"મર્યાદા"
શબ્દ કેટલો સાદો લાગે છે નહિ?
જીવનને સીમિત કરીને પોતાની જાતને મનાવીને એક ખેંચેલી રેખામાં જ રહેવું એટલે મર્યાદા.
-@nugami
સુધીર દોડતો આવે છે.રેખાને દૂરથી જોતાં જ એ બોલે છે,
"રેખા,એક મિનિટ ઉભી તો રે."
સવાર સવાર માં બગીચામાં ચાલતાં ચાલતાં રેખા બોલી,
"શું કામ?"
"તું આમ કેમ બોલે છે? એક તો સવારે ચા પીવડાવ્યા વગર મારા પહેલાં જ નીકળી ગઈ.અને હવે ઉભી પણ નથી રહેતી.શું થયું આજે ?કહે તો ખબર પડે."હાંફતા હાંફતા સુધીર બોલ્યો.
સહેજ ઊંચા અવાજે રેખા બોલી,"આ પુરુષો ને તો બધું કહીએ ત્યારે ખબર પડે.અને અમારે તો એમનું બધું કીધા વગર જ સમજી જવું પડે. મારે તો સમજવાનું ખાલી,સમજાવવાનું ખરી હોય?
આ ઉંમર પણ હવે જાય છે,
૪૫ ની તો થઈ હવે રહ્યું કેટલું?
જતી ઉંમરે તમને કહીશ ને તમે માનશો એમ?"
સુધીર મલકાતાં બોલ્યો,"હા,આ ઢળતી ઉંમર નો સૂરજ તારી સાથે જોવો છે,તો હવે તો તારું માનવું જ પડશે ને."
રેખા ઉત્સુકતાથી બોલી,"સાચે?"
સુધીર દૃઢતા થી બોલ્યો,"લે,હા વળી,કે તું તારે."
રેખા બોલી,"તો મને જિન્સ લઈ આપો ને,મારી હોસ્ટેલ વાળી બહેનપણી છે ને એ અમેરિકા થી કાલે જ આવી છે અહીં,એણે પાર્ટી રાખી છે બધા ને મળવાનું કહ્યું છે.અને મારી બધી જ બહેનપણીઓ વેસ્ટર્ન કપડાં પહેરવાની છે, જોકે તેઓ આ ઉંમરે પણ વેસ્ટર્ન કપડાં પહેરે છે.અને હું એક બાઘા જેવી,આખી જિંદગી કંઇ શોખ ના કર્યા,બસ ઘરના બીજા બધા ની જરૂરિયાતો અને શોખ પૂરાં કર્યાં.
હવે હું થોડું મારી રીતે જીવવા માંગુ છું."
આ બધું સાંભળતા તો સુધીર ના કાન માંથી ધુમાડા નીકળવા માંડ્યા.
એતો કંઇ બોલ્યો જ નહિ,વિચારોમાં જ પડી ગયો.
રેખા બોલી," ઓ,સુધીર ક્યાં ખોવાઈ ગયા?મને ખબર હતી મારે ડ્રેસ માં જ જવું પડશે.જવાદો સમય ખોટો વ્યર્થ કર્યો તમારી સાથે વાત કરીને."
ત્યાંથી રેખા નીકળી ગઈ.
સાંજે ઓફિસ થી સુધીર ઘરે આવ્યો,આવતા વેંત બોલ્યો,"રેખા જલ્દી આવ."
રોટલી બનાવતા બનાવતા રેખા ગેસ બંધ કરી ને હોલમાં આવી ને બોલી "શું છે સુધીર? બૂમો કેમ પાડો છો આટલી?"
સુધીર હળવાશ અનુભવતા બોલ્યો,"આજે તારા માટે ગિફ્ટ લાવ્યો છું,જોઈ લે ."
પરસેવો લૂછતાં રેખા ગિફ્ટ ને હાથમાં લે છે ,બોક્સ ખોલી ને જુએ છે તો જિન્સ!
એતો જોતી જ રહી ગઈ.એની આંખ માંથી આંસુ આવી ગયા.
સુધીર રેખા ના ગાલ પર હાથ પસવારતા બોલ્યો, "રેખા,જીવન મર્યાદિત હોય છે,પણ ઈચ્છાઓ અમર્યાદિત....કપડાથી મર્યાદા નક્કી નથી થતી....
પણ જોવા વાળાની આંખોમાં મર્યાદા શોભે છે. મેં ક્યારેય તારા શોખ જાણવાનો પ્રયત્ન કર્યો જ નથી.પણ તું હવે કોઈ ઈચ્છાઓને મર્યાદામાં ના બાંધીશ.તારી બધી જ ઇચ્છાઓ હું પૂરી કરીશ. આપણે જીવંત રહીશું એ પણ અમર્યાદિત......"