છાંયડો...........(લઘુવાર્તા ) દિનેશ પરમાર 'નજર '
_______________________________________________
કાળઝાળ ગરમીમાં,સૂર્ય ના કાતિલ ભાલાના ફણા જેવા આકરા કિરણો ના અસહ્ય મારથી બચવા લોકો ઠંડક ની હુંફ આપતા પોતપોતાના સ્થાનો માં ગોઠવાઇ ગયા હતા અથવા ગોઠવાઈ રહ્યા હતા.....
કાયમની ટેવ મુજબ, પોળ ની સાંકડી ગલીઓ માં ચક્કર મારી બહાર રસ્તા આવી પોતાની આરામ કરવાની જગ્યા એ જવા માટે શેરીનો શ્વાન , બહાર તેની રાહ જોઈ રહેલા બીજા શ્વાન મિત્રો સાથે રોડ પર ની હારબંધ દુકાનો, રેંકડીઓ વટાવી છેક છેવાડે આવેલી પાકી વંડી વાળા ખુલ્લા પ્લોટ પાસે આવ્યા.
પણ આ શું???
ઘટાટોપ છાયા ની જાજમ પાથરી કાયમ ને માટે મૂંગા જીવોને શાતા આપતું ઘેઘૂર વૃક્ષ, મૂળસોતું ઉખડી ધરા પર પડી , યુધ્ધ માં હણાયેલા સેનાપતિ ની જેમ આખરી શ્વાસ લેતા હાંફી રહ્યું હતું.
થોડે દૂર પ્લોટ ની વંડી પાસે ઉભેલો શેઠ, બાજુમાં ઉભેલા તેના મહેતા ને કહેતો હતો કે, " આ પેલી પોળ ની સામેના છેડે મેઈન રોડ પર લોકોની અવરજવર રહે છે, પણ આ ઝાડ માં આપણાં ધંધાનું બોર્ડ ઢંકાઈ જતું હોઈ, ધંધા માં કમાણી ની રીતે કમાણી નથી થતી એટલે છેવટે પૂરું કર્યું."
પછી સામે ઉભા રહી ને બીડીઓ ફૂંકતા ત્રણેક મજૂરો તરફ ફરી ડોળા કાઢી બોલ્યા, " સા.... હરામ હાડકા ના... ઉભા છો શું? જલ્દી કરો આ નવું બનાવેલું મોટું બોર્ડ ઉભું કરી લગાવી દો... આ તડકો સહન નથી થતો. "
ગભરાયેલા મજૂરો ફટાફટ બોર્ડ લગાવા મંડી પડ્યા.
શોકસભામાં આવ્યા હોય તેવા ચહેરા સાથે ઉભેલું શ્વાન ટોળું
ધીરે ધીરે.. ધરતી પર પડેલા વૃક્ષ પાસે જઈ, આંખમાં આવી ગયેલા ઝળઝળિયા માં અસ્પષ્ટ દેખાતા થડપર વ્હાલથી જીભ ફેરવી ચાલવા લાગ્યા...
ત્યારે-
જે જગ્યા એ વૃક્ષ હતું ત્યાં વેચાણ નું બોર્ડ લાગી રહ્યું હતું..
તેમાં લખ્યું હતું કે, " વિકાસ કોલ એન્ડ વુડ સેન્ટર, અહીં દરેક પ્રકાર ના કોલસા ત્થા બળવા લાયક લાકડા, મોભ માટેના મજબૂત થડ વિગેરે વ્યાજબી ભાવે મળશે...
*****************
લખ્યા તા. ૧૯-૦૪-૨૦૨૦