હાં...તારી જોડે.
વાત કરવી છે, ફક્ત તારી જોડે
ખુબ વાતો કરવી છે
ફોન પર નહી, રૂબરૂ
અને એમ પણ નહી.. કે “હાં.. બોલ જલ્દી શું કહેવું છે તારે ? “
હશે ફક્ત
હું, તું અને અંનત.... એકાંત
કહેવું છે મારે.. કેમ કરીને વિતાવી છે,
મેં એક એક ક્ષણ
ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર
ફર્સ્ટ ફ્લોર થી ટેરેસ
આ આલીશાન બંગલાનો એક એક ખૂણો
અને અંતે હારી, થાકીને શોધું તને હું બાલ્કનીમાં
કરું સવાલ સ્વયં ને .. તું છે અહીં કે.. હું એકલી જ છું ?
તને કંઈ ખબર છે ?
ઘણીવાર પકડાઈ ગઈ છું, હું ઘરમાં એકલી... બડબડાટ કરતી, લવારો કરતી
હું વહેચું છું,
મારી દરેક નાની અમથી વાત પણ તારી જોડે, મને એમ કે... તું મને સાંભળે છે
તું સાંભળે છે ને મને ? કે.. હું એકલી જ..?
તારી બધી જ ફેવરીટ બુક્સ મેં રટી લીધી છે
ફિલ્મો પણ વારંવાર જોઈ લીધી
એ બુક્સ ની વાર્તા મારે તને સંભળાવવી છે.. એ ફિલ્મો ના પાત્રો માં આપણે ક્યાં હતા એ મારે તને કહેવું છે..
તારી સાથે રહીને મેં આદુ-મસાલા વાળી ચા પીવાની પણ શરુ કરી દીધી છે..
તું.. તું ..હજુ ચા પીવે છે કે નઇ...??
કે.. હવે હું એકલી જ ?
સાંભળ ને.. મારે ખુબ વાતો કરવી છે તારી જોડે..
હવે જો તું આવીશ ને તો.. હું તને પકડી લઈશ.. જકડી લઈશ.
ખુબ તકલીફ પડે છે મને..
આ બધું કહેવા માટે
એ રાત્રે જાણે કે મારા પર વીજળી ત્રાટકી..
એ રાત્રે તું મને એકલી તરછોડી ને.. જતો રહ્યો..
તને ખબર છે.. શ્વાસ ને પણ શ્વાસ ચઢી ગયો હતો એ રાત્રે..
તું તો જતો રહ્યો'તો
હું... એક એક ક્ષણ તડપી છું
ભૂખ, નિંદ્રા બધું જ વિસરાઈ ગયું
હું.. સાચે જ એકલી ?
પ્લીઝ.. તું ગુસ્સો ના કરીશ
હું મારી વાત કરું છું.. ફરિયાદ નહી.
બસ.. એકવાર તારી બાહુપાશમાં સમાઈ ને.. કહેવું છે ઘણું બધું
હવે.. મને એવું લાગે છે કે..
પહેલા જેવું કશું જ નથી પણ...
દિલ તો એ જ છે ને...
એટલે તો આજે આટલી વાતો છે.. એ વાતો જે ફક્ત આપણી છે
તું કરીશ ને મારી જોડે વાત કે....
હું એકલી જ છું ?
તું ખુબ જીદ્દી છો.
કૈક તો બોલ ??
આમ એકતરફી કંઈ વાત થાય ?
માન્યું કે મને આદત છે.. બક બક કરવાની,
કયારેક મેં તારી વાત અધવચ્ચે કાપી પણ હશે.. સોરી.
ગુસ્સો કર, ફરિયાદ કર..
તું બોલે છે કે...હવે
હું ખરેખર એકલી જ છું ?
-વિજય રાવલ