લઘુકથા
આંબો ને તુલસી
ફળીયાના ક્યારામાં ગોડ કરી, આંબાના છોડને ગોમતી ખાતર આપી રહી હતી.
નાની લાભુ રમતી હતી.
"બા..આ તુલસીને પણ ખાતર આપને.."
"ના..એને ખાતરની જરુર નહીં.. ખાલી પાણી જ અપાય.."
"કેમ..?.."
"આંબો મોટો થઈને છાંયો કરશે..ને કેરી આપશે.. એને ધ્યાન દઈ ઉજેરવો પડે..ને તુલસી તો આપમેળે ઉગે-ઉછરે..ને એક વરસે સુકાઈને વનમાં જાય.."
બા રોજ ભાઈને પરાણે ઘી-ગોળ ખવડાવતી તે દૃષ્ય લાભુના મનમાં ચીતરાયું..કંઈક સમજાયું.. કંઈક ન સમજાયું..
તેને લાગ્યું.. શું આંબા ને તુલસીમાં ફેર.. એટલો જ ભાઈ ને બેનમાં પણ.. ?
બપોરે ખાવા ટાણે બાએ પુછ્યું " તને શું આપું ..? ”
આંબો અને તુલસી.. હજી પણ તેના મનમાંથી ખસ્યાં નહોતાં..
મોંમાંથી પરાણે શબ્દો સરી પડ્યા...
"બા, મને ઘી-ગોળ ના ભાવે..હો.."
ને એક આંચકો ગોમતીના હૃદય સુધી પહોંચી ગયો.. મનોમન વિચાર્યું.. મારી દિકરી બહુ સમજુ છે.. મેં ક્યારેય ભઈલાની જેમ આગ્રહ કરીને ઘી-ગોળ આપ્યા નથી.. એટલે એનાથી બોલાઈ ગયું લાગે છે..તરત જ વાટકી ભરીને ઘી-ગોળ આપ્યા .
" ભલે ના ભાવે.. પણ આટલું ખુટાડ.. પછી જ બીજું માંગીશ તે આપીશ..”
ખાતાં-ખાતાં લાભુએ પુછ્યું..” બા.. ભગવાનને પ્રસાદ ધરીએ.. એમાં તો તુલસીનું જ પાંદડું નખાય ને..? આંબાનું કેમ નહીં..?”
ગોમતી હસી.. “ દિકરી.. તુલસી પવિત્ર છે.. એટલે ભગવાનને ગમે છે..”
લાભુના ચહેરા પર સંતોષની લેરખી ફરી વળી.. ભાઈ ભલે ને આંબો થાય.. હું તો તુલસી છું ને...
વાત્સલ્ય અને ત્યાગની જીવંત મુર્તિ -દિકરી ..👌🏻👌🏻👌🏻
.......મોહન પટેલ.