દિવસ આખો સપનાઓ પાછળ દોડાઈ જવાય છે,
રાત થતા જ સપનાઓ જાણે મૃગજળ બની જાય છે.
ધૂપસળીની મહેકને તમે અવગણતા નહીં હો જનાબ,
સ્ત્રી છું હું , જાત બાળીને પણ બધે મહેક ફેલાવી જાણી છે.
કમળથી ભરેલ તળાવ આમ તો તમને ખૂબ વહાલું લાગે છે,
પણ એની નીચે ધરબાયેલ કાદવની વ્યથા તમને પરાયી લાગે છે.
પાંપણોની સાદગી અને કાજળ ભરેલ આંખોથી ઈશ્ક થાય છે,
પણ દીલમાં ભરવાની વેળાએ જ તમારી આંખોને થાક લાગે છે.
ચાહતના બજારમાં હીરા, મોતી, માણેકના મોલ નથી હોતા,
ધડકનો સોંપી તમને,અમારી.. ખુદ જ પાયમાલ થયા છીએ.
સાચવજો એ કિસ્સાઓને અને વાતોને તમારા રાજદરબારમા,
અમે તો રહ્યા સેવકની જાત, સમયની માંગને સમજી દૂર થઈ રહ્યા છીએ!
- નિપા જોશી શીલુ