આજે છે ફાધર્સ ડે. આ પિતા માટે ચોક્કસ ફળવાયેલ દિવસ વેસ્ટર્ન વર્લ્ડ માટે ઘણો જ મહત્વ ધરાવતો હોય છે જેમાં લોકો પોતાના પિતા સાથે સમય ગાળતા હોય છે. સંતાનો પિતાને ગીફ્ટ્સ આપીને જોડે જમતા હોય છે. માનો કે ના માનો પણ આખી અર્થવ્યવસ્થા આ સ્પેશિયલ ડેઇઝ ને આધારિત હોય છે. અહીંના લોકોની જે લાઇફસ્ટાઇલ છે એ મુજબ તો આ એક દિવસ આખે આખો ડેડીકેટ કરવો એ જરૂરી પણ છે અને કદાચ મજબૂરી પણ હશે. આમ તો ઘણા બધા ભારતીયો આ સ્પેશિયલ ડેઇઝ કે જે પશ્ચિમની સઁસ્કૃતિ માંથી ઉદ્દભવેલા છે એને પોતાની જાત સાથે સાંકળી નથી શકતા અને એટલે કદાચ ક્યારેય સોશિયલ મીડિયા ઉપર એ દિવસ પૂરતું મુકવામાં માનતા પણ નથી. હવે એક દિવસ પૂરતો પ્રેમ પ્રકટ કરવો ના કરવો એની પળોજણ માં નથી પડવું પણ મારી પોતાની વાત કરૂ તો મને પોતાને યાદ નથી કે મેં જાતે પણ કઈ સોશિયલ મીડિયા પર શેર કર્યું હશે. ખેર, એ દરેકનો પોત પોતાનો અભિપ્રાય અને અભિવ્યક્તિ છે.
સંતાનના ઘડતરમાં પિતાનો ફાળો જો માતાથી વધારે નઈ તો ઓછો તો સહેજપણ નથી. પિતા એટલે મમ્મી કદાચ દુર્ગાનું સ્વરૂપ લે ને તો પોતે મહાદેવ બની સંતાનો ને રોદ્ર સ્વરૂપથી બચાવી લે. પિતા એટલે તમારી જીદને એક વાર ના તો પાડે પણ જ્યારે સગવડતા થઈ જાય ત્યારે જીદને પણ પુરી કરી દે એવા સાન્તા ક્લોઝ. પિતા એટલે ગોલ્ડ અને ફિક્સ ડિપોઝીટ એટલે કે સંતાનો માટે એક જાતની સિક્યોરિટી કે કદાચ જીવનમાં ઠોકર વાગશેને તો સાચવી લેશે. મોટા ભાગના કેસમાં થોડા સ્ટ્રીકટ અને ડીસીપ્લીન્ડ હોય એવા પિતા સમય આવ્યે સંતાનોના મિત્ર પણ બની જતા હોય છે. પિતા જીવનના સૌથી કપરા પાઠ શીખવતા હોય છે. પિતાના ત્યાગનો સંતાનોને ભાગ્યે જ ખ્યાલ હોય છે.
પપ્પા નથીને હવે દોઢ વર્ષ થશે. રોજ યાદ કરૂ છું એમને છતાં ખબર નઈ આજના દિવસે અંદરથી #અત્યંત સ્ટ્રોંગ ફિલીંગ આવે છે. કુટુંબીજનો, મિત્રો ના સાથ અને પોતાના મનોબળે એ એમની લીવરની બીમારીમાં જબરજસ્ત લડ્યા અને પછી જેટલું પણ જીવ્યા એમાં ખૂબ પોઝિટિવ માઇન્ડસેટ સાથે મોટા ભાગે હસતાં જીવ્યા. હું અમારા જીવનના એ તબક્કા ને કાગળ પર ઉતારું તો એ આખો અલગ લેખ થાય પણ એ ફરી ક્યારેક. આજે જ્યારે પપ્પા અમારી વચ્ચે નથી ત્યારે ખાલીપો તો ચોક્કસ વર્તાય છે પણ એ હમેંશા કહેતા કે એક દિવસ તો બધાએ જવાનું જ છે તો કદાચ કાલે જવાનું હશે તો આજે જઈશુ પણ જેટલો સમય છે એને તો બેસ્ટ રીતે જ જીવવો. ગણપતિની સ્થાપના થાય છે તો અગિયારમાં દિવસે વિસર્જન પણ થાય છે. પ્રકૃતિનો નિયમ છે કે જો આયા હે ઉસે જાના હી હે. પપ્પા જોડેથી તો ઘણું શીખ્યો છું અને હું પ્રાથના કરું છું કે આવો લાઈફ પ્રત્યે આવો માઇન્ડસેટ હું પણ કેળવી શકું તથા આવો અભિગમ હું જ્યારે એક લાડકી નો પિતા બન્યો છે ત્યારે એને પણ શીખવી શકું.
ફાધર્સ ડે ના દિવસે પપ્પા સાથે સમય જરૂર પસાર કરો, ગિફ્ટસ આપજો, સોશિયલ મીડિયા ઉપર ફોટોઝ શેર કરજો પણ બને તો વરસના બધા દિવસ ફાધર્સ ડે તરીકે ઉજવજો કારણકે એ ખભો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી પડખે છે અને એ હૃદય તમારું હિત જ ઇચ્છતું હોય છે.
Happy Father's Day to All.
અસ્તુ🙏
~ કેવી શેઠ!