એક છોકરાએ તેના પપ્પા પાસે દિવાળી નિમિત્તે નવા કપડા અને ફટાકડાની માંગણી કરી, તેના પપ્પાએ હળવાશથી કહ્યું કે- "બેટા મારી પાસે એટલા પૈસા નથી, એટલે તારે કાં તો કપડા અથવા તો ફટાકડા બેમાંથી કોઇ એકની પસંદગી કરવાની રહેશે."
છોકરાએ વિચારીને કહ્યું,"પપ્પા, મને ટિ-શર્ટ લાવી આપજો."
"સારું તુ કહે એમ બેટા..."
સાંજે તે છોકરાના પપ્પાએ તેને નવી ટિ-શર્ટ લાવી આપી. છોકરો ખુશ થઇ ગયો અને પપ્પાને થેંક યુ કહી ચુમી ભરી. અને કહ્યું, "પપ્પા, આ ટિ-શર્ટ હું કાલે નવા વર્ષે પહેરીશ."
"સારું બેટા."
પછી તે છોકરો શેરીમાં દિવાળીની રોશની જોવા જતો રહ્યો... નવા વર્ષના દિવસે તે બાળકે તેના પપ્પાએ આપેલા નવીનક્કો ટિ-શર્ટમાં ચુપચાપ અગરબત્તીથી બે નાનાં કાણાં પાડી દીધાં હતાં. એના પપ્પાનું ધ્યાન એ કાણા પર પડ્યું તો દીકરાની બેદરકારી માટે મનોમન થોડો ખેદ અનુભવ્યો, પણ આટલા મોટા તહેવાર પર દીકરાએ ફટાકડાની જિદ્દ છોડીને એક ટિ-શર્ટ પર રાજી થયાની સમજણ દાખવેલી એ યાદ કરીને તેઓ આ કાણા વિષે કઈ બોલ્યા નહિ.
છોકરાના પપ્પા તો કઈ ના બોલ્યા પણ ઘરે જે-જે પણ મહેમાનો કે પાડોશીઓ આવે ત્યારે તે છોકરાની ટિ-શર્ટ જોઇને બોલી પડતા, "અરે ! દીકરા આ ટિ-શર્ટ પર કાણાં કેવી રીતે પડયાં?"
ત્યારે તે છોકરો કહેતો- "આ તો મારા પપ્પા મારા માટે ખૂબ ફટાકડા લાવ્યા હતા, તે ફોડતા ફોડતા તણખો ઊડી ગયો અને આ કાણાં પડયાં, પણ મારા પપ્પાએ આપેલી દિવાળીની ટિ-શર્ટ મને ખૂબ જ ગમે છે એટલે મેં આજે પણ આ કાણાંવાળી ટિ-શર્ટ પહેરી રાખી છે."
છોકરાના આ શબ્દો રસોડામાં મહેમાનો માટે મિઠાઇના ટુકડાઓ ગોઠવતાં તેનાં મમ્મી-પપ્પાના કાન સુધી પહોચતા અને નવા વર્ષની સવારે એ બંનેની આખો વરસી જતી.
એમની આંખોની એ ખારી ભીનાશ વ્હાલા દીકરાની સમજણની હતી કે પોતાની મજબૂરીની ? શી ખબર !
-હર્ષલ બ્રહ્મભટ્ટ
સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ...