*‘મા નો ખોળો’*
👩🍼👩🍼👩🍼
ઓફીસની સામે પરસાળનાં પ્રથમ પગથિયે જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઉભી રહી ગઇ.
છોડને પાણી પાતાં પાતાં પચાસે’ક્ની વયે પહોંચેલા શ્રવણે સહેજ ઉંચા થઇને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું.
તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઇવર પહેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો.
સૌ પહેલા હાઇ હિલ અને ઉંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને સુખ સાહ્યબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી... અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી.
શ્રવણ સામે જોઇને તેને હળવા ઇશારાથી કહ્યુ, ‘મારે અહીંના મુખ્ય સંચાલક મિ. શ્રવણ શ્રીધરને મળવું છે.’
‘હા... હું જ છું,... શ્રવણ શ્રીધર... આવો ઓફીસમાં...!!’ શ્રવણે પોતાના કપડા પર ચોટેંલી માટી ઉખેડતા કહ્યું.
‘શું લેશો...? ચા .. કોફી...કે ઠંડુ.. !’ પાણી પછી શ્રવણે વિવેક કર્યો.
‘કંઇ નહી......થેંક્સ....*'માનો ખોળો’*... તમારી સંસ્થાનું નામ અદ્ભૂત છે...’ તેને પોતાની વાત શરુ કરી.
‘હા... અમે અહીં નિરાધાર... લાચાર... રોગીષ્ઠ અને જરુરિયામંદ માના ઘડપણનો ટેકો બનવાનો પ્રયત્ન કરીએ છીએ...!’ શ્રવણે સૌજન્યતાપૂર્વક જવાબ વાળ્યો.
પછી થોડીવાર શાંતી પથરાઇ ગઇ.
‘આપનો આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ..??’ શ્રવણે તેની સામે જોઇને કહ્યું.
પણ તે થોડીવાર ખમોશ રહી.
‘જો તમે અમને સમજી શકશો...મારુ નામ નિધી છે.... હું અહી મારી મધર ઇન લો ને મુકવા આવી છું...!’ અને ત્યારે જ તેના પર્સમાંથી મોબાઇલની રીંગ વાગી.
ખૂબ જ મોંઘા ફોનની સ્ક્રીન પર સાવ હળવેથી તેને આંગળી ફેરવી અને સામેથી આવતા અવાજની પરવા કર્યા વિના બોલી, ‘હા...ધ્રુવ...હું અહીં પહોંચી ગઇ છું.. તું ચિંતા ન કરીશ... માંને સારુ છે...અહીં જગ્યા પણ ઘણી સારી છે.. બસ અમારી મીટીંગ પુરી થાય એટલે તને ફોન કરુ છું..’ અને તેને ફોન ક્ટ કરી દીધો.
શ્રવણ હવે બધુ સમજી ચુક્યો હતો.
‘આ રહ્યું ફોર્મ... તમે વિગત ભરી દેશો...આ ખોળો ખૂબ વિશાળ છે.. ગરીબ.. કે અમીર બધાને અહીં આશરો મળશે.. ચિંતા ન કરશો.’ શ્રવણે માર્મિક ટકોર સાથે ફોર્મ તેની સામે ધર્યુ.
‘જુઓ.. તમે સમજો છો તેમા થોડો ફર્ક છે...અમે ફેમિલીમાં હું, મારો હસબન્ડ ધ્રુવ અને મારી મધર ઇન લો. અમે ત્રણ જ વ્યક્તિ છીએ.. અમારે બન્નેને જોબ છે... અને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે... અમે થોડા મહિનાઓમાં ત્યાં સેટ થઇશું પછી તેને પણ ત્યાં બોલાવી લઇશું. મારી મધર ઇન લો હાઇ કોર્ટમાં જજ રહી ચુક્યા છે. બે વર્ષ પહેલા તેનું અચાનક બીપી વધવાથી બ્રેન સ્ટ્રોક આવેલો ત્યારથી તે લકવાની હાલતમાં છે, તે બોલી નથી શકતી.. તેની એક પણ ક્રિયા પર તેનો કંટ્રોલ નથી... એટલે અમે પરદેશમાં તેને શરુઆતમાં નહી સાચવી શકીએ....એક તરફ અમારું કેરીયર... અને બીજીતરફ.... મા... જો કે ધ્રુવ તો તૈયાર નહોતો...પણ મારે તેને ઘણો સમજાવવો પડયો.. અને તમારી સંસ્થા વિશે ખૂબ સર્ચ કરીને પછી જ અમે આ નિર્ણય પર આવ્યાં છીએ..! અને તમે પૈસાની સહેજપણ ચિંતા કરતા નહી.... માં માટે અમે દરેક કિંમત ચુકવી દાઇશું....!!’ નિધીએ પોતાની વાતની સાથે ફોર્મ ભરીને પણ આપી દીધું.
‘ધ્રુવ સરસ નામ છે.. મારી માને પણ આ નામ ખૂબ પ્રિય હતું..!’ શ્રવણે ફોર્મ તપાસતા કહ્યું.
‘જો કે શ્રવણ નામ પણ દરેક માને ગમે તેવું જ છે.. હોં..!’નિધીએ પણ સામે ઉત્તર વળ્યો.
‘હા... શ્રવણ... ખાલી નામ નહી... આ શ્રવણ જેવો દિકરો પણ બધી મા ને ગમે...!’ એક ખૂબ વૃધ્ધ દાદી ઓફીસમાં લાકડીના ટેકે ટેકે પ્રવેશ્યા.
શ્રવણ માજીને જોઇને તરત ખુરશી પર ઉભો થયો અને તેમની તરફ ચાલ્યો...’મા... કેમ અત્યારે ઓફીસમાં આવી.. તું આરામ કરને...!’
‘ઓહ.. તો આ તમારા મમ્મી છે.. વાઉ.. સો ક્યુટ... મા તમે ઘરડા ભલે હો પણ મજબુત લાગો છો...’ નિધીએ માંને પ્રણામ કર્યા.
‘સુખી રહે..!! આ તો શ્રવણ જેવા છોકરા હોય’ને તો રોજે રોજ પાશેર લોહી વધે હોં....’ મા એ પણ આશીર્વાદની સાથે શ્રવણના વખાણ કર્યા.
‘તમને આ મા નો ખોળો જેવી સંસ્થા શરુ કરવાની પ્રેરણા પણ માજીમાંથી જ મળી હશે, ખરુને..??’ નિધીએ માની આંખોમાં આંખો પરોવીને કહ્યું.
શ્રવણ અને મા બન્ને એક્મેક્ની સામે જોઇ રહ્યાં.
એવામાં ડ્રાઇવર દોડતો દોડતો આવ્યો... ‘મેડમ.. માજીએ ગાડીમાં ઉલ્ટીઓ શરુ કરી છે... શું કરું ?’
‘અરે... હજુ તો કાલે જ કાર સર્વિસ કરાવી છે.. તેમને જલ્દી બહાર લઇ આવ.....’ નિધીના શબ્દોથી શ્રવણને મર્સિડીઝ અને મા બન્નેમા કિંમતી શું છે તેનો અંદાજ આવી ગયો.
ત્યારે જ ત્યાં ઉભેલા બા ગજબની સ્ફુર્તિથી તે ગાડી પાસે પહોંચી ગયા અને અંદર ઉલ્ટી કરી રહેલ સ્ત્રીની સામે પોતાનો ખોળો પાથરી દીધો.
તે સ્ત્રીએ ફરીથી બે થી ત્રણ એક્દમ દુર્ગંધિત ઉલ્ટી માના ખોળામાં કરી. બા તેના પીઠ પર હાથ ફેરવવા લાગ્યા.
તેને થોડુ ઠીક થયું એટલે તેને પોતાની નજર ઉંચી કરી.
બન્નેની નજર મળતાં જ પચ્ચીસ વર્ષ પહેલાનો ઇતિહાસ ખડો થઇ ગયો.
આજથી પચીસ વર્ષ પહેલા આવી જ ઘટના બની હતી. ત્યારે આ બન્ને સ્ત્રીઓ વચ્ચે સાસુ અને વહુનો જૂનો સબંધ હતો.
જો કે આજે ઉલ્ટી કરવાવાળી અને સાફ કરનાર વ્યક્તિના સ્થાન બદલાઇ ગયા હતા.
પચ્ચીસ વર્ષ પહેલા શ્રવણની મા અતિશય બિમાર રહેતા હતા. એક દિવસ શ્રવણની પત્ની સુરભીનાં ખોળામાં મા થી અચાનક જ ઉલ્ટી થઇ ગઇ હતી અને સુરભીએ તો રીતસરનું યુધ્ધ આરંભી દીધું હતું. ‘જો સાંભળી લે.. શ્રવણ...!! હું અહીં સાસરે આખી જિંદગી મા ની સેવા કરવા આવી નથી. હું કંટાળી ગઇ છું... તારુ નામ જેને પણ રાખ્યું છે તે બરાબર જ છે...તારે બસ, મા ની સેવા જ કરવાની. હું ત્રાસી ગઇ છું... આ માત્ર આજની વાત નથી... લગ્ન થયા છે ત્યારથી જ... તને આ ઘરમાં તારી મા દેખાય છે.....હું તો આ ઘરમાં કેમ આવી છું એ જ નથી સમજાતું....!!! લગ્ન પછી સાત વર્ષમાં એકે’ય રાત ક્યાંય બહાર ફરવા નથી લઇ ગયા... હોટલમાં જઇએ તો...પહેલાં ઘરે મા ની રસોઇ કરવાની અને પછી તેને જમાડીને જ જવાનું... અરે મારી ઓફીસની એકે’ય પાર્ટીમાં તું આવ્યો છે ખરો...!! બસ મારી કારકીર્દી કાંઇ આમ વૈતરુ કરવામાં કાઢી નાખવાની નથી. તું જ નક્કી કરી લે તારે પત્ની જોઇએ કે માં....!’
જીવનના આ તબક્કે શ્રવણ જેવા દિકરાએ મા ને પસંદ કરી હતી.
તે સમયની બાહોશ વકીલ સુરભી પતિ સામેનો કેસ જીતી ગઇ અને પોતાના દિકરા ધ્રુવને લઇને કાયમ માટે ચાલી ગઇ હતી.
જ્યારે શ્રવણે પણ પોતાની સઘળી સંપત્તિ વેચીને બધાથી દુર નાનક્ડો આશ્રમ કરીને મા ની સેવામાં લાગી ગયેલો. જે આશ્રમને સૌ ‘મા નો ખોળો’ તરીકે જ ઓળખતા.
જેમની ઉલ્ટીઓથી સુરભીને સુગ હતી... તેમના ખોળામાં જ આજે પોતે ઉલ્ટીઓ કરી રહી હતી.
‘બેટા., સુરભી...!!’ મા ની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો.
તેની હાલત લકવાગ્રસ્ત હતી. તે બોલી શકતી નહોતી પણ તે ગાડીમાં જ માને વળગી પડી અને તેની બન્ને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો.. મા એ પોતાની સાડીના ચોખ્ખા છેડેથી તેનું મોં બરાબર સાફ કર્યુ...
નિધી તરત જ નજીક આવી અને બોલી, ‘અરે, મા.... તમારો ખોળો બગડી ગયો છે.. સોરી...મારી મા ને ખબર જ નથી પડતી કે....!! તમારા ખોળામાં ખૂબ વાસ આવે છે.....હું તમને પરફ્યુમ લગાવી દઉં...!!'
*મા એ નિધીને રોકતા કહ્યુ...'જો દિકરા નિધી...આ માનો ખોળો છે... અહીં તો દિકરા.. દિકરી...વહુ કે કોઇપણની દુર્ગંધ મારતી ઉલ્ટી હોય કે ખુશીઓની કિલકિલારી... બાળકોની ટપકતી લાળ હોય કે નાકની લીંટ... દિકરા- દિકરીનુ સુખ હોય કે દુ:ખ...સૌનું એકસરખું સ્થાન છે...!! માનો ખોળો તો આ બધી સુગંધોથી ભરેલું રહે એ જ માને મન સૌથી મોંઘુ અને મનપસંદ પરફ્યુમ છે....! ’*
અને માએ પોતાની વહુને કોઈપણ ફરીયાદ વિના પોતાના ખોળામાં સમાવી લીધી.
શ્રવણ પણ દુરથી માના વ્હાલસોયા ખોળાની ભવ્યતા જોઇને બંધ આંખે રડી ગયો.. અને બોલી ગયો, આજે સમજાયું કે *મા નો ખોળો* ખરેખર કેટલો દિવ્ય અને ભવ્ય છે.
*સ્ટેટસ*
*સાગરથી પણ છે જેનો પટ પહોળો,*
*એવુ સ્થાન તો એક જ છે, ‘માનો ખોળો...’*
"પીપળ પાન ખરનતા હસતી કુપનીયા
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુદિયા"
આજ મારો વારો,કાલ તારો વારો આવશે. કયારેય પૈસા કે જુવાની નું અભિમાન કરવું નહિ.