આ વખતે નેતાજી લોકોનો મત જોતા આપણે જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે નેતાજીને તેમના ખાસ માણસોએ મિટિંગમાં કહ્યું.
નેતાજી કહે; મુશ્કેલ લાગી રહ્યું છે નામુમકિન તો લાગી નથી રહ્યું ને? તમે ટેન્શન ના લેશો બધું જ થઈ જશે તમે આજની આપણી સભાની તૈયારી કરો.
બધાં જ લોકો મિટિંગમાંથી બહાર નીકળ્યા બાદ નેતાજીએ પોતાના એક ખાસ માણસને બોલાવી કાનમાં કંઈક કહ્યું.
નેતાજી પોતાના કાફલા સાથે ચુંટણી પ્રચાર માટે ભરતપુર નામના એક ગામમાં ગયા હજારો માણસો ની મેદની એકત્રિત થઈ હતી આ જનમેદની વચ્ચે નેતાજીએ પોતાનું ભાષણ ચાલુ કર્યું.
પોતાનાં ભાષણમાં નેતાજી કહે; હું આપણો તથા દેશનો વિકાસ કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશ, તમને બધી જ સુખ સુવિધાઓ આપવા માટે અથાગ પ્રયત્નો કરતો રહીશ તમને અન્યાય થવા દઈશ નહીં તમને ન્યાય અપાવવા મારો જીવ જોખમમાં મુકવો પડે તો પણ મુકી દઈશ,
જ્યાં આટલું બોલે છે ત્યાં જ ભીડ તરફથી ક્યાંક સળસળાટ કરતી એક ગોળી આવીને નેતાજીના ખભે વાગે છે નેતાજી લોહી લુહાણ થઇ પડી જાય છે બધા સમર્થકો ભાગમભાગ કરવા લાગ્યા, નેતાજીના બોડીગાર્ડ એ ગોળી ચલાવનાર ને તરત જ શોધીને મારી નાખ્યો.
નેતાજી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં આરામ કરી રહ્યા છે અને બહાર ટોળું નેતાજીને કંઈ ના થાય તેની પ્રાર્થના.નેતાજીએ બહાર ની બધી માહિતી લીધી તો જાણવા મળ્યું કે તમને આવું થયાં પછી તમારી તરફ લોકો ની લાગણી ઝુકી ગઈ છે હવે આપણી જીત પાક્કી લાગી રહી છે.
નેતાજી કહે આ બધી તમારી જ મહેનત અને પ્રાર્થના છે કે હું જીવિત છું અને આપણે જીતીશું
એમ કહીને નેતાજીએ પેલા તેમના ખાસ માણસ તરફ જોયું પેલા એ અંગુઠા થી ઓકે નું નિશાન બતાવ્યું અને બન્ને જણ મનોમન હસવા લાગ્યા.