રૂડાં આવ્યા છે ટાણાં રે કલમને ડાળખી ફૂટી,
મગાવો ગોળધાણા રે કલમને ડાળખી ફૂટી.
થયું છે અવતરણ એવું ધમાકેદાર શબ્દોનું,
પીગળશે આજ પાણા રે કલમને ડાળખી ફૂટી.
ફરી કોઇ અધરની ફૂંક ઈજન લઇ ઉભી તત્પર,
ફરીથી પાડ કાણાં રે કલમને ડાળખી ફૂટી.
મળ્યો છે રામજીનો સ્પર્શ કે સંજીવની બૂટી,
સજીવન થ્યા છે ગાણાં રે કલમને ડાળખી ફૂટી.
હતું જે બીજમાં તે વૃક્ષમાં કૂંપળ થઈ ઊગ્યું,
ઉકેલાયા ઉખાણાં રે કલમને ડાળખી ફૂટી.
—પારુલ ખખ્ખર
Parul Khakhar