અન્યાય ભરેલી આ દુનિયામાં,
હું ક્યાં ન્યાયની ફરિયાદ કરું ?
લોચને તો છે અશ્રુની ધારા ,
હે શ્યામ ! હું તુજને યાદ કરું.
ફરી ફરીને થાકી હે માધવ !
શોધુ હું પ્રેમની શીતળ છાયા .
પણ જોને ડગલે ને પગલે અહીં ,
નફરતના પામું હું પડછાયા .
ચારેબાજુ દર્દનો દરિયો હિલોળા લે ,
ક્યાં જઈને હું પોકાર કરું .
પૈસાને પૂજનારી સ્વાર્થી એવી ,
પ્રભુ કેવી તે આ દુનિયા બનાવી.
પોચામાં જ સૌ કોઈ પાટુ મારે ,
આ પોતાના એવું કેમ વિસારું .
જૂઠું છે જગ ને જૂઠી એની વાતો ,
હવે , એની પર કેમ વિશ્વાસ કરું?
મળતો નથી કોઈ જ મારગ ,
બહુ વસમી લાગે છે આ વાટલડી.
"ઝંખના" ને હૈયે છે જખમ ઘણા ,
કોને કહેવી દર્દની આ વાતલડી .
ફરિયાદ કરીને થાકી હે શ્યામ !
હવે , તને સાદ હું શું કરું ?
અન્યાય ભરેલી આ દુનિયામાં ,
હું ક્યાં ન્યાયની ફરિયાદ કરું .
ઝંખના ...