“લંકાદહન”
દૂત બની ને આવ્યો હું એક વાનર છું,
સંતાપી પતિ નો સંદેશ લઇ આવ્યો એક વાહક છું..
સજ્જન બની સોંપી દે “જાનકી” માત ને,
બચાવી લે રઘુરાય થી તારી જાત ને…
પુણ્ય ચરણ માં નમી તું,લઇ લે શુભાશિષ,
હજુ પણ સમય છે બચાવી લે તારા દસ શીષ…
સમજાવો દશાનન ને હે,સમજુ વિભીષણ,
નહિતર આગ માં બળશે આ સોનનગરી ભીષણ..
સત્ય કહું છું ,મર્યાદાપુરુષોત્તમ છે મારો નાથ,
એટલે જ તો હજુ છે સલામત તમારા હાથ..
બળ ના માપ તું મારું,હું છું “પવનસુત” હનુમાન,
મુજ થી સહસ્ત્રગણો બળવાન છે મારો ભગવાન..
એક વાનર ની વાત થી ગીન્નાયો દશાનન,
એની એક ત્રાડ થી ધ્રુજી ઉઠ્યા ચાર ભુવન..
મૂર્ખતા જોઈ મરકાયો મારૂતિનંદન,
મનોમન કર્યા રઘુરાય ને વંદન…
નિઃશ્વાસ નાખી બોલ્યા બજરંગ,
હે “અસુરરાજ” ઘમંડ થશે હવે તારો “ભંગ”..
વિદ્વાન છે તું પણ,અહંકાર પણ છે અપાર,
તારા “અહમ” ને ત્યાગ,તો થશે તારો બેડો પાર…
સુણી એક તુચ્છ વાનર ની વાત,
લાલચોળ થયો લંકા નો “તાત”
હુકમ થયો “લગાઓ આની પૂંછ ને આગ”,
ફરી ઉજાળે ન કોઈ “અશોકબાગ”..
રામનામ લઇ ઘૂંટણ પર બેઠા વાનરરાજ,
લંકાનગરી ખુબ ભડકે બળશે આજ…
સળગી પૂંછ થયો ચોમેર હાહાકાર,
હનુમંતે લીધું સ્વરૂપ વિકરાળ ..
અંતર માં લઇ ને રઘુવર નું નામ,
બજરંગે ફાળ ભરી વિશાળ..
ભડભડ બળી લંકા થયું દહન,
“ત્રાહિમામ” બોલ્યા ચારેય ભુવન..
તમારો જય જય જાનકીરાય,
સત્ય નો થશે હવે રણવિજય…
~અદ્વૈત