હું જ માત્ર હતો તારો પ્રિય કવિ
એટલો પ્રિય કે..
ઢાળી શકતો સ્વયં ને તારા કોઈ પણ કલ્પનાચિત્રની વ્યાખ્યા પર
એક સમયે હું સર્વશ્વ હતો તારો
એક એવો કવિ જેમાં કશું જ અસામાન્ય નહતું
તું શોધી કાઢતી ઉદાસી માં કવિતા
મૌન માં અનુભૂતિ
અને અન્તર માં આશ્વસ્ત્તિ
ખુબ જ લાંબા અંતરાલના સંપર્કવિહોણા સમયગાળા બાદ પણ
હજુયે હું ખાત્રીપૂર્વક એટલું તો કહી શકું કે...
આજે પણ
તારા સ્મૃતીપટલે અંકિત હશે
મારા મરોડદાર અક્ષર
મારી ગંધ
મારું સ્મિત
મારો પ્રથમ દાર્શનિક ચહેરો
મારી કવિતાના સ્વરૂપમાં સંઘરી છે
કઈંક અધૂરા વાર્તાલાપ
ખુબ જ અંગત વાતો
પ્રિય કવિ હતો, એનો અર્થ એવો તો હું ન કરી શકું કે આજે અપ્રિય છું,
એવા ભાવાર્થ થી અન્યાય થશે
તને અને મને.
અને એક દિવસ પડી જ જાય છે સાવ જ અટૂલો કવિ
એટલો અટૂલો કે.. મહદ અંશે તેની સ્મૃતિભ્રંશ થઇ ગઈ
યાદ છે તો તેને માત્ર તેની કવિતા
હસવાં લાગે એકાંત માં
અને અચાનક રડવા લાગે ડૂસકા ભરીને ભીડમાં એક પાગલની માફક
ફક્ત એ યાદ કરીને કે..
કયારેક કોઈનો પ્રિય કવિ હતો.
-વિજય રાવલ