પ્રકરણઃ ८૪…”જાગૃતિ”
વિશ્વભરની અત્યંત પ્રાચીન સમસ્યા છે શોષણની. શોષણ વિનાની સમાજરચના કરવા પશ્વિમમાં કેટલાક પ્રયોગો થયા પણ હજી સફળ થવા લાગતા નથી.
મુખ્યતઃ ચાર શોષણો છેઃ
૧. ધાર્મિક શોષણ,
૨. સામાજિક શોષણ,
૩. રાજકીય શોષણ અને
૪. આર્થિક શોષણ.
ધર્મના નામે પુરોહિતો, ભૂવાઓ, ધર્મગુરુઓ વગેરે પ્રજાને ચૂસતા હોય છે. અંધશ્રદ્ધા વિના આ શોષણ શક્ય ન બની શકે એટલે ધર્મના નામે નિતાન્ત અંધશ્રદ્ધાનો અંધકાર પાથરવાનું કામ પણ ચાલુ રહે છે. અંધશ્રદ્ધાના પ્રચારને
જ જ્યારે ધર્મપ્રચાર માની લેવામાં આવે ત્યારે ધર્મ બિચારો રડે નહિ તો બીજું શું કરે ? કોઈ મરી જાય તેની પાછળ બેસાડવામાં આવતા ગરુડપુરાણને સાંભળજો. બસ, તમને ખ્યાલ આવી જશે. કાશી કરવત, પ્રયાગની ત્રિવેણીમાં અક્ષયવટ ઉપરથી કૂદકો મારવો, દેવદાસીઓ, હિંસક થશો વગેરે અંધશ્રદ્ધાની
જીવતીજાગતી નિશાનીઓ કહી શકાય.
સામાજિક શોષણ, સમાજના ઉપલા વર્ગમાં સવિશેષ જોઈ શકાય છે. દહેજ પ્રથા, બારમાની પ્રથા તથા અન્ય અનેક રૂઢિઓ દ્વારા વ્યક્તિકુટુંબો શોષાતા હોય છે.
રાજકીય શોષણ વિશે કંઈ કહેવાની જરૂર નથી. પણ મૂળ વાત આર્થિક શોષણની છે.
આ આર્થિક શોષણ ચાર પ્રકારનાં છેઃ ૧. ચાંચડ જેવું, ૨. માંકડ જેવું, ૩. મચ્છર જેવું અને ૪. જળો જેવું,
૧. ચાંચડ કરડે એટલે તરત જ ખણવા માંડી, પણ ચાંચડ જલદી હાથમાં ન આવે; સંતાઈ જાવ ઊડી જાય. થોડી વાર પછી એ ફરી કરડવા માંડે, આવી જ રીતે કોઈ તમારા પૈસા પડાવી લે, ગજવું કાર્ય કે બીજી રીતે પડાવી લે તો તરત તેની અસર થાય. પણ આવું કાંઈ રોજ રોજ ન થઈ શકે.
૨. બીજું શોષણ માંકડ જેવું હોય. જે લોહી પીએ પણ તરત જ ખબર ન પડે. થોડી વારે ખબર પડે. માંકડને પકડી શકાય. તેનો નાશ પણ સહેલાઈથી કરી શકાય. તમારી આળસ કે ભલમનસાઈનો દુરુપયોગ કરીને કોઈ ઓછું જોખે કે વધુ જોખીને લઈ લે વગેરે શોષણો માંકડ જેવાં છે.
૩. મચ્છર જેવું શોષણ, જે તરત તો ખણ આવે પણ પાછળથી મેલેરિયા પણ થાય. ઉધાર આપીને ઇચ્છા પ્રમાણે ભાવ ભરવા, વ્યાજ ચડાવવું, વધારાની આઇટમો ચડાવી દેવી વગેરે મચ્છનું શોષણ છે.
૪. પણ સૌથી ભયંકર શોષણ જળોનું છે. એ તમારા શરીરે ચોંટે.લોહીની નસમાં મોટું વળગાડે અને પછી લોહી ચૂસવા માંડે. તમને કશી ખબર જ ન પડે. એ ક્યારે ચોંટી અને ક્યારે લોહી ચૂસીને ટેટા જેવી થઈ, તેનો ખ્યાલ જ ન આવે.
દૂબળી ગાયને બગાઈઓ ઘણી એ કહેવત પ્રમાણે દુષ્કાળના ક્ષેત્રમાં, નિરક્ષરતા, અસંપર્ક વગેરેના કારણે દૂબળી પ્રજાના અંગે કોણ જાણે કેટકેટલી જળો ચોંટી હોય. તેને પોતાને ખબર પણ ન પડે, આ મારું લોહી પી રહી છે !
અમે નક્કી કર્યું કે દુષ્કાળનું કામ કરીને માત્ર જતા રહેવાથી સ્થાયી પરિણામ નહિ આવે. સ્થાયી પરિણામ માટે કાંઈક પાયાનું કામ કરવું જરૂરી છે. પ્રથમ તો આ પ્રજાને પોતાના શોષણનું ભાન થવું જોઈએ.
વર્ષ સારું હતું અને પૈસાની છૂટ હતી. એટલે લોકો પ્રચલન પ્રમાણે ગોળ ખૂબ ખાય. (બીજું તો ત્યાં શું ખાવાનું મળે?સાડા ત્રણ રૂપિયે યુ. પી. તરફનો હલકો ગોળ વેચાય. અમારી કમિટીમાં શ્રી મોહનભાઈ હરિભાઈ ઊંઝાવાળા હતા. તેમને કહીને ઠેઠ કોલ્હાપુરથી નં. ૧નો સારામાં સારો ગોળ એક ટ્રક ભરીને મંગાવ્યો. અઢી રૂપિયે કિલોનો ભાવ. જિંદગીમાં જોવો ન
હોય તેવો ઉત્તમ ગોળ અને તે પણ સસ્તો. લોકો લેવા માટે ઊમટી પંડ્યા.
બજાર ઉપર તેની અસર થવાની જ હતી. પુરુષો અઢીવટાનું સમચોરસ પડે પહેરે જે બજારમાં લગભગ બેતાળીસ રૂપિયાનું થાય. અમે મુંબઈથી એક હોલસેલ વેપારી પાસેથી જાડું
મજબૂત મોટા પનાવાળું કાપડ મંગાવ્યું. અઢાર રૂપિયામાં અઢીવટો. પેલા કરતાં ઘણું સારું કાપડ તથા ઘણું ટકાઉ.
ખળભળાટ મચી જાય તે સ્વાભાવિક હતું. આવી જ રીતે કપડવંજથી કપાસિયાના ખોળની ટ્રક મંગાવી. આ બધાનું
પરિણામ એ આવ્યું કે પ્રજા વિચારતી થઈ કે આપણે ક્યાં અને કેવી રીતે લૂંટાઈએ છીએ. વૈચારિક જાગૃતિનો આ પાયો હતો. આજે હવે ઘણું પરિવર્તન થઈ ગયું છે તે જોઈને આનંદ થાય છે.
હિમાલયની એકાદ ગુફામાં બેસીને મેં મારા દિવસો પસાર કર્યા હોત તો લોકો મને મહાન યોગી સમજી દર્શન માટે દોડી આવત. પણ જનતા વચ્ચે રહીને, જનતાના પ્રશ્નોમાં રસ લઈને, તકલીફો વેઠીને, કેટલાકની દૃષ્ટિએ અળખો થઈને પણ જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતાં પણ ચડિયાતું હતું તેનો મને સંતોષ તથા પ્રતીતિ છે.
સ્વામી સચ્ચિદાનંદ
સં./ ટાઈપીંગઃ હસમુખ ગોહીલ ( રીટા. લેક્ચરર)
હાલ Dallas Tx U S A ૧-૯-૨૦૨૪
- Umakant