પગલાંથી છાપા સુઘી
બાળકનો જન્મ એક સ્ત્રીત્વને સાકાર કરનારું એક ઉમદા પાસું છે. જયારે બાળક જન્મે છે ત્યારે માની વેદનાનો પાર નથી રહેતો. પણ સાથે સાથે એને જે અપાર ખુશી મળે છે એની ખુશીમાં એ પોતાનું દુઃખ ભૂલી જાય છે. જ્યારે એક દીકરી બીજી દીકરીને જન્મ આપે છે ત્યારે એ બે વચ્ચે નો વ્હાલ નો સેતુ એક પિતા ખૂબ સારી રીતે સમજી શકે છે. દીકરીની છઠથી ના દિવસે એ લક્ષ્મી નાં પગલાંની છાપ લેવાય છે. આ પગલાં માતા પિતા નાં જીવનને, એમનાં ઘર પરિવારને સધ્ધર બનાવે છે. જ્યારે એ જ દીકરી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે એનાં હાથની છાપ એનાં ઘરની મજબૂત દીવાલોને ટેકો કરતી જાય છે કે એનાં ગયા પછી પણ એનાં માતા પિતા એ ચાર દીવાલોમાં મજબૂત બની રહી શકે. એ છાપ નહીં પણ મૂક હસ્તાક્ષર છે એ દીકરીના, જે બધું છોડી બીજાના ઘરને દીપાવવા નીકળી પડે છે.