ઘણી વાર વિચાર્યું કે આ વિચારો
ના આવતાં હોત તો કેટલું સારું!
પછી એ પણ વિચાર્યું કે જો
એ ખરેખર વિચારો જ ના આવે તો
શું થાય?
કેટકેટલાં વિચારો,અસંખ્ય અને
ઢગલાબંધ વિચારો.
જાણે મગજ પણ તો વિચારોનું જ સામ્રાજ્ય.
ચારે બાજુનાં વિચારો આવે,
કેટલાક સારાં આવે તો કેટલાક નરસા આવે.
કેટલાક તો હસાવી દે તો
ઘણાં આવતાં જ આંખો પણ છલકાવી દે
એવાં આ વિચારો.
મન પર સતત ચાલતો રહેતો
વિચારોનો મારો.
કયારેક તો લાગે કે હવે તો ફાટી જશે આ માથું.
કયારેક ગમતાં, કયારેક અણગમતાં,
અણધાર્યા ને વણનોતર્યા આવી ચઢે આ વિચારો.
ગમે ત્યારે, ગમે તે રીતે,
આવી જ જાય આ વિચારો.
એને હડસેલો, હડધૂત કરો,
એને અપમાનિત કરો,
એને રોકો છતાંય,
રોકાય તો નહીં જ આ વિચારો.
ખબર નહીં શું ચીજ છે આ વિચારો!
વિચારી વિચારીને વિચાર્યું
તોય પણ મને ના સમજાયાં આ વિચારો.
-Bhavna Chauhan