાજર ના હતાં અને નર્સએ કાકાને પ્રાથમિક સારવાર આપવામાં પણ સમય લીધો. ડોક્ટર તહેવારને કારણે હાજર ના હતાં.
નર્સ મેડમે કહ્યુ કાકાને ખંભાત જનરલ હોસ્પિટલમાં લઈ જવા પડશે તેમની કંડીશન સિરીયસ છે.
આવી ચર્ચા ચાલતી જ હતી અને ૧૦૮ આવી ગઈ અમે કાકાને એમ્બ્યુલન્સ માં સિફટ કર્યો પણ કાકાએ અધવચ્ચે જ દમ તોડી કાઢ્યો.
ખરેખર એ કાકાને શ્વાસ નાં દર્દી હતાં અને એક્સિડન્ટ થયો તેમાં તેમને ફેફસાના ભાગે વધુ વાગી ગયું.બીજું કે તેમને ઝડપી પ્રાથમિક સારવાર ના મળી માટે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. મને ખુબ જ અફસોસ થયો કે આટલો પ્રયત્ન કરવાં છતાં હું કોઈને બચાવી ના શક્યો.