નવા જીવનની છોળો આવી છે. જીવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદૃશ્ય હાથની ઇશારત હું મ્હારી સામે જોઈ રહ્યો છું - અને જવાબ આપું છું કે... આવું છું, આવું છું.
આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઊલટાવી પલટાવીને લખ્યા જ કરું. પણ સ્પષ્ટ કરી નહિ શકું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણ સમજી શકો.
અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદીરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ-બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું.
લિ. હું આવું છું.
-ઝવેરચંદ મેઘાણી
-રાષ્ટ્રીય શાયર
શ્રી ઝવેરચંદ મેઘાણીને
જન્મદિન નિમિત્તે સમર્પિત 💐
-Falguni Shah ©