(Short story)
"વહી જાય લાગણી...."
-@nugami.
શ્લેષા ઘરની બહાર નીકળી,હાથ માં પાકીટ અને છત્રી....
ધોધમાર વરસાદ અને સાથે વીજળીના કડાકા..
રાતના ૯ વાગ્યે એ ગુસ્સામાં બહાર નીકળી.
કારણ શું હતું??
હાથમાં છત્રી હતી છતાંય પલળતી જતી હતી કારણકે આંખો ને આંસુ નો ભાર ના લાગે અને ચૂપચાપ વહી જાય વરસાદ ના પાણી સાથે..!!
કારણ એનો પતિ સુધીર હતો...
જે હંમેશા પોતાની જરૂરિયાતથી જ એને પોતાની પત્ની નું સ્થાન આપતો...બાકી લાગણી શૂન્ય હતી...
શ્લેષા લાગણી ની ભૂખી હતી....
એ સાંજે દુકાને થી આવી ને સીધો જ રસોડા માં જઈ શ્લેષાને મારવા માંડ્યો...કારણ આજે ધંધો એક રૂપિયાનો પણ થયો નહિ અને એના માટે એ હંમેશા શ્લેષાને જ જવાબદાર માનતો એને જ ખોટા પગલાંની કહેતો...
આ તો રોજ નું હતું.
હવે શ્લેષા કંટાળી ગઈ હતી. એને બે વર્ષ ના લગ્નગાળા દરમિયાન આજસુધી કોઈ જ પ્રકારની શાંતિ નહોતી મળી.
એનું ઘર ઘર નહિ પણ અખાડો થઈ ગયો હતો..પણ આજે હદ થઈ ગઈ.
અને આજે જ એક બદલાવ આવ્યો..
જ્યારે સુધીર શ્લેષા પર હાથ ઉપાડવા ગયો એવો જ શ્લેષાએ ચપ્પા થી હાથ પર ઘા કર્યો. સુધીર રાડો પાડવા લાગ્યો અને બોલ્યો,"તારી એટલી હિમ્મત,મારા પર વાર કરે છે?? "
શ્લેષા બોલી,"હિમ્મત તો તે જોઈ નથી સ્ત્રીની, સ્ત્રી જ્યારે પોતાના આત્મસન્માન પર ઉતરી આવે એટલે ભલભલા એની સામે પાણી ભરવા માંડે. આજ સુધી હું ના બોલી એનું કારણ કે હું તમને પ્રેમ કરું છું અને રોજ એક આશા રાખતી કે કાલે સારું થઈ જશે..પણ નહિ,તમારે તો સુધારવું જ નથી..તો હું સુધરી ગઈ . અને હા જતાં જતાં એક વાત કહું છું એ હંમેશા યાદ રાખજો હું તમારા જીવન નો અડધો હિસ્સો છું,કોઈ વસ્તુ નથી કે જેના પર તમે રોજ ગુસ્સો ઉતારો..."
"બીજી વાત ,હું મા બનવાની છું અને તમારે જો સારા પિતા બનવું હોય તો પહેલાં માણસ બનો. આજે હું આ ઘર માં થી જાઉં છું મારી જાત સાથે રહેવા ,પૂરા સન્માન સાથે રહેવા,જીવન માં સાથની જરૂર હોય છે, આધારની નહિ..."
સુધીર તો સાંભળી જ રહ્યો.... નિ:શબ્દ થઈ...
અને શ્લેષા પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની વહી જતી લાગણીઓને સંકેલી ને ત્યાંથી ચાલી નીકળી પોતાને શોધવા......