Gujarati Quote in Story by Umakant

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમાનત.






પીટર કાગળ વાંચી મુંઝવણમાં પડ્યો. હજુ બે મહિના ઉપરતો સેમ સાથે એક હજાર ડૉલર મોકલી ગીરવે મુકેલું ખેતર છોડાવેલું, આ બીજા બે અઢી હજાર ડૉલર લાવવા ક્યાંથી? ડોહાને જાણે એમ કે અહિં અમેરિકામાં પૈસાના ઝાડ ઉગતા હશે.!

રોબર્ટે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. " પીટર શું વાત છે ? કેમ આટલો બધો ગુસ્સામાં છે ?" પીટરે કાગળ રૉબર્ટ તરફ ફેંકી કહ્યું લે વાંચ!!

રૉબર્ટે કાગળ હાથમાં લઈ ઉઘાડી વાંચ્યો.

ચિ. પીતાંબર,

ઝુલાસણથી લખનાર રણછોડદા ના આશીરવાદ. જત જણાવવાનુ કે ચિ. સવિતાના ઓણસાલ વઈશાખમાં લગન લીધા છે.વળી કમુના સોમલાનુ પણ નક્કી કર્યું છે. તારા નાના કાકા જશીયાની છોડીનું પણ લગન લેવા વિચારે છે. કુટુંબના મોટા બાપા તરીકે તેને પણ ટેકો કરવો પડશે. ઓણસાલ મોટો લગનગાળો છે; અને આ મોંઘવારી કેડો નથી મેંકતી, દાળ,ચોખા, બાજરો, ઘી, તેલ, કેરોસીન વગેરેના ભાવ આસમાને પુંગ્યા છે. ગરમીએ માઝા મુકી છે. અતારથી આટલી ગરમી છે તો વળી વઈશાખમાં કેવી દશા થશે રામ જાણે.! પૈસાનો વેત કરી વેળાસર મોકલજે જેથી લુગડું ઘરેણું લેવાની સમજ પડે. મારી અને તારી બાની તબીયત હારી છે. સવિ કમુ અને સોમલાએ હૌએ તારી ખબર પુછાવી છે.તબીયત હાચવજે.પાનાચંદ શેઠની પેઢીએ જવાબ આલજે.

લીખીતંગ

રણછોડદા ના જય સ્વામીનારાયણ."

રૉબર્ટે કાગળ વાંચી પાછો આપતાં કહ્યું ડોહાની વાત તો બરોબર છે. કુટુંબના મોભી રહ્યા તેથી સૌ કોઈ તેમની આશા રાખે. તેમનો આધાર તું તેથી તેઓ તારી આશા રાખે. એમાં મુંઝાવાનુ શું? અને વાત રહી પૈસાના ઝાડની; તો આપણે એ ડૉલરિયા ઝાડનાં ફળ ખાવા માટે તો અહિં દોડી આવ્યા હતા તે કેમ ભૂલે છે? સમસ્યા છે તો સમાધાન પણ છે. પ્રસંગ માથે લીધો છે તો તે પાર પાડવો જ પડશે ને.!! રૉબર્ટે ખીસ્સામાંથી ફોન કાઢી નંબર જોડ્યો. હલ્લો !! સાંકળ સમાધાન ?

હા બોલ કોણ ?

હું રમણ, રોબર્ટ, જો સાંભળ, બે થી અઢી હજાર ડૉલર ઝુલાસણની પાનાચંદ શેઠની પેઢી ઉપર રણછોડદા પટેલના નામે પીતાંબર-પીટર તરફથી ટ્રાન્સફર કરવાના છે.ક્યારે કરે છે? એક પેટી થશે ને ?" એક પેટીની આજુબાજુ થશે.આજે સોમવારછે, ગુરૂવાર શુક્રવાર સુધીમાં પહોંચી જશે, બી જું કૈં?

ના, જ ય શ્રી સ્વામીનારાયણ."ફોન મુકી, પીતાંબર-પીટર તરફ ફરી, હવે શાંતી ? લે !! હવે ડોહાને વાત કર કે પૈસા મોકલી આપ્યા છે, એક પેટી છે.પાનાચંદની પેઢીએ ગુરૂવારે જઈ લઈ આવે.

***

સાંકળચંદ પટેલ એટલે સંકટ સમયની સાંકળ. અમેરિકન પાટીદારસમાજનો મોભી. પાકા સત્સંગી અને સેવાભાવી જીવડો.કોઈ પણ સમસ્યાનું સચોટ સમાધાન ચપટીમાં. તેમની સેવા ૨૪X ૭ એટલે કે ચોવીસ કલાક અને સાતેય દિવસ સતત ચાલુ; અને તેથી જ બધા તેમને`સાંકળચંદ સમાધાન` તરીકે ઓળખે.(પટેલોના જન્મજાત ગુણ;પડતાંને પાટુ ના મારે, હાથ પકડી ઊભો કરે.તેમાંયે ખાસ કરીને પરદેશમાં વસતા પટેલોનો જીવનમંત્ર,` વિના સહકાર નહિ ઉધ્ધાર`કોઈને પણ મુશ્કેલ સમયમાં મદદ કરવી એ એમનો વણલખાયેલો નિયમ. કોને પૈસા જોઈએ છે? કેમ જોઈએ છે? શા માટે જોઈએ છે? ક્યારે પાછા આવશે? કોઈ પણ જાતની પડપૂછ વગર એક બોલ ઉપર હાજર. તેમના આ ગુણ વડે તો તેઓ અમેરિકામાં સામ્રાજ્ય ચલાવે છે. પટેલ લોબીનું આ મહત્વનું જમા પાસું છે.

ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા, બનાસકાંઠા નપાણિયો અને સુક્કો ભઠ્ઠ પ્રદેશ. માંડ એક વર્ષ સારું જાય અને એની પાછળ બીજા ત્રણ વર્ષ ભૂખડી બારશ જેવાં દોડતાં આવે. એક વર્ષની કમાણી ત્રણ વર્ષ વરસાદની રાહ જોવામાં ખર્ચાઇ જાય.ધંધા રોજગાર ખેતી આધારીત. હવામાનની અનિશ્વિતતા, મોંઘવારી, વસ્તુઓની અછત, બેફામ ભાવ-વધારો.લોકો કંટાળી ગયા.શહેરોમાં નોકરી શોધવા લાગ્યા.

લોકોના ભોળપણનો લાભ ટ્રાવેલિંગ એજન્ટોએ ઉઠાવવા માંડ્યો. ઈંગ્લેન્ડ,અમેરિકા અને દુબઈ જેવા વિશાળ અને મોટા દેશો, વસ્તી ઓછી અને નોકરીઓની પુષ્કળ તક, ઊંચા વેતન દર જેવા પ્રલોભનો આપ્યાં. અહીં નોકરી નથી તો શું થયું, ત્યાં કામ કરનાર માણસો નથી. ત્યાં મોં માગ્યા દામ આપે છે. એમ કહીને લલચાવ્યા. લોકોને પદેશમાં પૈસાના ઝાડ ઉગતા દેખયા.

આવા બે મિત્રો રમણ અને પીતાંબર અમેરિકા આવી ગયા. રમણ બે વર્ષ પહેલાં અને ત્યારબાદ પીતાંબર. ટ્રાવેલિંગ એજન્ટ એક મૉટેલ માલિક મિ. જ્હૉનને સોંપી પલાયન થઈ ગયો. આલીશાન, ભવ્ય અને વિશાળ મૉટેલ, આધુનિક સગવડોથી સુસજ્જ અને રમણનો સાથ જોઈ પીતાંબર તો આભો જ બની ગયો. રમણે તેને સમજ આપીઃ ખાવા તથા રહેવાનું મફત અને ઉપરથી પગાર, અને વળી કામ પણ કેટલું સહેલું! રૂમમાં કચરો વાળવાનુ મશીન, પલંગની ચાદરો, ઓશીકાના ગલેફ (કવર) ટુવાલ, નેપકીન વગેરે કપડાં ધોવાનાં પણ મશીનથી, રૂમમાં સુગંધીદાર દવા છાંટવાની પણ મશીનથી, રૂમને ગરમ ઠંડો કરવાનું પણ મશીનથી, આપણે તો બસ સ્વિચ ચાલુ બંધ કરવાની. રમણે કામની બધી સમજ પાડી અને રાત્રે સુવા માટે ભંડકિયામાં (બેઈઝમેન્ટમાં) લઈ ગયો. ગામમાં વિશાળ ફળિયામાં લીમડાની શીળી છાયામાં સુવા ટેવાયેલ પીતાંબરને આ ચારે બાજુથી બંધ ભંડકિયામાં ગભરામણ થવા લાગી. રમણે સમજ પાડી અને એ.સી.ની સ્વિચ ચાલુ કરી.એ.સી.ની ઠંડકમાં લીમડાની શીળી છાયા ક્યાંય ભુલાઈ ગઈ અને એવી સરસ ઉંઘ આવી કે સવાર ક્યારે પડી તે ખબરે ના પડી.

અતીતનો કાળો અંધકાર કોઈને ગમતો નથી. ખાસ કરીને અમેરિકાની ધરતી પર પગ મુક્યા પછી આધુનિકતાની હવા લાગી જય છે.ખાવા-પીવાનું, પહેરવા ઓઢવાનું, બોલચાલની ઢબ, રહેણી કરણી, અરે! નામ સુધ્ધાં બદલાઈ જાય છે


જયંતી અને જનાર્દન,
જ્હોન કે જેકી બની જાય છે;
વિનોદ અને વિનય,
વિલિયમ કે વીકી બની જાય છે;
મણીબહેન અને મંગળા,
મોના કે મેગી બની જાય છે;
કમળા અને કાશી,
કેરોલ કે કેથી બની જાય છે;
અરે! ભલેને કહી ગયો શેક્સપીયર,!!!
ગુલાબને ગમે તે નામ આપો,
ફક્ત તે તેની મધુર,
સુવાસથી જ ઓળખાય છે;’
અરે ! કાળા કરતૂતો છુપાવવા,
અહિં નામનો જ ઉપયોગ થાય છે.!!!


આપણા ભારતના રમણ રૉબર્ટ અને પીતાંબર પીટર તરીકે અમેરિકામાં નવો જન્મ પામ્યા.

આપણે ભારતીઓ ખાસ કરીને ગુજરાતીઓ દરિયો ખેડી પરદેશ વસ્યા; સાહસિકો ગણાયા; પરન્તુ આપણી ભીરૂતા ત્યજી શક્યા નહિં.અહિં અમેરિકામાં આવી, નાના જ્ઞાતિ મંડળો રચ્યાં અને તેની પ્રવૃત્તિઓ પણ મંદિરો સુધી સીમીત રાખી.મંદિરોમાં સત્સંગ સભા અઠવાડિયામાં એક દિવસ થાય. જાતજાતના ભાઈઓ દૂર દૂરથી આવે. સત્સંગ પૂરો થયા બાદ સાંસારિક વાતચીતો થાય.સુખદુઃખની આપ લે થાય,અંદરોઅંદર સમાધાન શોધી રસ્તો કાઢી લે.

***

મણીભાઈ અને કમુબહેન બંન્ને સત્સંગી.આફ્રિકાથી ઈદી અમીનના અત્યાચારનો ભોગ બન્યા. ધનદોલત, મા-બાપ, ભાઈ-ભાંડુ સર્વસ્વ ગુમાવીને અમેરિકા આવી વસેલાં. બંન્ને એકલા અને સમદુઃખિયાં.અહીં એક બીજાને મળ્યા.એક બીજાને સહારે સુખી થવાનાં સ્વપ્નાં સેવ્યાં.સત્સંગી ગુણાનુવાદ સભાએ ઉકેલ સુચવ્યો. બંન્ને એ તે સહર્ષ સ્વીકાર્યો અને સંસાર માંડ્યો. પ્રસન્ન દાંપત્યના પરિપાક રૂપે સુંદર પુત્રી સુનીતા પામ્યાં. મણીભાઇએ નાનો સ્ટોર્સ શરૂ કર્યો. સંસાર અને સ્ટોર્સ સારા ચાલવા લાગ્યા. વર્ષો સુખમાં વીત્યાં. સત્સંગ સભામાં આવતાં એક દિવસ મોટર અકસ્માતમાં મણીભાઈ અક્ષરવાસી થયા.કમુબહેનને માથે સંસાર અને સ્ટોર્સની બેવડી જવાબદારી આવી પડી... સંત્સંગ સભામાં આવતા મણીભાઈના મિત્રોને તેણે વાત કરી સ્ટોર્સ ચલાવવા વિશ્વાસુ યોગ્ય માણસ શોધી જણાવવા કહ્યું.

જયંતી જોખમ, સત્સંગ સભામાં નિયમિત હાજરી આપે.અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી સંતાતો ફરે.મંદિર પરિસરમાં જ રહે.સત્સંગની અસર પારસમણિના સ્પર્ષ જેવી થઈ. જયંતીનો ભૂતકાળ અંધકારમાં ઓગળી ગયો. સૌ સત્સંગી જનોનું કામ સમયસર અને ચીવટથી કરી આપે. કમુબહેનના સ્ટોર્સ માટે આખરે તેની પસંદગી થઈ.



જુઓ બહેન, હું મહેસાણાનો પટેલ છું. મારૂ નામ જયંતી છે. ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાથી મેં મારૂ નામ જયંતીમાંથી જ્હોન કર્યુ છે.હું એકલો જ છું.રહેવાનુ કોઈ ઠેકાણું નથી, એટલે મંદિરમાં જ રહું છું અને ત્યાં જ પત્રાળી જમી લઉ છુ. નોકરીની મને સખત જરૂર છે. તમે આશરો આપશો તો તમારો ઉપકર જનમભર નહીં ભુલું.

***

જયંતીની નિખાલસ રજુઆતથી કમુબહેન ખુશ થયાં.તેમણે જણાવ્યુ “જો, જયંતી સ્ટોર્સ ચલાવવાનો, સ્ટોર્સની પાછળના ભાગમાં રહેવાનું તથા જમવા માટે ટિફિનની વ્યવથા કરીશું.જો કામ વિશ્વાસ પૂર્વક અને નફાકારક જણાશે તો આગળ ઉપર પગાર વધારા સાથે કમીશનનું પણ વિચારીશું. જયંતી ઉપર તો સ્વામી બાપાની મહેર થઈ. જ્યાં રહેવા ખાવાના ઠેકાણાં નહોતાં ત્યાં પગાર ઉપરાંત રહેવા જમવાની પણ વ્યવસ્થા.!!



જયંતીની આવડત અને ઈશ્વરની કૃપાથી સ્ટોર્સ હવે ૨૪ X ૭ ચાલવા લાગ્યો. ધીમે ધીમે નાના સ્ટોર્સમાંથી મોટો અને આલીશાન સ્ટોર્સ થઈ ગયો.



રૂમઝુમ પગલે વસંત આવી. યુવાન પ્યાસાં હૈયામાં યૌવનનો થનગનાટ જાગી ઉઠ્યો. અનંગના રાગ છેડાયા, નજરો એક બીજા સાથે ટકરાવા લાગી.’ નૈને નૈન મળે જ્યાં છાના વાતો હૈયાની કહેવાના’.નિયતિએ તેનુ કાર્ય કર્યું. સુનીતા અને જ્હોનના માલિક અને નોકરના સંબંધો પ્રણયમાં પલટાયાં. કમુબહેનની નજરમાં આવી ગયુ, જોડી મનમાં વસી ગઈ. બંન્નેના હાથ પીળા કર્યા, અને પ્રભુ સ્મરણમાં ચીત્ત પરોવ્યું.



જયંતી- જ્હોન અને સુનીતા-સોનિયાનો ધંધો વિકસ્યો. સ્ટોર્સમાંથી મૉટેલના ધંધામાં પ્રવેશ કર્યો. હાઈવે ઉપર આલીશાન ભવ્ય મૉટેલ શરૂ કરી. પહેલા રમણ-રોબર્ટ તરીકે અને તેના પગલે પીતાંબર -પીટર તરીકે જ્હોનની મૉટેલમાં ગોઠવાઈ ગયાં. ***

સમય થોડો કોઈની રાહ જોવા થોભે છે? તે તો તેની રફતારથી પસાર થતો રહ્યો. જ્હોન અને સાંકળચંદની પુત્રીઓ જશોદા અને શારદા હવે યૌવનને આંગણે આવી ઊભી હતી; તેમની પત્નિઓ, સુનીતા અને શાંન્તા સારા અને યોગ્ય મુઅતિયાની શોધમાં હતી.અમેરિકામાં વસવાટ દરમ્યાન પણ તેઓ ગુજરાતીપણું છોડી શક્યા નહોંતાં. ગ્રોસરી અને મંદિરમાં કથા વાર્તા પુરતું જ બહાર જવાનું. મેલઝુલ પણ બીજા લોકો સાથે ઓછી અને ગુજરાતી સમાજ પુરતી મર્યાદિત.પુત્રીઓ જશોદા અને શારદા અહિં જ જન્મેલી અને અહીના સમાજ અને આધુનિકતાથી ટેવાયેલી તેમની અપેક્ષાઓ અને અરમાનો પણ ઉંચા.

જ્હોન અને સાંકળચંદ, ધંધા વ્યવસાયે બહાર ફરતા હોવાથી બંન્ને સંકૃતિથી વાકેફ.પૂર્વ સંકૃતિના ચાહક અને તરફ્દાર.પાશ્વાત સંકૃતિના,માંસ, મદીરા અને જુગાર પ્રત્યે સૂગ, અણગમો ધરાવનાર.

દીકરીઓના લગ્ન અંગે બંન્ને કુટુંબો, મા-બાપ અને સંતાનોનો `ટ્રાયો`રચાયો અને વાત ત્રિભેટે આવી અટકી. દીકરીઓ એક તરફ, મા બીજી તરફ અને બાપ ત્રીજી તરફ. ચડભડ થવા લાગી, મન ઉંચા થવા લાગ્યાં.મા દીકરીઓને ગામડાંમાં દેવા રાજી નહીં, દીકરીઓ પણ ભારત (ઈંડીઆ) જવા રાજી નહીં. બાપ ઘણું સમજાવે કે છોકરાને અહીં લાવી સેટલ કરાવીશું વગેરે. દીકરીઓ સામે પ્રશ્ન ઉઠાવે કે ગામડાંના ગમારને અહી આવી સેટ થતાં અર્ધી જીદગી પુરી થાય.યુવાની નાં કિમતી વર્ષો આમ વેડફાઈ જાય પછી બાકી શું રહ્યું? તેમની માતાઓએ પણ તેમને સૂચક સંમતિ આપી.

સત્સંગીઓની સમસ્યાઓનું સમાધાન કરાવી આપનાર સાંકળચંદ પણ પોતાની સમસ્યામાં અટવાયા.

સાંકળચંદના ઘર અને મંદિર વચ્ચે હાઈવે ઉપર જ્હોન ની મૉટેલ હતી. મંદિરનું કામ પરવારી તે ઘેર જવા નીકળ્યા,. વિચાર્યું લાવ જ્હોનને મળતો જાઉ.

જ્હોન કાઉન્ટર પાસે જ વિચાર મગ્ન ઉભો હતો ,

કેમ જ્હોન, શા વિચારમાં છે ? સાંકળચંદે મૉટેલમાં પેસતાં જ પ્રશ્વ કર્યો.

એક પછી એક ઝંઝટ ઉભી જ હોય છે. મૉટેલનું પતે ત્યાં સ્ટોર્સનું ઉભું થાય, સ્ટોર્સનું માંડ ઠેકાણું પાડું ત્યાં ગૅસ સ્ટેશનની બબાલ. આ બધો પથારો પાથરીને બેઠો છું તેમાંથી બહાર નીકળાતું જ નથી. વિચાર થાય છે કે હું પણ તમારી સાથે મંદિરમાં આવી બેસી જાઉ.`

સાંકળચંદ અને જ્હોનની વાતો ચાલતી હતી ત્યાં કામ પ્રસંગે રોબર્ટ જ્હોનને કઈક પૂછવા આવ્યો. તેમને વાતો કરતા જોઈ તે બાજુ પર ઉભો રહી ગયો.

" જય શ્રી સ્વામી નારાયણ, સાંકા કાકા કેમ છો?"

“જયશ્રી સ્વામી નારાયણ, કોણ રોબર્ટ તો નહિ? તું અહીં ક્યાંથી ? અહી તું શું કરે છે?

“હું અહીં જ્હોન ભાઈને ત્યાં નોકરી કરૂં છું."

“સારૂં સારૂં."

રોબર્ટ જ્હોનની સાથે વાત કરી જતો હતો ત્યાં જ્હોને તેને કહ્યું "અંદરથી સાંકળચંદ માટે કેસરવાળુ બદામનું દુધ મોકલજે અને ધ્યાન રાખજે કાચના ગ્લાસમાં તેમને નહીં ખપે પાકા મરજાદી છે,માટે ચાંદીના પ્યાલામાં મોકલાવજે.

રોબર્ટ બહાર માણસને સંદેશો આપી પોતાને કામે વળગ્યો. જ્હોન અને સાંકળચંદ એકલા પડ્યા.

આ રોબર્ટ તને કેવો લાગે છે ?

કેમ ? જ્હોને સામો પ્રશ્વ કર્યો.

કુંવારો છે?

હા.

મુરતિયા તરીકે કેવો.? તારા ગામનો છે ? વાત ચલાવવા જેવી છે ?

અરે ! સાંકળચંદ, તમે તો મારા મનની વાત જાણી લીધી. `કેડમાં છોકરૂં અને ગામમાં ગોત્યું.

જશોદાની મા રોજ ઘેર જીવ ખાય છે કે આ છોડી માટે મુરતિયો શોધો. છોડીને અને તેની માને ઈંડીઆનો મુરતિયો પસંદ નથી.

જ્હોન,મારે ઘેર પણ આજ રામાયણ છે.

સાંકળચંદે ચપટી વગાડતાં કહ્યું; સમસ્યાનો ઉકેલ મળી ગયો.

સાંકળચંદ, તારી વાત વિચારવા જેવી તો છે.રોબર્ટ અને પીટર બંન્ને મહેનતુ, હોંશીયાર, પ્રમાણિક અને વળી આપણા ગામના છોકરાઓ છે. બધી રીતે મેળ બેસે છે,પરન્તુ આપણાં ઘરવાળાં,છોડીઓ અને આ છોકરાઓનો વિચાર જાણી લેવો જોઈએ.

એમ કરો, તમે આ રવિવારે ઘેર આવો આપણે સાથે બેસી નિર્ણય લઈએ.

હા! બરોબર છે.

રવિવારે બંન્ને કુટુંબો જ્હૉનને ત્યાં ભેગાં થયા. સાંકળચંદે જણાવ્યુ, " આપણી સમસ્યાનો ઉકેલ અહીં ઘર બેઠાં જ મળી ગયો છે. રોબર્ટ અને પીટરને તો તમે ઓળખો જ છો. તે આપણા રમણ અને પીતાંબર પટેલ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા પાસેના ઝુલાસણ અને નંદાસણ ગામના મૂળ વતની છે. ગેરકાયદે વસવાટ હોવાથી તેઓ રોબર્ટ અને પીટર નામે ઓળખાય છે. જ્હૉન ભાઈના હાથ નીચે ટ્રેઈન્ડ થયેલા અને તેમણે જ તેમને અહી સેટલ કર્યા છે. તમારી ઈચ્છા હોય તો જણાવો તો પછી આપણે વાત આગળ ચલાવીએ."

સૌના મોં પર ખુશીનું મોજું ફરી વળ્યુ. સૌએ એકી અવાજે જણાવ્યું કે "તમારા ઉકેલમાં કઈ કહેવાપણું ના હોય, જે તમારી કસોટીમાંથી પાર ઉતરે તે સો ટચનું શુધ્ધ સોનું જ હોય. તમે વાત આગળ ચલાવો.

બીજે દિવસ્ર સાંકળચંદ જ્હોનની મૉટેલે ગયા, અને બંન્ને છોકરાઓને વાત કરી. તેમનો અને તેમના મા-બાપનો `હા`કે `ના` સ્પષ્ટ જવાબ અઠવાડિયામાં આપવા જણાવ્યુ.

બંન્ને છોકરાઓ હોંશિયાર અને કાબેલ તો હતા જ. ગેરકાયદે પ્રવેશ હોવાથી વિલન ગ્રીન કાર્ડ તેમની સામે ડોળા કાઢી તેમનો વિકાસ અને કારકિર્દી રુંધતો હતો.લક્ષ્મી ચાંલ્લો કરવા સામે આવી હતી. ના પાડવાનો સવાલ જ નહોતો. મા-બાપની સંમતિની જરૂર હતી.

રાતોરાત ફોન જોડ્યા અને હકીકતની જાણ કરી; છોકરીઓ આપણા મહેસાણાના જયન્તીલાલ અને સાંકળચંદ પટેલની છે. જયન્તીલાલ મોટી મૉટેલ સ્ટોર્સ અને ગૅસ સ્ટેશનનો માલિક છે,અને સાંકા કાકાને તો તમે જાણો જ છો. છોકરાઓના ઉજ્જ્વળ ભવિષ્ય સામે લાચાર મા-બાપે મજબુરીથી સંમતિ આપી; અને લગન ઈન્ડિયામાં કરવા જણાવ્યુ જેથી સૌ સગા વહાલાં લગન માણી શકે. રોબર્ટે આ મુજબ સાંકળચંદને જવાબ આપ્યો.

સાંકળચંદે જ્હોનને વાત કરી. જ્હૉને ધંધાની વ્યસ્તતાને કારણે ઇન્ડિયા જવાની સ્પષ્ટ ના પાડી. સાંકળચંદે તેને ઠંડો પાડતાં કહ્યું

તું બધું મારી ઉપર છોડી દે; તને મારામાં વિશ્વાસ છે ને ? જાનનો ખર્ચ તો અપણે ભોગવવો જ પડતો હોય છે, તો થોડો વધારે.આપણે તેમને ઈન્ડિયાથી અહીં બોલાવીશું બસ?"

જ્હૉન ઠંડો પડ્યો.

છોકરાઓને બોલાવી તેમનાં વડીલ જોડે વાત કરાવવા કહ્યું.

ફોન જોડી રમણે કહ્યું બાપુજી,મેં સાંકાકાકાને વાત કરી છે, તેઓ તમારી જોડે વાત કરવા માંગે છે. ફોન ચાલુ રાખજો હું તેમને ફોન આપું છું. આમ કહી ફોન સાંકળચંદને આપ્યો.

જય શ્રી સ્વામી નારાયણ, રણછોડ’દા.સાંભળો, એક તો જયન્તી ધંધામાથી સમય કાઢી ઈન્ડિયા આવી શકે તેમ નથી. બીજું, છોકરાઓ અહી ગેરકયદે આવેલા છે તે તમે જાણો છો અને તેમની પાસે જરૂરી કાગળિયાં નથી , તેથી મુસાફરી કરવા જાયતો સરકાર તેમને પકડી જેલમાં ઘાલી દે. અને ત્રીજી અગત્યની વાત, આપણા સમાજમાં છોકરા જાન લઈ પરણવા જાય, છોકરીવાળા થોડા સામે આવે ? માટે ઈન્ડિયાની જીદ છોડી વાજતે ગાજતે આવી જાઓ.

સાંકળચંદ, જાન લઈને ત્યાં આવવાના પૈસા અમારી પાસે નથી રણછોડ'દાએ તડ અને ફડ અસલ પટેલ શાહીમાં વાત કરી ફોડ પાડ્યો...

રણછોડદા એની ચિંતા તમે છોડો. તમારી જાનનો આવવા જવાનો ખર્ચ જયન્તી આપશે, પછી કઈ વાંધો?

ના તો કઈ વાંધો નથી.

તો જુઓ,અંબીકા ટ્રાવેલ એજન્ટને હું વાત કરું છું. તેને મળીને તેને જોઈતી વિગત પુરી પાડજો. તે બધી વ્યવસ્થા કરી આપશે. અખાત્રીજ નું મૂરત રાખ્યૂં છે. તૈયારી કરવા માંડો.જય શ્રી સ્વામી નારાયણ ફોન મુકાઈ ગયો. બધાંના હૈયે ટાઢક થઈ.

સાંકળચંદે સાવધાની પૂર્વક જ્હૉન, રોબર્ટ, પીટરનાં નામો ટાળ્યાં હતાં. આ નામથી તેમને ગંધ આવે કે આ લોકોતો ખ્રીસ્તી છે તો પાછું લગ્નમાં સંકટ આવે. સમય તો આમ ચપટીમાં પસાર થઈ ગયો. બે દિવસ અગાઉ જાન ઈન્ડિયાથી આવી ગઈ. મૉટેલમાં તેમને ઉતારો આપ્યો હતો.

અખાત્રીજ નો મંગળ દિવસ આવ્યો. બેન્કવેટ હૉલ સુંદર અને આધુનિક રીતે સજાવ્યો હતો. જ્હૉન અને સાંકળચંદની અમેરિકન પટેલ સમાજમાં સારી આબરૂ અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન હતું, તેથી આખો અમેરિકન પાટીદાર સમાજ લગ્નમાં હાજર હતો. ધીરે ધીરે હૉલની ખુરશીઓ ભરાવા લાગી. નાસ્તાની ડીશો અને પીણાંઓની ટ્રે લઈ માણસો ફરવા લાગ્યાં.

મહારાજે લગ્નની તૈયારીઓ કરવા માંડી. રમણ-રોબર્ટને જશોદા સામે અને પીતાંબર-પીટરને શારદા સામે ખુરશીઓ ગોઠવી માંહ્યરામાં બેસાડ્યાં. લગ્ન વિધિ શરૂ કરી. હૉલ શરણાઈના મંગળ સુરોથી ગુંજી ઊઠ્યો. વરઘોડિયાં તથા તેમના અંગત કુટુંબીજનો સિવાય લગ્ન વિધિમાં કોઈને ઝાઝો રસ નહોતો,ફ્ક્ત હાજરીની ઔપચારીકતા જ હતી.

એક બાજુ લગ્નવિધિ ચાલતી હતી તો બીજી બાજૂ પોતાની મહામૂલી વ્હાલી દિકરીનું સુરક્ષિત રોકાણ (ઇન્વેસ્ટ્મેન્ટ) અને સલામત રીતે ક્યાં કરવું.પોતાના મોંઘામૂલના દીકરાની થાપણ (ફીકસ્ડ ડિપોઝીટ) ક્યાં વટાવવાથી વધુ વળતર મળી રહેશે તેની ભાંજગઢમાં કુંવારા છોકરી-છોકરાનાં મા-બાપ જૂની જૂની ઓળખાણો કાઢી હસી ખુશીથી યાદ કરીને એક બીજા સાથે આપ લે કરી લેતાં હતાં.

લગ્ન વિધિ આટોપાઈ ગઈ. કન્યા વિદાયનો કરૂણ પ્રસંગ આવ્યો. વ્હાલસોઈ દીકરીને વળાંમણાનો પ્રસંગ.!! કઠણ કાળજાનો વજ્ર હ્રદયી બાપ જીદગીમાં ભલે કદી ના રડ્યો હોય પણ આ પ્રસંગે તે પોતાનું હૈયું કાબૂમાં રાખી શકતો નથી; તેની આંખમાંથી દીકરીના વ્હાલના ચાર આંસુડાં ટપકી જ પડે છે.



અહીં પરિસ્થિતિ વિપરિત હતી. અહીં કન્યાની વિદાય નહોતી, કન્યાના વળાંમણાં નહોતાં; અહી તો વરની વિદાય હતી, વરનાં વળામણાં હતાં!!!

પોતાના ઘડપણની લાકડી સમા કંધોતર, કમાતા દીકરાને અહિં અમેરિકામાં છોડી શેષ જીવતર અને ઝુરાપો લઈ ઈન્ડિયા પાછા જવાનુ હતું. એ વરના મા-બાપની આંખમાંથી શ્રાવણ- ભાદરવાના ઘોડાપુર ઊમટી રહ્યાં હતાં.

“ખોબો ભરીને અમે એટલું હસ્યાં,

કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં."

આમ વર પક્ષનું `ડીસ ઈન્વેસ્ટમેન્ટ' થયું હતું જ્યારે કન્યા પક્ષવાળાએ દીકરી આપી દીકરો લઈ `લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું.

"દીકરો એ વહુની અમાનત છે,

દીકરી એ જમાઈની અમાનત છે."



વર કન્યાનાં મા-બાપ એક્મેકને તેમની અમાનત સોંપી ૠણમુક્ત થયાં.

કુર્યાત સદા મંગલમ





સમાપ્ત.

Gujarati Story by Umakant : 111822413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now