ત્રણ વર્ષ થયાં, આ દેશે કેટલા જખ્મ સહ્યા,
પઠાણકોટ, ઉરી અને પુલવામાંના દંશ સહ્યા.
તે હતો દિવસ પ્રેમનો અને નફરત ફેલાવી છે,
અહિંસાના આગ્રહી સામે તલવાર ઉઠાવી છે.
ટુકડા ટુકડામાં જે વીરો વિખરાય ગયા જ્યાં,
કરી કુરબાન ખુદને, રક્ષાની કસમ નિભાવી છે.
વાત એ વિસરાય ગઇ, જે દેશની રક્ષામાં રહ્યા.
હરાજી થાય છે કરોડોમાં ક્રિકેટરોની આ દેશમાં,
કોઈ કિંમત નથી શહીદ થતા નરોની આ દેશમાં.
અંતિમ શ્વાસ પણ ન્યોછાવર કર્યો વતન ખાતર,
પણ વાહ-વાહી રાજકીય જાનવરોની આ દેશમાં.
પૂછો નેતાઓને શુ તેના દીકરા સરહદે કોઈ મર્યા?
શહીદોની શહાદત પર અહીંયા ચૂંટણી લડાય છે,
દેશની રક્ષા કરતા જવાન નહિ, સ્વાર્થ દેખાય છે.
અંધ ગુલામ માસિકતા ધરાવતી દેશની આ પ્રજા,
ચૂંટે છે નિર્માલ્યો ને અને દેશમાં માતમ છવાય છે.
જોઈ મતની સંખ્યા અને નેતાઓના આંસુ સર્યા.
શહીદ ભલે થાય જવાન, નેતાનું રાજ કાયમ રહે,
મૂંગી કલમ સાહિત્યકારની, જાનવરને કોણ કહે.
પુરી જમાત કરે છે વાહ વાહ ભ્રષ્ટ રહેનુમાઓની,
બસ પુરસ્કાર આપતા રહો, કમલ ચરણોમાં રહે.
મનોજ સ્વાભિમાની છે એટલે ડાકુ ને ડાકુ કહ્યા.
મનોજ સંતોકી માનસ