*સમય સમયની વાત છે*
વર્ષ 2002માં કેલિફોર્નિયાની સડકના એક કિનારે ઉભા રહીને એક વૃદ્ધ લઘુશંકા કરી રહ્યા હતા. જેમને પકડીને સાથે લઈને પોલીસ તેમના ઘરે મુકવા ગઈ. તેમના પત્નીને સોંપીને પોલીસે કહ્યું કે "આમનું વ્યવસ્થિત ધ્યાન રાખો. વારે વારે આ રીતે ઘરની બહાર નીકળી જાય છે.."
તે વૃદ્ધની પત્નીએ પોલીસ અધિકારીઓને દિલગીરી વ્યક્ત કરી. તે વૃદ્ધને ઘરમાં લઇ ગઈ અને સમજાવ્યા કે - "આપ જાહેરમાં આવી હરકત ન કરો.. આપને ન શોભે.. આપ એક ખ્યાતનામ અદાકાર રહી ચુક્યા છો અને આ મહાન દેશના આપ પ્રમુખ હતા.." તે વૃદ્ધને પત્નીની વાત સાંભળ્યા પછી પણ કોઈ ફરક ન પડ્યો. તે વૃદ્ધ હતા રોનાલ્ડ રેગન. હોલીવુડના એક શાનદાર અભિનેતા કે જેમની પાછળ દુનિયા પાગલ હતી. તેમની એક ઝલક જોવા માટે પણ લોકો કલાકો સુધી રાહ જોઈને ઉભા રહેતા. તેમની લોકપ્રિયતાને લઈને જ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. 20 જાન્યુઆરી 1981ના રોજ એક અભિનેતા અમેરિકાનો 40મો પ્રમુખ બન્યો. આ માણસની લોકપ્રિયતા જબરજસ્ત હતી સાથે કેટલાકને તેમના પ્રત્યે ભારોભાર ઈર્ષા પણ હતી. તેને પરિણામે પ્રમુખ બન્યાના અઢી માસના સમયમાં જ રેગન ઉપર જીવલેણ હુમલો થયો. ખુબ નજીકથી તેમની ઉપર ગોળીઓ વરસાવવામાં આવી. તે ઘાયલ થયા.. આખું અમેરિકા અને વિશ્વ સ્તબ્ધ હતું. પણ રેગન મોતને હંફાવીને પાછા ફર્યા. તેમની લોકપ્રિયતા બમણી થઇ ગઈ. 1981થી 1989 સુધી બે ટર્મ અમેરિકાના પ્રમુખ રહ્યા. રેગન નિવૃત થયા..
વર્ષોથી ચાહકોની જે ભીડ તેમની આસપાસ હતી જે આપોઆપ ગુમ થઇ ગઈ. જેમની ઝલક જોવા લોકો કલાકો ઉભા રહેતા હતા તે ભીડ હવે ક્યાંય નહતી. જેમના ઘરે ટ્રક ભરીને રોજ પત્રો આવતા હતા તે એકાએક બંધ થવા લાગ્યા. વર્ષોથી લાઈમલાઈટમાં રહેનારો માણસ ધીરે ધીરે ગુમનામીમાં જવા લાગ્યો. પરિણામ રૂપે આખરે ડિપ્રેશનનો શિકાર બન્યો. જીવનના અંતિમ દસ વર્ષ અલ્ઝાઈમરના કારણે તે પોતે કોણ છે તે પણ ભૂલી ચુક્યો હતો. કોઈક વાર તે ઘરેથી ચાલતો નીકળી જાય કલાકો સુધી ક્યાંક બેસી રહે. કોઈ સાથે વાત ન કરી શકે કે ના ખુદને ઓળખી શકે. તેમને શોધીને ઘરે લાવવા પડે તેવી સ્થિતિમાં દસ વર્ષ જીવ્યા બાદ વર્ષ 2004માં રેગને અંતિમ શ્વાસ લીધા.
સત્ય ન સ્વીકારી શકનારા કે પરિસ્થીતી મુજબ પોતાને ઢાળી ન શકનાર રેગન આપણા દેશમાં પણ ઘણા જોવા મળે છે. રાજકારણ, ફિલ્મ લાઈન, સ્પોર્ટ્સ ઉપરાંત જાહેર સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ પણ આ વ્યથા ભોગવતા જોવા મળે છે. કોમન મેનની વાત કરીયે તો વય નિવૃત્તિના અગાઉના કેટલાક મહિના દરમ્યાન દરેક કર્મચારી આ બાબતને સતત વિચારતો રહેતો હોય છે. નિવૃત્તિ પછી સામાજિક તથા પારિવારિક કદ ઘટશે.. વર્ચસ્વ ઘટશે.. સંપર્કો ઘટશે.. પરિસ્થિતિ સ્વીકારી સમય મુજબ પોતાને ઢાળવામાં હરકોઈ સફળ નથી થતું તો હરકોઈ નિષ્ફળ પણ નથી જતું.
*સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો*
_*મારા અને તમારા તમામ નિવૃત સગા-સંબંધીઓ,મિત્રો અને ભવિષ્યમાં નિવૃત્તિ થનારા તમામને સત્ય સ્વિકારવા માટે આ લેખ સમર્પીત છે.*_
*આપની શુભેચ્છક*
#copied