*તંત્ર સાધના ભાગ -૨ :-
"मद्यं मांसं च मीनं च मुद्रामैथुनमेव च"।
માઁ ગૌરી સંગે જ્ઞાનોપદેશ વખતે સ્વયં મહાદેવના મુખથી નિકળેલા આ વાક્યનો અર્થ આજકાલના સાધકો કે અઘોરીઓ કંઇક આ પ્રમાણે કરે છે કે," મદ્યપાન, માંસ ભક્ષણ, માછલીનું ભોજન, મુદ્રા સેવન અને સ્ત્રી શારીરિક સમાગમ (મૈથુન ક્રિયા) કરે છે તે ઉત્તમ અઘોર સાધક છે.(કે તંત્ર સાધક છે )
આ પાંચ "મ" જ "મ માયા નો મ" બનીને બધાને ભ્રમિત કરે છે. આમ અહિંયા જ બધા સાધકો પોતાની અજ્ઞાનતાવશ થાપ ખાઇ જાય છે.
તો ચાલો આજે જાણીએ અને અવગત થઇયે સંસ્કૃત ભાષાના ગૌરવની પરાકાષ્ઠા તથા અઘોર કે તંત્ર સાધનાના આધાર સ્તંભ સમા આ વાક્યનો સંપૂર્ણત: સચોટ ભાવાર્થ...
જેથી આપણેને આ "માયા નો મ " ભટકાવી ન શકે.
"मद्यं मांसं च मीनं च मुद्रामैथुनमेव च"।
૧) मद्य -
જ્યારે સાધક કુંડલિની ષટ્ચક્રનું ભેદન કરી બ્રહ્મરન્ધ્રમાં રહેલા સહસ્રાર ચક્રમાં પહોંચે છે, તે સમયે સોમ કમલ ચક્રમાંથી શ્વેત રંગનું અમૃત ઝરે છે. એ મદ્ય કે સુરાનું પાન કરનાર જ મદ્ય-સાધક કહેવાય છે.'
૨) मांस-
જે સ્વયંની જીભનું ભક્ષણ કરે છે, એટલે કે જે જીભને ઊલટાવીને તાળવામાં લઈ જઈને સહસ્રાર ચક્રનું અમૃત પીએ છે તે જ માંસ સાધક છે.
૩) मीन -
ઇડા અને પિંગલા નામની નદીઓમાં(નાડી) જે બે માછલીઓ(શ્વાસ-ઉચ્છ્વાસ) આવ-જા કરે છે
એને પ્રાણાયામ થકી નાશ કરનાર સાધક જ ખરો મીન સાધક છે.
૪) मुद्रा -
સ્વયંની ભીતરમાં રહેલા સહસ્ત્રાર મહાપદ્મ કમલની અંદર જે મુદ્રા પિંડ છે એમાં કરોડો સૂર્યથી પણ વધારે ઉર્જા (શક્તિ) છે,છતાંય એ કરોડો ચંદ્રમા જેટલું શિતળ છે. આ જ્ઞાન પ્રાપ્તિ કરનાર સાધક જ મુદ્રાસાધક છે.
૫) मैथुन -
સાધકના સહસ્ત્રાર ચક્રને જાગૃત કરતાં જ પરમાત્મા સંગે જીવાત્માનું સંગમ જ મૈથુન છે.
સમગ્ર સર્જન, સ્થિતિ અને અંતનું કારણ આ મૈથુન જ પરમ તત્ત્વ છે.આ મૈથુન ક્રિયા દ્વારા જ પરમ બ્રમ્હજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
રતાશ પડતા રંગનું અગ્નિબીજ(કુંડલિની શક્તિ) માનવ શરીરમાં છેક નીચે મૂલાધાર ચક્રમાં સ્થાપિત છે.
જ્યારે બિંદુ રુપી શિવ શરીરના ઉપરના ભાગમાં એટલે કે સહસ્ત્રાર ચક્રમાં સ્થાપિત છે.
જ્યારે મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિ આકાર રૂપી હંસ (પ્રાણ) પર સવાર થઈ સહસ્રાર ચક્રમાં રહેલા શિવ બિંદુને મળીને ઐકય સાધે છે એટલે કે,શક્તિનું શિવ સાથે સંમિલન થાય છે, ત્યારે અનંત આનંદ આપનાર દુર્લભ બ્રહ્મ - સાક્ષાત્કાર થાય છે. અને એજ સાધકને અમૃતત્વ આપી મુક્તિ(મોક્ષ) પ્રદાન કરે છે.
આ છે તંત્ર સાધનાના પંચ મકારનો સૂક્ષ્મ સત્ય અભૌતિક અને આધ્યાત્મિક અર્થ...
આમ આજકાલના અઘોરી અને કાપાલિક પંથના સાધક આ પાંચ મકારવાળી વસ્તુઓ મદ્ય (શરાબ), માંસ, મીન (માછલી), મુદ્રા અને મૈથુન (વિજાતીય શારીરિક સમાગમ)નો ભૌતિક અને સ્થૂળ રીતે ઉપયોગ કરે છે. અને આજીવન અજ્ઞાનતામાં ભટકતા રહે છે.
જ્યારે સાચા તંત્રયોગના(અઘોર) સાધક આ પંચ મકારનો અભૌતિક, આધ્યાત્મિક અને સૂક્ષ્મ રીતે ઉપયોગ કરી મોક્ષ પ્રાપ્તિ કરે છે.
તો ચાલો આપણે પણ સાચા અઘોર સાધક બની ષટચક્રોનું ભેદન કરીને અલૌકીક શક્તિઓની (સિદ્ધિઓ) પ્રાપ્તિ કરી એ શક્તિઓનો જગત કલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરીયે અને અંતે આ જીવને પરમાનંદની અનુભૂતિ કરાવી પરમાત્મામાં વિલીન કરીએ...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.......હર....
-Kamlesh