ગઈકાલે બીજાઓથી મોડું પણ ઓચિંતું લાલો ફિલ્મ જોઈ.
સાચે જ સરસ સ્ટોરી. પરેશ રાવળ ની OMG જોઈ હોય તો એમાં એક રીતે, અહીં બીજી રીતે, કૃષ્ણ સહાય કરે છે. યુદ્ધ તો આપણે જ લડવાનું. એ રસ્તો ચોક્કસ બતાવશે. જ્યાં આપણે અટકીએ ત્યાં.
દૂબળો પાતળો, jhantiya વધી ગયેલો રિક્ષાવાળો આબેહૂબ ઉપસાવ્યો છે. એને દીકરીના ઓપરેશન વખતે પૈસાની જરૂર પડતાં મજબૂરીથી ખોટી સોબત, વ્યાજે પૈસા, દારૂ અને કોઈને શંકાસ્પદ રીતે પૈસા ભરેલી બેગ લઈ અવાવરુ બંગલામાં ઘૂસતો જોઈ પીછો કરે છે અને પેલો તો જતો રહે, પોતે ફસાઈ જાય છે. બહાર નીકળવાની જાળીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે એનો જોરદાર શોક પણ લાગે છે. એ બધા પ્રયત્નો કરે પણ કશું વળે નહીં. વરસાદનું ટપકતું પાણી પી તરસ છિપાવે. બૂમો પાડે, વાંસ સળગાવી ધ્યાન ખેંચે પણ રડ્યો ખડ્યો કોઈ આવે એનું ધ્યાન જતું નથી. આમ પૂરા 24 દિવસ પસાર કરે છે પણ જીવી જાય છે. કદાચ એ જ સ્થિતિમાં હેલ્યુસિનેશન થતાં પોતાની સામે કૃષ્ણને જુએ છે. કૃષ્ણ અને અન્ય દેવોની ધાતુની કિંમતી મૂર્તિઓ ચોરાઈને ત્યાં સંઘરેલી છે..
પત્ની પોલીસ ફરિયાદ કરે છે પણ દારૂડિયો છે, ક્યાંક મરી ગયો હશે કહી ધ્યાન આપતા નથી.
આખરે કૃષ્ણ જ રસ્તો બતાવે છે, થાકીને સતત ભીંત સાવ નાના સળિયાથી ખોદી એ બહાર નીકળે, ત્યાં બેભાન થઈ જાય અને ગોતતી પોલીસ આવી પહોંચે ત્યાં પેલો મૂર્તિચોર બંગલામાં જતો પકડાઈ જાય છે. આને લાલચમાં મળેલી પૈસાની બેગ ત્યાં જ પડી રહે છે.
મને તો ગમ્યું. ઘરના લોકોને સ્ટોરીમાં સવાલ ઉઠ્યા. વર 15 દિવસથી લાપત્તા હોય તો વહુ શણગારીને ગરબામાં ફરે? ઘરમાં ખાલી બસો રૂપિયા હોય ત્યારે પત્ની કેમ કામ કરવા ન ગઈ ને પછી ગઈ? પોલીસને લાલા ના ફિંગર પ્રિન્ટ મૂર્તિઓ કે બેગ પર કેમ ન મળ્યાં? ઘરનાઓએ સવાલ ઉઠાવ્યા પણ ફિલ્મ છે. કેટલુંક ચાલે.
ભજનો થોડાં વધુ છે અને ફિલ્મ જુનાગઢ દર્શન ઉપરાંત કૃષ્ણ સંબંધી યાત્રાસ્થળો ના દર્શન વધુ કરાવે છે એમ પણ લોકો કહેતા હતા.
મેં તો તર્કશક્તિ બહાર મૂકી ફિલ્મ માણી. એકાંત બંગલામાં જીવન મરણ સામે ચોવીસ દિવસ ઝઝૂમતા રિક્ષાવાળા યુવાન ની અને એની ઈશ્વર પર શ્રદ્ધાની વાત છે.
લાલો સદા સહાયતે. "હાક પાડ, હાજર છું " મારી જ એક કવિતાની પંક્તિ. એ જ સંદેશ અહીં.
ગુજરાતી ફિલ્મ તરીકે એક મારી દ્રષ્ટિએ ખૂબ સારી ફિલ્મ.