👌😋👌 ઉંધિયું.....👌😋👌
શિયાળો એટલે વિવિધ શાકભાજી અને વસાણાંનો મેળો, આવો એક શાકભાજીનો મેળો આજ મારા રસોડે પણ, જેમાં ખાટાં, ખારા, કડવા, તીખા, તૂરા અને મીઠા એમ છ એ છ રસનો સમાવેશ થઈ જાય છે, આ મેળાવડો એટલે ગુજરાતની શાન એવું ઉંધિયું.
અને શિયાળામાં ઉંધિયાની મજા ન માણીએ તો શિયાળો એળે ગયો લાગે, કડકડતા તેલમાં જ્યારે તજ, લવીંગ, બાદિયા, મીઠો લીમડો, રાય , જીરૂં આ બધા ખડાં મસાલા સાથે લીલું લસણ અને આદુની પેસ્ટ પડે છે, ત્યારે આખું ઘર વધારની સોડમથી મહેંકી ઊઠે છે. એટલું જ નહીં આસપાસ પાડોશીના ઘરે પણ એ એની સોડમ પહોંચાડે છે.
ધીમે ધીમે તેમાં ઉમેરાતા એક પછી એક શાકને ખુલ્લા તપેલામાં ઉમેરાતા જ્યારે બધાં શાક એકબીજા સાથે જે હસી ખુશીથી એક થઈ જાય છે સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું પડે, ત્યારે તેનો રંગ અને સ્વાદ બંને ખીલી ઊઠે છે, અને અલગ અલગ પ્રકૃતિના હોવા છતાં એકતાની તાકાતનો ખૂબ સરસ સંદેશ આપી જાય છે.
આવું જ આપણા પરિવારનું છે જે બધા જ અલગ અલગ સ્વભાવના સંબંધોનો એક મેળો જ છે બસ જરૂર છે એકબીજાને સમજીને સ્વીકારવાની, બધા જ પોતાના ગુણ અવગણ જાણીને એક થઈ જાય તો ઉંધિયાની જેમ પરિવારની પણ શાન વધી જાય છે પરિવારમાં પણ કડવા, તીખાં, ખારા, મીઠાં બધા સ્વભાવનાં લોકો હોય છે જે પ્રકૃતિની દેન છે તેને બદલી તો ન શકીએ પણ થોડું જતું કરી સ્વીકારી તો જરૂર શકીએ છીએ. જો માણસ મેથી જેવો કડવો રહે તો ઉંધિયાની શાન બની જાય છે, પરંતુ કડવા કારેલાની જેમ અક્કડ રહી કડવાશ મૂકે નહિ તો તે ક્યારે પરિવારમાંથી ફેંકાઈ જાય છે ખુદ તેને પણ ખબર નથી પડતી, એટલે વડીલોની જેમ બટેટા જેવા બનો જેને થોડો વ્હાલ, પ્રેમ આપો એટલે નાના-મોટા બધા સાથે એક થઈ જાય. આજ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે.
લો બોલો, આ તમારી સાથેની વાતોમાં મારું ધમધમતું ઉંધિયું પણ તૈયાર, આંગળા ચાટી જાવ એવું મસ્ત મસાલેદાર, એમાં સાથે સાસુના હાથની માખણ જેવી મુલાયમ રોટલી હોય, ફુલેલા ખીચીના પાપડ હોય, એક એક દાણે ખિલેલા છૂટાં ભાત હોય, કાકડી, મૂળા, લીલી હળદરના ચકેડા થાળીની શોભા વધારતા હોય, પડખે ધરતીનું અમૃત એવી ઘાટી મીઠી છાસ હોય, બેનની બેબી માસીને વખાણ કરી કરી ફૂલાવતી હોય, અને પરાણે બાજુમાં બેઠેલા પતિ દેવ આગ્રહ કરી કરીને જમાડતા હોય પછી તો ડાયટીંગની ઐસીતૈસી કરીને ઝાપટી જ લેવાય હો.....પાછો સહપરિવાર સાથે આવો મોકો ક્યારે મળે, તો તમે પણ આજે જ પ્રોગ્રામ બનાવો....
ગુજરાતની આન, બાન અને શાન સમા ઉંધિયાનો અને થઈ જાવ તાજામાજા આ શિયાળામાં....
સુરભિ પટેલ...✍️
મહાદેવ હર....જય શ્રી કૃષ્ણ.... 🙏
#surbhinavicharo
- Umakant