આ મંદિર છે બાબા નિબ કરૌરી નું છે. એક માણસ યોગથી કેટલી શક્તિ મેળવી શકે છે એમનું ઉત્તમ ઉદાહરણ નિબ કરૌરી છે. એમનો આશ્રમ કૌંચીધામ નૈનિતાલમાં છે. હિન્દૂ પરંપરાના આ સંતે એવા લોકોને પ્રભાવિત કર્યા છે, જે હિન્દૂ સંસ્કૃતિને દંભી અને માત્ર નામ પૂરતી જ સમજતા હતા. જેમાં તત્કાલીન સમયના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ વિ.વિ.ગિરિ, રાજ્યપાલ રાજા ભદ્રી, કેરળના રાજ્યપાલ ભગવાન સહાય, ઉપરાષ્ટ્રપતિ ગોપાલસ્વરૂપ પાઠક, ગુલઝારીલાલ નંદા, ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરૂ, રાજનેતા જગન્નાથપ્રસાદ, વિખ્યાત ઉદ્યોગપતિ જુગલકિશોર બિરલા, પીઢ રાજપુરુષ, ગુજરાતના અગ્રગણ્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, વર્તમાન સમયના એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ, સ્ટીવ જોબ્સના મિત્ર, ઉદ્યોગપતિ ડેન (ડેનિયલ) કોટકે, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ગુગલના કોફાઉન્ડર લેરી પેજ (લોરેન્સ એડવર્ડ પેજ), હોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી જુલિયા રોબર્ટસ જેવી અનેક મહાન વ્યક્તિઓ નીબ કરૌરી બાબાથી પ્રભાવિત થયેલા છે.
નીચે જે ફોટો આપ્યા છે એ મોરબીથી 35 કિમી દૂર વવાણીયા ગામના મંદિરના છે. એક નજરે જોઈએ તો વવાણીયા એક દેવ ભૂમિ છે. માતૃશ્રી રામબાઈ માતા ની કર્મભૂમિ, શ્રીમદ્દ રામચંદ્રની જન્મભૂમિ અને જ્ઞાનભુમી અને બાબા નિબ કરૌરીની તપોભૂમિ છે. આજે મેં ત્યાંની મુકલાત લીધી હતી. નિબ કરૌરીની વાતો તો ખૂબ સાંભળી હતી પણ પ્રત્યેક્ષ રીતે આજે એમના મંદિર પર ગયો હતો.
યોગિરાજ નીબ કરૌરી બાબાનો જન્મ ઈ.સ. ૧૯૦૦ની આસપાસ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અકબરપુરા નામના ગામમાં થયો હતો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેઓ ઘર છોડી વવાણીયા આવ્યા હતા. ત્યાં તેમને હનુમાનજીની સ્થાપના કરી અને લક્ષ્મીવાસના તળાવ પર જેમને યોગસાધના લગભગ સાત વર્ષ સુધી કરી હતી. એમના અનેક પ્રસંગો દેશ અને વિદેશમાં ચર્ચાનું રૂપ બન્યા અને તેમની યોગ સાધનાની પ્રબળ અસરના કિસ્સા પણ સાંભળવા મળે છે.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રિચર્ડ એલપર્ટ ભારત આવ્યા અને નીબ કરૌરી બાબાને મળ્યા પછી એમનાથી પ્રભાવિત થઈ એમના અનુયાયી, સેવક બની ગયા હતા. તેમણે એમનું નામ રામદાસ રાખી દીધું હતું. નીબ કરૌરી બાબાના જીવન પ્રસંગો અને પોતાના અનુભવોનું વર્ણન કરતું 'મિરેકલ ઓફ લવ' નામનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે. તેમાં પણ અનેક કિસ્સા તેમને લખ્યા છે.
મનોજ સંતોકી માનસ