એ સાંજ કદાચ ,એને એકદમ ધ્રાસકો આપી ગઈ. સતત એકવીસ દિવસ...ઘરમા, સતત પરિવારની સાથે રહેવાનુ. એક રીતે સારુ પણ લાગ્યુ કે ,સૌ સાથે પરિવાર જોડે રહેવા મળશે ..પણ ઘરમાં આ સમયમાં બધાના સ્વભાવને અનુકૂલન આપીને શાંતિથી સમય પસાર થાય એ પણ એટલું જ અગત્યનુ હતુ. પરિવાર કઈ બહુ મોટો ન હતો,પણ એનો સૂત્રધાર તીખા સ્વભાવનો હતો. સુત્રધારની કમાણી સીમિત,મિજાજ જાણે સાતમા આસમાને હોય એવો ! નબળો પતિ બૈરી પર શૂરો એ કહેવતને પૂરેપૂરી સાર્થક કરતો હતો . આમ પણ એ એને અને એની દીકરીને ઉતારી પાડવામાં કશુય બાકી ન રાખતો ! ને હવે એકવીસ દિવસ એની સાથે..સતત..ઉ.ફ્ ! એણે જાતને માનસિક તૈયાર કરવા લાગી..સતત કોઈને કોઈ પ્રવૃતિમા પોતાની જાતને ગળાડૂબ રાખવી ! પણ પ્રથમ દિવસથી જ જાણે પોતે પરીક્ષા આપવા માટે ઉતરી હોય એવો અનુભવ એને થવા લાગ્યો. સૂત્રધાર ઉઠે એટલે એની દરેક જરુરિયાત પૂરી પાડવી.અને જરાપણ વાર લાગી કે ઈચ્છા મુજબનુ ન થયુ તો એક ઉપનામ ઉર્ફે ગાળ થી એને નવાજવામા આવતી. એણે વિરોધ કર્યો પણ અસર થાય એવો આ સૂત્રધાર નબળો ન હતો ! પ્રથમ દિવસ થી જ એણે માનસિક સજ્જતા કેળવી હતી ,કે ભૂલેચૂકે ઘરકામમાં એનાથી કોઈ કચાશ ન રહે.આત્મીયતા નું નવુ વાવેતર થઈ શકે એવી બંન્ને વચ્ચે કોઈ શક્યતા ન હતી ! કે ભૂલેચૂકે પણ બે સારા ,લાગણીભર્યા શબ્દો સાંભળવા મળે...છતાંય એને આશા હતી કે આ નર્કાગાર માં હવે વીસ,ઓગણીસ..અઢાર....એવી ઉલટી ગણતરી કરીશ ત્યાં છેલ્લો દિવસ આવી જશે . પણ દિવસે દિવસે પરીક્ષાનુ પ્રશ્નપત્ર અધરુ થતુ જાય છે.એ જાણે સૂત્રધારના કેમેરામાં અંડર ઓબ્ઝરવેશન હતી.બે ,ત્રણ દિવસ તો એ વહેલી ઉઠી એનો એકાંત માણી લેતી.પોતાની જાત સાથે ,કુદરતના રંગો સાથે વાત કરવાની એની ટેવ હતી ! મનગમતા ગીત સાંભળવાની એની આદત હતી,કલાકો એ સખીઓ સાથે વાત કરી લઈ હળવી બની જતી ! પણ હવે તો સૂત્રધારે એની સાથે ઉઠવાનુ શરુ કરી દીધુ ! સતત તું શું કરશ ? કેમ ડેલીએ ઊભી રહી ? આવા ગીત કેમ ગમે ? બંધ કર આ કકળાટ...તારામા કેમ બુદ્ધિ નથી ? એ રુપાળુ ગધેડુ ! આખો દિવસ બસ બધા સાથે લપ જ કરવી છે ? ખબર નહી સૂત્રધાર પોતાને એની પાસે હોંશિયાર સાબિત કરવા માગતો હતો ! છતા એણે ચલાવ્યા રાખ્યુ .અમુક સંબંધ અનરીપ્લેસેબલ છે અને આ જ એનુ સત્ય છે આનાથી છૂટી શકવાનો સમય એણે ગુમાવી દીધો છે હવે કશુય થાય એમ નથી ! એ બાબત આરસ પરની લકીર જેવી છે ,એ હકીકત પર એને ભારે હતાશા આવી જતી . પણ નસીબ થી આગળ કશુય હોતુ નથી ! છતાય એણે પોતાને ધીરજ આપ્યા કરી ,કે એક દિવસ આ પરીક્ષા પૂરી થઈ જશે અને સૂત્રધાર કામે જશે અને ફરીપાછુ એને મુક્તિનુ આકાશ મળશે ! પણ સૂત્રધાર પાસે એને હેરાન કરવાના કિમીયા ઓછા ન હતા ! એણે એક દિવસ તો ઘરમા બોલવાનુ બંધ કરી દીધુ. સ્વભાવ સમજી એણે અનેક વખત બોલાવી મનાવવાના પ્રયત્ન કર્યા..પણ સૂત્રધારને તો પોતે પતિ હોવાનુ કઈ જાતનુ ગર્વ હતો કે ટસ થી મસ ન થતો.ઘરકામ અને વધતી લેફ્ટરાઈટમા એ ખરેખર કંટાળી ચૂકી હતી .ધીરજ ખૂટતી જતી હતી ! છતાય એ પોતાને ધીરજ અપાવ્યા કરતી કે હવે થોડા દિવસ આ જેલ ...આ કારાવાસ....પછી તો મુક્તિનો શ્વાસ હશે ! અમુક કલાકની જવાબદારી જ હશે ! આજે તો એ અબોલાના અંત થયો.સાંજે એ ઓટલે બેઠી ..સૂત્રધારની નજરથી દૂર ,મુક્તિનો શ્વાસ લેવા ..ત્યાંતો સૂત્રધાર પણ બારે આવ્યો.થોડી ડંફાસો મારી..એણે ન સાંભળવી હોય તો પણ સાંભળવી પડી ડંફાસો...! આજે એનો કંટાળો નજર સમક્ષ તરી વળ્યો..સૂત્રધારની નજર પર આ બાબત આવી ,અને એણે ખીજમા એને એક ધક્કો મારી દીધો ! ! ! કોઈ દિવસ નહી ને આ પણ બાકી હતુ ??? એ ગભરાઈ ગઈ ! વિરોધ ન કરી શકી !!! આંસુ પણ પી ગઈ ! સૂત્રધારનો ફરી વિજય ! ! ! વોટ્સ અપમા 'પરિવારના માળો ' શબ્દ એને વાહિયાત લાગ્યો ! કદાચ એની કિસ્મતમા માળા જેવી હૂંફ ન હતી ! અપમાન,તિરસ્કાર ,ધૃણા બધુય એકસામટુ ટોળે વળીને એને ધેરી વળ્યુ હતુ ! વધુ પડતા ડાહ્યા હોવાનુ ઈનામ એને મળી ચુક્યુ હતું.,આ જ એની હકીકત હતી ! અને સમયસર પોતાના જાત સાથેના અન્યાયનો વિરોધ ન કરી શક્યાનુ ફળ ! આ છતાય એણે ધીરજ ન ગુમાવાય એવી આશા સેવી ! લોકડાઉનના દિવસમા ઉમેરો .....અને એના અંત્યોદય માટેના સમયને હજી વાર ....બસ ..ફકત પરીક્ષા...પર પરીક્ષા...પર પરીક્ષા....! ! ! એક સવાલ , શા માટે એને ધીરજ બંધાતી હતી ? અંદાજ ખરો ? જવાબ ,..રોજ એના મન મંદિરીયે એના કાનાનો એને ત્રણ ટાઈમ શંખનાદ થતો ," હું છું ને તારી સાથે ! બસ થોડો સમય ઝીરવી લે ! આંખો બંધ કર હું તારી સાથે જ છું " ને એને ફરી મુક્તિના એક ટુકડાની આશ સર્જાતી ...અને ફરી ઉલટા કાઉન્ટડાઉન કરતી !