નિરાળી નાગરી નાત..
(તા.૧૫મી એપ્રિલ હાટકેશ જયંતિ નિમિત્તે પ્રાસંગિક લેખ
જગદીશચંદ્ર છાયા
.
સહજ સૌન્દર્યથી છલકાતી ,લટકાળી ,નમણી-રમણી..જો સુંદર નામધારી અને મૃદુ-મિષ્ટ ભાષી પણ હોય.. તો..તો..કોઈ પણ વ્યક્તિ પૂરા આત્મવિશ્વાસથી બોલી ઉઠશે,
તેણી નાગરાણી જ છે ! નમણી નાર ને નાકે મોતી તેની આગવી ઓળખ,
-ભારતના નાગરોની ભાષા શિષ્ટ-સર્વમાન્ય સ્વીકૃત થઇ છે.નાગરો પાઠ્ય પુસ્તકની ભાષા બોલે છે. નાગરી કે દેવ નાગરી લિપિ રચનાર નાગરોનું પ્રદાન અમરત્વ પામ્યું છે.
-નાગરોમાં ૧૦૦% સાક્ષરતા વર્ષોથી છે.૧૦૦વર્ષનાં માજી પણ સહી કરશે,અંગૂઠો નહિ.
-નામ પાડવામાં નાગરો પંકાય .મારા દાદીબાનું નામ હતું આદિત્ય ગૌરી અને મારી પૌત્રીનું નામ છે હોંશ ! સૌને સુવિદિત છે કે અન્ય જ્ઞાતિના લોકો પોતાનાં સંતાનોનાં નામ પાડવા નાગરોની સલાહ લે છે.
..હોંશ..
હોંશ્ નાગરોનો પર્યાય છે. પ્રસંગ ભલે નાનો હોય,એની ઉજવણીમાં હોંશ ભળી જાય એટલે ઉપડી આવે.
-ચાતુર્ય અને મર્મ્ ભેદી બોલી માટે પ્રખ્યાત નાગરો નિખાલસ્,રમુજી અને મળતાવડા હોય છે. કલમ કડછી ને બરછી નાગર જ્ઞાતિનાં પ્રતીકો છે.
નાગરોની નિરાળી ખાસિયતોની વાત પણ નિરાળી છે..
-પાંચ ..પ ..નાગરોની વધુ એક ઓળખાણ..
પૂજાપો,પાટિયું (હીંચકો), પાન, પીતાંબરી, પાનેતર
-મુત્સદીગીરી નાગરોને મળેલ કુદરતી બક્ષીસ છે. રાજાશાહીમાં આ ગુણને લીધે જ નાગરોને ઉચ્ચ હોદ્દા મળતા .
-નાગરો સુધારાવાદી,કાર્યદક્ષ અયાચક, કરકસરિયા, ચિંતનશીલ હોય છે.
-નાતમાં કુરિવાજોનો અભાવ,
-કંકુ અને કન્યાની ઉદાત્ત ભાવના,
-પુત્ર-પુત્રીનો સમભાવે ઉછેર,
-સાસુ-વહુના સંબંધ મા-દીકરી જેવા ,
-સ્ત્રી દાક્ષિણ્ય માટે પંકાય.
-નાનાં બાળકોને પણ માન (બેનામ) થી બોલાવે..
-નાગર ચકલો કે નાગર વાડો નાગરોનું મધ્ય વર્તી કેન્દ્ર.
અહી એક પણ વિષયની ચર્ચા બાકાત રહી જ ન શકે.
-કચ્છના નાગરોનાં ઘર પર હાથી અને સિંહ દોરેલા હોય છે.
એ ધૈર્ય અને જિગરના પ્રતીકો છે.
-બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રત્યક્ષ સાકાર-નાળીયેર દ્વારા શુભેચ્છા પાઠવવાની સુંદર અનોખી પરંપરા ફક્ત કચ્છનાં નગરોમાં જ જોવા મળે છે. એ આગવી ખાસિયત છે. અગાઉ,બોર્ડની પરીક્ષા દેવા રાજકોટ કે દરિયાપાર કરાચી કે મુંબઈ જવું પડતું. એટલે આ પરંપરા પ્રચલિત થઇ હતી. જે આજ પર્યંત જળવાઈ રહેતાં, બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે છે.
-નાગરોની કેટલીક અટકો વિચિત્ર ખરી ..નાતની બેઠકના સમાચાર કૈક આવા હોય...
...સર્વ શ્રી.હાથીના પ્રમુખપદે અને ઘોડાના અતિથિ વિશેષ પદે યોજાએલ નાગર જ્ઞાતિનાં સ્નેહ મિલનમાં સર્વશ્રી.માંકડ, મંકોડી વ..એ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
બૂચે પૂર્ણાહૂતિ કરી હતી.
..,નાગરોની રસિકતા તો જુઓ...!!
નાગરાણીઓ નાગરવેલનાં પાન જેવી હોય..
એ હિંચકે બેસી બેઠી બેઠી પતિને પાન આપતાં ગાતી હોય..
કપૂરી પાન ચુનાનું, સમારી સાફ તે કીધું,
કળીના કેશરી ચુના થકી તે ચોપડી દીધું,
સુગંધીનો મૂકી કાથો, લવીંગે તે દીધું ભીડી ,
પતિ પ્યારા સ્વીકારો ને, પ્રિયાનુ પાનનું બીડું..!!
જય હાટકેશ