તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો
મને આપ્યો છે કેવો જામ આ કે પી નથી શકતો
મને પાગલ થવાની એટલે ઇચ્છા થતી રૈ’ છે
સમજ એવી મળી છે કે હું કૈં સમજી નથી શકતો
તિરસ્કાર્યો છે તોફાનોએ કૈં એવો કે હું કેમે
કિનારા પર જઈને પણ હવે ડૂબી નથી શકતો
વિચાર્યું’તું હશે આ પ્યારનો રસ્તો સરલ-સીધો
વળાંકે હાથ ઝાલ્યો છે હવે ચાલી નથી શકતો
હું જન્મ્યો ત્યારે આ મૃત્યુય જન્મ્યું એટલે આદમ
હું રૈ’ નિશ્ચિંત મારી જિંદગી જીવી નથી શકતો
#શેખાદમ_આબુવાલા