રવિવારની રમૂજ (વ્યંગમ)(પૈસા)
એ ફક્ત બોલી શકે છે હાથનો છે મેલ પૈસા.
હાથમાં જેના હશે હંમેશ રેલમછેલ પૈસા.
જિંદગી જુગાર જેવી રોજ જીતે રોજ હારે ,
ને રમે છે રોજ નવલા ને અજબ શા ખેલ પૈસા.
જાય માણસ રોજ રટતો હાય પૈસા હાય પૈસા.
સાથ ના આવે તિજોરી માં છુપા રાખેલ પૈસા.
ટેરવાં જે ગાલ પરથી આંસુડાંને લૂછતાં' તાં,
થઇ ગયાં બરછટ નઠારાં જ્યારથી ચાખેલ પૈસા.
શ્વાસમાં વિશ્વાસ તૂટ્યા વીરડામાં નીર ખૂટ્યાં.
ફાંદમાં ઉછર્યો અજંપો જ્યારથી ખાધેલ પૈસા.
વાત નાણાંની હવે કરતા નથી જાહેર દાજી,
માત્ર પૂછ્યું બેંકમાં છે કેટલા રાખેલ પૈસા.
શું જવાબો આપશો ઇશ્વર તણા દરબારમાં જઇ,
કેટલા ખાધેલ પૈસા કેટલા પીધેલ પૈસા.
દાજી