અમદાવાદના સિનેમા ગૃહો
(સંકલીત)
નહેરુબ્રિજના શહેર બાજુના છેડે આવેલી જૂની ટોકિઝ 'રૂપાલી’ની વાત છે
તમને થશે કે 'રૂપાલી’ નામની આ વળી કઈ જૂની હિરોઈન છે? આવું નામ તો સાંભળ્યું જ નથી વાત સાચી જ છે. આ કોઈ જૂની હિરોઈનની વાત જ નથી. આ તો અમદાવાદના હાર્દસમા નહેરુબ્રિજના શહેર બાજુના છેડે આવેલી જૂની ટોકિઝ 'રૂપાલી’ની વાત છે. હાલ રૂપાલીનાં પગથિયાં તોડવાનું કામ ચાલી રહ્યું છે. આ સિંગલ થિયેટર બંધ પડયા પછી ઘણાં વર્ષ એમ ને એમ જ પડયું રહ્યું. હાલ તેનું 'તોડકામ’ ચાલી રહ્યું છે, એટલે એ જોઈને થોડું નોસ્ટાલ્જિક થઈ જવાયું. કેટકેટલી યાદો જોડાયેલી છે આ થિયેટર સાથે. ખાસ તો રૂપાલીના એ જબરજસ્ત પહોળાં પગથિયાં.
એ પગથિયાં પર ચઢીને અંદર થિયેટરમાં પ્રવેશો એટલે જાણે કે કોઈ રાજાના રાજ દરબારમાં પ્રવેશતા હોઈએ અને આપણે દરબારી હોઈએ તેવો જ અહેસાસ થાય. મૂળ તો એ જમાનામાં ફિલ્મ જોવાનો નશો એટલો હતો કે થિયેટરનાં પગથિયાં ચઢતી વખતે હવામાં ઊડતા હોઈએ એવું જ લાગતું. 'અમદાવાદનો રિક્ષાવાળો’, 'જોગ સંજોગ’ જેવી ગુજરાતી ફિલ્મથી લઈને 'નિકાહ’ અને 'શહેનશાહ’ જેવી અનેક હિન્દી ફિલ્મોએ આ થિયેટરમાં ઈતિહાસ રચ્યો છે. 'શહેનશાહ’ની રિલીઝ વખતે તો શહેનશાહ અમિતાભના બ્લેક ડ્રેસવાળું, એક ઉગામેલો હાથ કપાળથી ઊંચો હોય તેવી એકશનવાળું લાઈફસાઈઝ કટઆઉટ હજુ પણ નજર સામે તરવરે છે.
જાણે કે હમણાં બોલી ઉઠશે, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહેનશાહ’. 'રૂપાલી’ની એક ખાસિયત એ પણ હતી કે થિયેટરમાં બહારના ભાગે ફિલ્મના ર્હોડિગ્સની આજુબાજુની દિવાલના ભાગે હાથી-ઘોડાના નાના-નાના ચોરસ મ્યુરલ્સ લાગ્યા હતા. આ મ્યુરલ્સ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ.કે.ગુજરાલના આર્ટિસ્ટ ભાઈ સતીશ ગુજરાલે બનાવેલા હતા. આવા તો કંઈકેટલાય અમદાવાદનાં સિંગલ થિયેટરોનો મૃત્યુઘંટ વાગી ગયો છે. અમદાવાદનાં શા માટે? આમ તો સમગ્ર ગુજરાતમાં, દેશમાં સિંગલ થિયેટરોની હાલત સેકન્ડ સિટિઝન જેવી રહી ગઈ છે.
બી-સી ગ્રેડની હિન્દી ફિલ્મો કે પછી પ્રાદેશિક ફિલ્મો જ ત્યાં રિલીઝ થાય છે. કમસેકમ અમદાવાદમાં તો એવી સ્થિતિ છે જ, થોડા સમય પહેલાં જ રિલીફ રોડ પરની એ જ નામી 'રિલીફ’ ટોકિઝ બંધ પડી ગઈ. હા, રિલીફ રોડ પર રૂપમ જેવું એકાદ થિયેટર બચ્યું છે, જ્યાં મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મ રિલીઝ થતી હોય. હોપ ફોર લોંગ લાઈફ રૂપમ. બાકી રૂપમની સામે જ 'કૃષ્ણ’ થિયેટર હતું. (જ્યાં આજે ચાઈનીઝ મોબાઈલનું મોટું માર્કેટ છે) આ થિયેટરના માલિકનો પણ ઈતિહાસ છે. તેના મૂળ માલિકનું નામ હતું માણેકલાલ પટેલ. તેઓ માત્ર થિયેટર માલિક નહોતા, પણ નિર્માતા-દિગ્દર્શક પણ હતા. સાઈલન્ટ ફિલ્મોના જમાનામાં તેમણે ૩પ-૪૦ ફિલ્મોનું નિર્માણ-દિગ્દર્શન કરેલું.
કૃષ્ણમાં 'સાત કેદી’ અને 'ઢોલા મારુ’ જેવી ગુજરાતી ફિલ્મો જોયેલી. આજે તો ફિલ્મના પ્રમોશન માટે હાલતા ને ચાલતા બોલિવૂડ સ્ટાર્સ કોઈપણ સિટીની મુલાકાત લે છે અને તેઓ જોવા મળી જાય છે, પણ 'સાત કેદી’ વખતે ફિલ્મના સ્ટાર અસરાની અને રાગિણી આવેલા અને તે વખતે પરદાની આગળના ભાગે આવીને તેમણે દર્શકોનું અભિવાદન કરેલું. કોઈ સ્ટાર્સને જોયાનો એ પહેલ-વહેલો રોમાંચ હતો. પહેલા પ્રેમ જેવો વાત નીકળી જ છે તો આજે અમદાવાદના ભવ્ય ભૂતકાળ સમાં બીજા સિંગલ થિયેયરોની વાત પણ કરી જ લઈએ. રિલીફ રોડ પરનાં થિયેટરોની વાત તો થઈ, પણ રિલીફ રોડનો પડોશી રોડ ગાંધી રોડ પર એક જમાનામાં પ્રતાપ, સેન્ટ્રલ, કલ્પના, મોડલ અને તેનાથી આગળ ઈગ્લિશ થિયેટર હતાં.
આ ઈંગ્લિંશ થિયેટરની ખાસિયત એ કે તેમાં અંગ્રેજી ફિલ્મો જ પ્રદર્શિત થતી. મોડલમાં 'મૈં તુલસી તેરે આંગન કી’ અને 'અંધા કાનૂન’ જેવી ફિલ્મો જોયાનું યાદ છે. પછી પીરમહંમદશાહ રોડ પર રીગલ અને અશોક. રીગલની ખાસિયત એ હતી કે ત્યાં કપલબોક્સ હતાં, જ્યાં બે જ વ્યક્તિ બેસીને ફિલ્મ (સાથે રોમાન્સ પણ) માણી શકતાં. અહીં ગુજરાતી ફિલ્મ 'પારકી થાપણ’ અને 'ગંગા કી સૌગંધ’ તથા એક રામસે બ્રધર્સની હોરર ફિલ્મ 'પુરાના મંદિર’ જોયાનું યાદ છે. 'પારકી થાપણ’ ફિલ્મના ક્લાઈમેકસમાં રડવું બહુ આવે, છતાં ગમે. આ ફિલ્મનો મારો ઈતિહાસ એવો છે કે એ વખતે મારા તરુણ મગજમાં એવો વિચાર ઝબકેલો કે ટિકિટ તો ફિલ્મ પહેલેથી જોવી હોય તો જ લેવી પડે ને ઈન્ટરવલ પછી તો ક્યાં કોઈ ટિકિટ માગે જ છે. એટલે આ બંદા તો રોજ થિયેટરમાં જઈને ઈન્ટરવલ પછી ફિલ્મ જોવા બેસી જતા.. આવી રીતે ચાર-પાંચ વાર જોયેલી. તેનું પાડોશી અશોક થિયેટર તો હજુ ચાલે જ છે અને હવે ત્યાં માત્ર ને માત્ર ગુજરાતી ફિલ્મો પ્રદર્શિત થાય છે.
પણ ત્યાં ગરીબ નિર્માતાના બચ્ચન ગણાતા મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર’ આવી હતી. ફિલ્મનાં વખાણ સાંભળેલાં પણ જોવા માટે ઘરેથી પૈસા મળે નહીં એટલે ટિકિટ લીધા વગર જ ફિલ્મ જોઈ નાખવી એવું 'સાહસ’ કરવાનું મનોમન નક્કી કર્યું. પણ જો પકડાઈએ તો? એકથી બે ભલા એ ન્યાયે એક મિત્રને પણ તૈયાર કર્યો અને ફિલ્મ જોવા માટેની ભીડમાં દરવાજામાંથી ટિકિટચેકરની નજર ચૂકવીને બંને ઘૂસી ગયા અને આખી ફિલ્મ પકડાઈશું તો? એવા ફફડતા હૃદયે જોઈ નાખેલી (ખાનગીમાં કહી દઉં કે પકડાયા નહોતા હોં...). તેનાથી આગળ રિલીફ રોડ ચાર રસ્તા વટાવીને ઘીકાંટા તરફ આગળ વધીએ એટલે સૌથી પહેલાં આવે નોવેલ્ટી થિયેટર. આ થિયેટરમાં ચાલતી ફિલ્મનું ર્હોડિગ્સ મેઈન રોડ પર જ એવી રીતે લગાવાતું કે એ જોઈને એમ જ લાગે કે થિયેટર આવી ગયું, પણ ના... એ મેઈન રોડથી ડાબા હાથે ગલીમાં થોડું ચાલીએ પછી થિયેટર આવે. ત્યાં હિન્દી ફિલ્મો તો રિલીઝ થતી જ, પણ ગુજરાતી ફિલ્મોનો ગઢ સમાન હતું. 'મેહુલો લુહાર’ ગુજરાતી ફિલ્મ ત્યાં જોઈ હતી.
તેનાથી આગળ ઘીકાંટા રોડ પર એલ.એન, લક્ષ્મી, આ બે થિયેટરની સામે લાઈટ હાઉસ અને તેનાથી સહેજ આગળ જમણા હાથે અંદર ગલીમાં પ્રકાશ થિયેટર. લાઈટ હાઉસમાં 'મારી બેના’ નામની ગુજરાતી ફિલ્મ જોઈ હતી, સ્કૂલેથી બંક મારીને. જોકે પપ્પાને ખબર પડી ગઈ (ખિસ્સામાંથી લાલ કલરના ટિકિટના ફડિયા નીકળેલા જોઈને) એટલે 'મેથીપાક’ પણ મળેલો 'લક્ષ્મી’માં રાજીવ કપૂરની પહેલી ફિલ્મ 'એક જાન હૈ હમ’ રેગ્યુલર શોમાં તો ખાસ નહોતી ચાલી, પણ મોર્નિંગ શોમાં પ૨ વીક કરતાં પણ વધુ ચાલી હતી. 'યાદ તેરી આયેગી...’ અને 'એક જાન હૈ હમ..’ જેવા સુપરહિટ ગીતોને કારણે. હા, ફિલ્મ ભલે સુપરહિટ નહોતી, પણ ગીતો ચોક્કસ સુપર-ડુપર હિટ હતાં. પ્રકાશ થિયેટરનો સ્ક્રીન અને સાઉન્ડ સિસ્ટમ સારી ગણાતી. તેમાં જેકી શ્રોફની 'હીરો’ અને અનિલ કપૂરની 'મેરી જંગ’ ફિલ્મ જોઈને આ બંનેના આશિક થઈ ગયેલા.
આમ તો શહેર વિસ્તાર એટલે કે કોટ વિસ્તારની બહાર પણ ઘણાં થિયેટરો હતાં. આશ્રમ રોડના થિયેટરો નટરાજ, દિપાલી, અજન્ટા-ઈલોરા, શ્રી, શિવનો વૈભવ જુદો જ. નટરાજમાં 'દેવતા’, દિપાલીમાં 'પ્યાર ઝુકતા નહીં’ અને 'શરાબી’, શ્રીમાં 'મર્દ’, શિવમાં 'આજ કા દૌર’ જેવી ફિલ્મો જોયાનું યાદ છે. 'શાન’ અને 'કોરા કાગઝ’ પણ આશ્રમ રોડ પરનાં થિયેટરમાં જ જોયેલી. આશ્રમ રોડનાં થિયેટરોની ખાસિયત એ કે ત્યાં મોટાભાગે ગુજરાતી ફિલ્મો રિલીઝ ના થાય અને ત્યાંના થિયેટરમાં ફિલ્મ જોવા જવી અને તે પણ બાલ્કનીમાં બેસીને જોવી એ સ્ટેટસ કહેવાય. આ સિવાય પણ શહેરના મોટાભાગના પરા વિસ્તારમાં એક-બે થિયેટરો તો ખરાં જ. આ થિયેટરોમાં પણ ક્લાસ પાડેલા હોય, જે તેની આગવી વિશેષતા હતી. જેમ કે લોઅર ક્લાસ, અપર ક્લાસ અને બાલ્કની. લોઅર ક્લાસ એટલે પરદા પાસેની શરૂઆતની ત્રણ-ચાર રો, તેની પાછળની લાઈન્સ અપર ક્લાસ અને ઉપર માળિયા જેવો ફલોર હોય તે બાલ્કની. લોઅર ક્લાસનો ભાવ સૌથી ઓછો હોય. તેનાથી મોંઘો અપર ક્લાસ અને હાઈએસ્ટ ભાવ બાલ્કનીના.
કેટલા ખબર છે? આજે મલ્ટિપ્લેક્સમાં ૧પ૦-૨૦૦ રૂ ટિકિટ માટે આપી દેતા ટીનેજર કે કોલેજિયનની આંખો પહોળી થઈ જાય ભાવ સાંભળીને. લોઅસ ક્લાસ પ રૂ., અપર ક્લાસ ૭ રૂ. અને બાલ્કની ૯ કે ૧૦ રૂ. હોય. થિયેટર પ્રમાણે એકાદ રૂપિયાનો ભાવમાં તફાવત હોઈ શકે આ ૮૦ના દાયકાની વાત છે. આમ તો એ પહેલાં ગુજરાતી ફિલ્મ લોઅર ક્લાસમાં દોઢ રૂપિયામાં પણ જોયેલી હોવાનું યાદ છે
આજે આ સિંગલ થિયેટર્સ પર લખવાનો ખાસ ઉદ્દેશ તો એ છે કે આપણે આ સિંગલ થિયેટરોને તો સાચવી શક્યા નથી, પણ હવે આ થિયેટરોના ઈતિહાસને સાચવી જ રાખવો જોઈએ. દરેક થિયેટરની માહિતીનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ અને તેને મ્યુઝિયમમાં એકાદ જગ્યા પણ ફાળવવી જોઈએ, જેથી ભવિષ્યના લોકોને ખ્યાલ આવે કે આપણો ભૂતકાળ કેવો હતો. અસ્તુ.'
આપણે આ સિંગલ થિયેટરોને તો સાચવી શક્યા નથી, પણ હવે તેના ઈતિહાસને સાચવી રાખવો જોઈએ. તેની માહિતીનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. તેને મ્યુઝિયમમાં જગ્યા પણ ફાળવવી જોઈએ.
શૈલેન્દ્ર વાઘેલા
🙏🏻