? ચિત્ર જોઈ લખેલી રચના?
*આધુનિક યંત્ર આવતા પુસ્તકની થયેલી હાલત*
નિરવતાથી ઘેરાયેલા મારા,
શયન કક્ષમાં મંદ મંદ લહેરાતા
પવનના વાયરા સંગાથ જાણે કોઈ
ડુમાં ભરતું,
ચારેક માસનું બાળક રડતું હોય
એવો,અવાજ મારાં કાને પડતા,
મન સાથે મારી આંખો પણ બેચેન બની,
એ અવાજને શોધતી આંખો ચારે દિશા એ
ફરતી, અંતે મારા માળિયાનાં કબાટ પર જઈ
અટકી,
કબાટ ખોલી જોયું તો ખૂણામાં જર્જરિત
હાલતમાં પડેલ મારાં પુસ્તકને જાણે વાચા
ફૂટી નીકળી અને,
મારી સાથે એ સંવાદ કરતાં બોલ્યું તું..
આધુનિક યંત્રની એટલી તાબે થઈ ગઈ કે,
તું આપણી મિત્રતા ભુલાવી બેઠી?
યાદ છે ને તને,
તું મારામાં એટલી ગરકાવ થઈ જતી કે
તારી ગમતી પેન્સિલ સાથે રાખતી કે
કોઈ શબ્દ છૂટી ન જાય.
ક્યારેક તું કોઈ પન્ને પાગલની માફક હસતી,
તો કદી આંખેથી આંસુ સારતી, કદીક
ચિરનિંદ્રામાં આંખે પહેરેલા ચશ્માં સાથે પોઢી જતી
અને હવે,
તું આ બધું ભુલાવી આધુનિકતા સાથે
એટલી વ્યસ્ત થઈ પડી કે..
મને માળિયાની અંધારી કોટડીમાં પુરી,
ભીતરથી ખોતરી ખાતી જીવાત સાથે,
મારા અસ્તિત્વને મિટાવતાં છતનાં ટપકતાં ટીપાં સાથે મને અંતિમ શ્વાસ
ભરવા છોડી દીધું...
-સચિન સોની
22/06/19