ન હતું શક્ય જ્યારે ખુદના પગ પર ઊભાં રહેવાનું,
ત્યારે તમારા પગ પર પગ મુકી પહેલું ડગલું ભર્યું હતું,
મારા પગનું કદ વધ્યું હશે થોડું પણ પગલાં તમે ભર્યાં વધારે,
પછી કેવી રીતે સ્વીકારૂ કે હું મોટો થઈ ગયો છું પપ્પા?
સ્થિરતા ન હતી ઉભાં થવાની તો આંગળી પકડીને શીખવાડ્યું,
પછી કેવી રીતે સ્વીકારૂ કે હું મારા પગે ઉભો છું પપ્પા?
ખિસ્સામાં હાથ નાંખતાં તમારા ચારઆના મળતાં હતાં,
પણ હવે બે હજારની નોટોમાં એ આનંદ મળતો નથી પપ્પા?
અડચણ કેવી રીતે આવવા દેશે ચાલવામાં તમને 'સૂરજ',?
તમારા પગપરથી જ પૃથ્વીપર ચાલતાં શીખ્યો છું પપ્પા,
કહે છે મરણ બાદ સ્વર્ગની આશા રાખે છે જગત આખું,
હું જીવતાં જીવ સ્વર્ગમાં પગ મુકી જીવન જીવું છું પપ્પા,
વિરાસતમાં તમારા સંસ્કારોની ભેંટ ખજાનાથી ઓછી નથી,
તમારા માટે જીવનને ખર્ચવામાં કશી જ નવાઈ નથી પપ્પા!