લોકગીત:
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,
મને ગમતું રે,મને ગમતું રે,
આ તો કહું છું રે,
પાતળીયા તને અમથું...(૨)
તારા પગનું રે પગરખું, ચમચમતું રે,
અને અંગનું રે અંગરખું, તસતસતું રે, મને ગમતું રે, મને ગમતું રે
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,
મને ગમતું રે, મને ગમતું રે
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
અે.... પારકો જાણીને તને
ઝાઝું શું બોલવું ને,
અણજાણ્યો જાણી,
તને મન શું ખોલવું રે...(૨)
હે તને, હે તને, હે તને..છેટો રે ભાળીને,
મન ભમતું રે...મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,
મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
હે....કોણ જાણે, કેમ
મારા મન ની રે ભીતરમાં,
અેવું તે ભરાયું શું...(૨)
અેક મને ગમતો, આભનો ચાંદલો ને,
બીજો, ગમતો તું...(૨)
હે....ઘરમાં, ખેતરમાં,
કે ધરતીનાં થરમાં (૨)
તારા સપના માં, મન મારું રમતું રે...
મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,
મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
તારા પગનું રે પગરખું, ચમચમતું રે,
અને અંગનું રે અંગરખું, તસતસતું રે
મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું...
તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,
મને ગમતું રે,
આ તો કહું છું રે,પાતળીયા તને અમથું
ગુજરાતી લોકગીત:
ભાવાર્થ:
આ એક ખુબ જ લોકપ્રિય ગુજરાતી લોકગીત છે. તે ગરબા રુપે પણ ગાવામાં આવે છે.લોકમેળા માં અજાણ્યા યુવક અને યુવતી ની આંખો મળી જાય છે. મોહિત થયેલી યુવતી યુવાન ને ઉદ્દેશી આ ગીત માં કહે છે
કે" હે પાતળા અજાણ્યા યુવાન તારે માથે શોભતી વાંકી પાઘડી નું ફુમતું, ચમચમતા પગરખાં અને શરીર પર શોભતું તસતસતું અંગરખું મને ગમે છે. પરંતુ તું મારે માટે તદ્દન અજાણ્યો અને પારકો છે ;આથી મન ખોલીને શું વાત કરું?તને દુર થી જોઈ ને જ મારું મન ભમવા લાગ્યું છે.કોણ જાણે મારા મનની ભીતરમાં એવું તે શું ભરાયું છે?
મને આકાશ માં નો ચંદ્રમા અને તું બે ખુબજ ગમો છે.ઘર હોય,ખેતર હોય, ધરતી ના થરમાં, સ્વપ્નમાં સર્વત્ર મને તું જ દેખાય છે."
શરુઆતમાં પહેરવેશ ગમે છે તેમ કહેછે ,પરંતુ અંતે તું મને ગમે છે તેમ સીધેસીધુ કબુલ કરે છે.પ્રિયતમ ને ચંદ્ર સાથે સરખાવે છે.
પુરુષ ,સ્ત્રી ની સુંદરતા નું વર્ણન કરે, પ્રશંસા કરે તેવા તો અનેક ગુજરાતી કે હિન્દી ફિલ્મી- બિનફિલ્મી ગીતો મળી રહેશે ,પરંતુ સ્ત્રી પુરૂષ પ્રત્યે મોહિત થઈ
પુરુષ ના દેખાવ ની પ્રસંશા કરતી હોય તેવા ગીતો ઓછા જોવા મળે છે.આ ગીત ખુબજ સરળ શબ્દોમાં યુવતી ના દિલ ની લાગણી અભિવ્યક્તિ કરે છે.તે આપણી માતૃભાષા ગુજરાતીની તાકાત છે.
ભાવાર્થ અને પ્રસ્તુતિ : ડો ભૈરવસિંહ રાઓલ