#અર્થ
#સમાચાર
વ્હોટ 3 વર્ડ્સ (what3words) નો #અર્થ ત્રણ શબ્દોનું સરનામું.
લગભગ બે એક વર્ષ પહેલાંની વાત છે. મે મારા ઘરે કોઈ ફૂડ આઇટમ ઓનલાઇન ઓર્ડર કરી હોમ ડિલિવરી કરાવી હતી. હું મારા મોબાઈલ થી પેલા ડિલિવરી બોય ને ટ્રેક કરતો હતો. મે ગૂગલ મેપ પર જોયુ કે, તે આઉટલેટ પર ગયો અને મારો ઓર્ડર લીધો અને ત્યાંથી તે મારા સરનામે આવવા નીકળ્યો. પણ કોણ જાણે કેમ, તેને મારું સરનામું ના મળ્યું, તેના મોબાઈલમાં ગૂગલ મેપ ખુલ્લો હોવા છતાંપણ. પછી તો એ મને ફોન પર ફોન કરીને સરનામું પૂછતાં પૂછતાં આખરે એક કલાકે મારા ઘર સુધી પહોંચ્યો ખરો. આવીને મને કહે કે તમારી સોસાયટીનું લોકેશન ગૂગલ મેપ બરાબર નથી બતાવતો એટલે હું આગળ જતો રહ્યો હતો. અને તેના ગયા પછી અમે ઠંડુ ફૂડ ખાધું.
કૈંક આવીજ એડ્રેસ ને લગતી સમસ્યાનો સામનો ક્રિસ શેલડરિક નામનાં મ્યુઝીક ઇવેન્ટ ચલાવતાં યુવાનને થયો. તેણે પરફેકટ લોકેશન માટે અક્ષાંશ રેખાંશ નો રસ્તો અપનાવ્યો તે પણ ઝંઝટભર્યું હતું. આથી એણે એના ગણિતમાં ખાંટુ મિત્ર મોહન ગનેસલિંગમ ને આનો રસ્તો કાઢવાનું કીધું.
મોહને ત્રણ શબ્દોમાં દુનિયાનાં કોઈપણ ભાગનું પરફેકટ લોકેશન મળી જાય તેવું વિચારી લીધું. તેણે પૃથ્વીને ૩ મીટર બાય ૩મીટર ના કુલ ૫૭ ટ્રિલિયન ચોકઠામાં (ગ્રીડ) વિભાજિત કરી દીધી. ત્યારબાદ ઓક્સફર્ડ ડીક્ષનરી ના ૪૦,૦૦૦ શબ્દો લીધા અને ત્રણ શબ્દોની એક પેર એમ ૬૪ ટ્રિલિયન પેર બનાવી. જરૂર હતી માત્ર ૫૭ ટ્રિલિયન પેરની જ. બસ કામ થઈ ગયું! હવે પૃથ્વીનો દરેક ખૂણો ૩મી બાય ૩મી ચોકસાઈથી સરનામિત થઈ ગયો.
ક્રિસ, મોહન અને ત્રીજો એક મિત્ર મળીને વ્હોટ 3 વર્ડ્સ (what3words) ની સ્થાપના ૨૦૧૩માં કરી.
ઘણાં લોકો પોતાની વેબસાઇટ, વિજીટીંગ કાર્ડ, ઇમેઇલ માં પોતાના એડ્રેસ તરીકે માત્ર ત્રણ શબ્દો જ લખતાં થઈ ગયા છે. મર્સિડીઝ કંપની એ પણ પોતાની કારમાં નેવિગેશન માટે આ સિસ્ટમ અપનાવી છે. ટાટા મોટર્સે ગયા વર્ષથી આ સિસ્ટમ અપનાવી છે અને લોન્લી પ્લાનેટ ટ્રાવેલ ગાઈડ પણ. ઇંગ્લિશ અને વેલ્શ ની ઈમરજન્સી સર્વિસ, સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ ફસાયેલા લોકોને ટ્રેક કરવા આ સિસ્ટમ વપરાય છે.
વ્હોટ 3 વર્ડ્સ (what3words) દુનિયાની ૪૩ ભાષાઓમાં ત્રણ શબ્દનું સરનામું અને તે પણ અંગ્રેજી શબ્દોનું ભાષાંતર કર્યા વગર તેમની જ ભાષાનો ઉપયોગ કરીને આપે છે. તમારા ડીવાઈઝ માં એપ ઇન્સ્ટોલ કરીને તમારું ત્રણ શબ્દનું સરનામું જાણી શકો છો. આ એપ ઓછી સ્ટોરેજ રોકે છે અને ઈન્ટરનેટની જરૂર નથી. what3words.com પરથી પણ મેળવી શકાય.
આટલું જાણ્યા બાદ મને પણ રસ જાગ્યો કે લાવને મારું ત્રણ શબ્દનું સરનામું શું છે. મે પણ મારા ઘરનું સરનામું ત્રણ શબ્દોનું શોધી નાંખ્યું છે. આ લેખ સાથે આપના રેફરેન્સ માટે તેનો સ્ક્રીન શોટ મૂકું છું. આપ પણ શોધો આપનું આવું અનોખું, અને ક્યારેય કોઈ ભૂલા ના પડે તેવું એડ્રેસ.
#અર્થ
#સમાચાર